??શરદ ઋતુ હવે શરૂ થઈ છે. આપણું ઋતુ ચક્ર જ એવું છે કે એમાં શરીર સાથેના હિસાબ કિતાબનો મહિનો હોય છે છેલ્લો. છેલ્લો એટલે ભાદરવો અને આસો. શરદ ઋતુ શરીરના હિસાબ-કિતાબની ઋતુ છે, એટલે કે આખા વર્ષ દરમિયાન તમે શરીર પર જે વીતાડી હોય છે અને શરીર પર પોતાના મોજશોખ ને કારણે એક પછી એક જે જુલમ કર્યા હોય છે એનો હિસાબ લેવા માટે શરીરને કુદરતે શરદઋતુ આપી છે.
શરદઋતુ આમ તો ચાર્ટર્ડ એકાઉન્ટ કે ઓડિટર કક્ષાની ઋતુ છે. ગુજરાતીઓમાં જે બહુ જ અણગમ્યે જાણીતો શબ્દ છે અને જેને ગુજરાતીઓ રોગ ગણતા જ નથી એ શરદી શબ્દ પણ શરદઋતુ પરથી ઉતરી આવ્યો છે. ગુજરાતમાં તો કેટલા બધા લોકો શરદીથી ઘેરાયેલા હોય છે. લાખોની સંખ્યામાં શરદીયુકત નાસિકાઓ હોય છે. એક ગુજરાતી તરીકે આવા શરદી પ્રકરણ અંગે દરેક ગુજરાતીને શરમ આવવી જોઈએ. શરદી લઈને કોઈના ઘરે જવાય ? આ વિચારની શરૂઆત થવાને ન જાણે હજુ કેટલાય વરસોની વાર છે.વળી આ શરદીનો પ્રચાર અને પ્રસાર સમગ્ર વર્ષ દરમિયાન ચાલુ રહે છે. જાહેર ખરીદીના સ્થળોએ અને સગા - વહાલાઓમાં, બધા મિત્રોમાં પણ અને મુરબ્બીઓમાં પણ નિયમિત રીતે શરદીના જીવંત અવશેષો જોવા મળે છે. ગુજરાતીઓ માથે આ કેવડી મોટી આપત્તિ છે એ સમજતા હજુ દાયકાઓ જવા દેવા
પડશે. એક તંદુરસ્ત માણસે ગુજરાતીઓ વચ્ચે શરદી મુક્ત રહેવું બહુ અઘરું થઈ ગયું છે. કારણ કે ચોતરફ શરદીનું વહન કરનારા લોકો નફ્ફટ અને બેધડક રીતે ફરતા હોય છે. જેને મોટા ભાગના ગુજરાતીઓ રોગ માનતા નથી એ શરદી ખરેખર તો સંખ્યાબંધ રોગની માતા છે. શરદીમાં કમાલ એ છે કે એ જ્યાં ઘર બનાવે છે એમાંના કેટલાક ઘર તો એ ખાલી કરતી જ નથી. એટલે કે આજીવન ધામા નાખે છે. જેનું મૂળ કારણ અને મૂળ રોગ માત્ર શરદી હોય એ આગળ જતા શ્વાસના, ફેફસાના કફ અને પિત્તના…. એમ અનેક જીવલેણ રોગોનો પડાવ બને છે. કોઈ આયુર્વેદિક વિદ્વાનને પૂછો તો એ માત્ર શરદીમાંથી પ્રગટતા હજાર રોગાદિકના નામો આપશે. આપણી શરદીનો ઈતિહાસ બહુ લાંબો નથી. પ્રમુખ કારણ તો એ છે કે આપડે જાણતા જ નથી કે ગટરના પાણીમાંથી તૈયાર થતા શાકભાજી કોની થાળીમાં જાય છે. એ થાળી આપડી પણ હોઇ શકે છે. જેઓ અમેરિકા ગયા હોય એમને ખબર છે કે એના લીંબુ અને આદુ કેવા મઘમઘતા હોય છે. અમેરિકાના શાકભાજીના અસલ સ્વાદ અને એની મહેંકથી ભારત હજુ દાયકાઓ દૂર છે. જેણે પોતાના બાળકોનું ભવિષ્ય નીરોગી રાખવાની ઝંખના હોય એમણે આ શાકભાજી ક્યાંથી ઉગીને ઊભા થયા છે એની ખબર ન હોય ત્યાં સુધી એને સંતાનોના પેટમાં પ્રવેશવા ન દેવાય. ગટરના પાણીમાં કે પ્રદૂષિત નદીઓના કાંઠે ઉગેલા શાકભાજી આપડી રોગ પ્રતિકારક શક્તિને ખલાસ કરે છે અને પછી તો ડેન્ગ્યુ સહિતના કોઈ પણ રોગ થાય અને જિંદગીના વહાણને આમથી તેમ ફંગોળે. આ વખતે ડેન્ગ્યુમાં બાળકો ઉપરાંત કિશોરો અને યુવક-યુવતીઓએ પણ જિંદગી ગુમાવી છે.
