અમરેલી સ્ટેશન રોડ સ્થિત ગોપી ટોકીઝની બાજુમાં આવેલ હેપ્પી હોમ બ્રહ્માકુમારી સેવા કેન્દ્ર ખાતે ત્રણ દિવસીય બાળકી મોટિવેશન કેમ્પનું સફળ સમાપન થયું હતું. કેમ્પમાં રોજ અંદાજે ૧૩૦ જેટલા બાળકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. કેમ્પ દરમિયાન બાળકોને રાજયોગ મેડિટેશન, યોગાસન, સકારાત્મક વિચારધારા, મૂલ્યલક્ષી શિક્ષણ, આર્ટ એન્ડ ક્રાફ્ટ, રમતગમત તેમજ મેમરી પાવર વધારવા જેવી વિવિધ પ્રવૃત્તિઓ કરાવવામાં આવી હતી.આ કાર્યક્રમનો મુખ્ય હેતુ બાળકોમાં આત્મવિશ્વાસ, એકાગ્રતા અને સારા સંસ્કારોનો વિકાસ કરવાનો હતો.
કેમ્પના ઉદ્ધાટન પ્રસંગે બાળરોગ નિષ્ણાત ડો. એસ.આર. દવે તથા ડો. નીતિન ત્રિવેદી ઉપસ્થિત રહ્યા હતા.
સાથે જ સંસ્કાર સ્કૂલના પ્રિન્સિપાલ બીનાબેન ગોંડલિયા, બી.કે. કિરણબહેન અને બી.કે. તૃપ્તિબહેન દ્વારા દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી.કેમ્પમાં ભાગ લેનાર તમામ બાળકોને પ્રોત્સાહક ઇનામો અને શુભેચ્છાઓ આપવામાં આવી હતી. વાલીઓએ પણ આવા કાર્યક્રમોને બાળકોના સર્વાંગી વિકાસ માટે ઉપયોગી ગણાવી પ્રશંસા વ્યક્ત કરી હતી. સમગ્ર કાર્યક્રમનું આયોજન બ્રહ્માકુમારી અમરેલી કેન્દ્ર દ્વારા કરવામાં આવ્યું હતું.

