તહેવારો રોજીંદી માનવજીવન ઘરેડમાં બદલાવ કે નિરાંતના દિવસો હોય છે. માણસ પોતાની રોજીંદી દિનચર્યામાંથી મુક્તિ પામીને આનંદમાં સમય પસાર કરે, ઉત્સવ એ ઘટના છે. આપણે વાંચતા લખતા આવ્યા છીએ કે ભારત ઉત્સવ પ્રિય પ્રજાનો દેશ છે. દેશના કોઈના કોઈ ખૂણે કોઈને કોઈ ઉત્સવ ચાલી જ રહ્યો હોય છે. ભાતીગળ સંસ્કૃતિ અને વિવિધતા આ શક્ય બનાવે છે. દરેક તહેવાર સાથે કોઈને કોઈ ધાર્મિક કથા, માન્યતા કે શ્રધ્ધા જોડાયેલ છે.
ત્રેતા યુગમાં ભગવાન શ્રીરામનું લંકા વિજય બાદ અયોધ્યા આગમન, દ્વાપર યુગમાં ભગવાન શ્રીકૃષ્ણ દ્વારા કે તેમની પત્ની સત્યભામા દ્વારા નરકાસૂર વધ, શીખોના છઠ્ઠા ગુરૂ હરગોવિન્દસિંહજી આ દિવસોમાં જહાગીરની કેદથી મુક્ત થઈને અમૃતસર પાછા ફર્યા હતા, જેને શીખ સંપ્રદાય બંદીછોડ દિવસ તરીકે ઉજવે છે. બલિરાજાના ભગવાન વિષ્ણુને પૃથ્વી દાન કરવા બદલ ભગવાને આપેલ વરદાન મુજબ દિવાળી ઉજવવામાં આવે છે. ભગવાન બુધ્ધના અનુયાયીઓ દ્વારા દીવડા પ્રગટાવીને આ દિવસોમાં ભગવાનનું સ્વાગત કરેલ, જૈન ધર્મ માં દિવાળી ભગવાન મહાવીરના નિર્વાણનું પ્રતિક છે. સમ્રાટ વિક્રમાદિત્યના રાજ્યાભિષેક જેવા પ્રસંગ સાથે દિવાળીના તહેવારનું મહાત્મય જોડાયેલું છે. એક કથા પ્રમાણે સમૃદ્ધિ અને ધનની દેવી માતા લક્ષ્મીના લગ્ન ભગવાન વિષ્ણુ સાથે થયા હતા. આથી ધનતેરસ અને દિવાળીના દિવસે લક્ષ્મી અને વિષ્ણુનું પૂજન કરવામાં આવે છે. એ સિવાય પણ ઘણા પ્રસંગો દિવાળી સાથે જોડાયેલા છે. પ્રાંત પ્રાંત અને પ્રજા પ્રજાની કથાઓ દિવાળી માટે અલગ છે. પણ મિજાજ એક છે, ઉત્સવ. પાંચ દિવસના આ તહેવારનો ઈતિહાસ હિન્દુસ્તાનનો દરેક માણસ જાણે છે. દરેકની ઉજવણીની માન્યતા કદાચ અલગ હોઈ શકે છે પણ ઉત્સવ એક જ છે. આ સમય દરમિયાન દેશના મોટાભાગના વિસ્તારોમાં લણણીની મોસમ પૂરી થઇ રહી હોય છે, કૃષિ ચક્ર મુજબ ખાતા બંધ કરવાનો સમય છે. થયેલ પાક બદલ અને આવનારા વર્ષ માટે સારા પાક બદલ પણ લક્ષ્મી પૂજા કરવામાં આવે છે. વેપારીઓ પણ પોતાના વાર્ષિક હિસાબો પતાવીને ચોપડાપૂજન કરે છે.
દિવાળીના તહેવારને અંધકારથી પ્રકાશ તરફ અને અસત્ય તરફથી સત્ય તરફ ગતિનું પર્વ માનવામાં આવે છે. માણસની પોતાની આંતરિક અને સમષ્ટિ એમ બંને આયામ પર અંધકાર અને અજ્ઞાનને દૂર કરીને પ્રકાશ અને જ્ઞાન તરફ ગતિના દિવસો છે. રાવણવધ બાદ રામનું અયોધ્યા આગમન એ અસૂરી શક્તિ પર વિજય બાદ ઘરના મોભીનું ઘરમાં આગમન છે. હિંદુ નવવર્ષના દિવસોમાં ગૃહિણીઓ ઘરની સાફસફાઈ કરે છે. ઘરના દરેક ખૂણેખાંચરેથી ધૂળ મેલને ઝાપટી કાઢવામાં આવે છે. એ પ્રતિક છે જીવનના દરેક આયામ પર સાફસફાઈ કરવાનું. આખું વર્ષ કામ કર્યા બાદ શરીર મનને તાજગી આપવાનું કામ ઉત્સવો કરે છે. આ પાંચ દિવસ એવા રહે છે કે જેમાં દરેક પરિવારની દિનચર્યા લગભગ સરખી રહે છે. પરિમાણ નાનું મોટું હોઈ શકે છે પરંતુ નાનો મોટો, ગરીબ તવંગર દરેક એક સરખા સમયકાળ પર એકસરખા ઉત્સાહથી ઉજવણી કરે છે. નાનામાં નાનો માણસ પણ પોતાની ક્ષમતા પ્રમાણે આ દિવસોની ઉજવણી કરે છે.
આ દિવસો ઘણા બધા પ્રતિક લઈને આવે છે. માનવ જીવનમાં સમયનો એક વર્ષનો નાનો કાલખંડ પૂરો થાય છે, એક નાનકડા આનંદપૂર્ણ સમય બાદ નવો સમય, નવી શરૂઆત થઇ રહી હોય છે. જુનું ભૂલીને કે જૂનામાંથી બોધપાઠ લઈને માણસ નવાની શરૂઆત કરે છે. આજના તણાવગ્રસ્ત સમયમાં જયારે માણસ રવિવારની પણ આતુરતાથી રાહ જોતો હોય ત્યારે દિવાળી જેવો એકાદ અઠવાડિયાનો તહેવાર માણસમાં નવી તાજગી અકે કામ કરવાની ઉર્જા જરૂર ભરી આપે છે. એક વર્ષ દરમિયાન થયેલ કાર્યો, મળેલ ઉપલબ્ધિઓ અને સફળતા નિષ્ફળતાઓ પર પાછું ફરીને જોઈ લેવું જોઈએ અને એ આકલન મુજબ ભવિષ્યનું આયોજન કરવું જોઈએ. દિવાળીનો સમય આ બાબત માટે શ્રેષ્ઠ છે. જુનું ભૂલી તેમાંથી લઇ શકાય એવો બોધપાઠ ગ્રહણ કરી નવાની શરૂઆત કરવાનો ઉત્તમ સમય છે. કારણ કે તમારી આસપાસનો મોટાભાગનો સમૂહ તેમ કરવા જઈ રહ્યો હોય છે. નવા સંકલ્પો લઇ આવનારો સમય બહેતર બનાવવાની કોશિષ શરુ કરવાનો સમય છે.
ક્વિક નોટ - દિવાળીનો સૌથી પ્રાચીન સંદર્ભ આચાર્ય જિનસેન લિખિત હરિવંશ-પુરાણમાં જોવા મળે છે. જે શબ્દ દિપાલિકાયા શબ્દ સાથે સંકળાયેલો છે.
"તતસ્તુઃ લોકઃ પ્રતિવર્ષમાદરત પ્રસિધ્ધદીપલિકયાત્ર ભારતે સમુદ્યતઃ પૂજયિતું જિનેશ્વરં જિનેન્દ્ર-નિર્વાણ વિભૂતિ-ભક્તિભાક"
અર્થાત આ પ્રસંગના માનમાં દેવતાઓએ પાવાપુરીને દીવડાઓના પ્રકાશથી ઝળહળાવી હતી. કારણ કે તે સમયે ભારતના લોકો ભગવાન મહાવીરના નિર્વાણ પ્રસંગે તેમની ભક્તિ માટે પ્રખ્યાત તહેવાર "દિપાલિકા"ની ઉજવણી કરી રહ્યા હતા.