આપડી ટેલિવિઝન ચેનલો એ વાત બહુ ચાલાકીથી છુપાવે છે કે ગુજરાતમાં ડેન્ગ્યુ ખતરનાક હદે આગળ વધી ગયો છે. આ વખતે રોગચાળામાં કિશોરથી યુવાવય સુધીના લોકો પણ સપાટામાં આવ્યા તેનું એક મુખ્ય કારણ ફાસ્ટ ફૂડ છે. ફાસ્ટ ફૂડમાં અનેક પ્રિઝર્વેટિવ ( વસ્તુ ખરાબ ન થઈ જાય એ માટે ઉમેરાતાં કેમિકલ્સ ) અને અન્ય રાસાયણિક રંગો અને એસિડિક પદાર્થો ઉમેરવામાં આવે છે. ઉપરાંત એની રચના અને આહાર વચ્ચે બહુ મોટો સમયપટ પસાર થયો હોય છે.
આપણે ત્યાં કેટલાક જૈન મુનિ મહારાજોએ આહાર વિજ્ઞાનનો બહુ નિષ્ઠા અને ખંતપૂર્વક પ્રચાર કર્યો છે. પરંતુ નવી પેઢી સુધી એ મેસેજ પહોંચ્યા નથી. એનું કારણ એ છે કે ગુજરાતી પરિવારોમાં જીભ માટે ચટાકેદાર અભિગમ રાખવામાં આવે છે. આપડી પરંપરા જ દે ધનાધન રહી છે અને એમાં આહાર સંયમ કે પ્રોટીન-વિટામિન વિચારનો કોઈ અત્તોપત્તો જ નથી. ગુજરાતીઓ યોગ પાછળ દોડતા જોવા મળે, પતંજલિની મલ્ટીનેશનલ
કોર્પોરેટ હાટડીએ ટોળે વળેલા પણ દેખાય. વળી ઉનાળે ઓર્ગેનિક કેરી ગોતવા પણ દોડે. પણ ઘરમાં જુઓ તો છોકરાવ પાંચદસના પડીકા ચાવતા હોય અને તેલમાં ડૂબકીદાવ રમીને આવેલા ગાંઠિયા-ભજિયાનો વારંવારનો સમારંભ હોય. એક જમાનો હતો કે ઘરમાં પકવાનના ડબા ભરેલા હોય. આપણે ત્યાં સવારે શિરાવવાની અને બપોર પછી રોંઢો કરવાની જે પ્રથા હતી તે એટલે જ હતી કે મુખારવિંદમાં કંઈ આડુંઅવળું પધરાવવું ન
પડે. વહેલી સવારે શિરાવવામાં અને રોંઢો કરવામાં હોય તો આંશિક અથવા ઉપભોજન. એના ફાયદાઓનો કોઈ પાર નથી. પરંતુ શિરાવવાની પ્રથા સદ્ભાગ્યે હજુ છે પરંતુ રોંઢો તો સાવ
લાપતા જ થઈ ગયો છે. એની જગ્યાએ એટલે કે રોંઢાના રિપ્લેસમેન્ટમાં આપડે જે અખતરાઓ કર્યા છે એણે આપડા આરોગ્યની બરાબરની દશા બેસાડી છે. દેશના અનેક રાજ્યોની તુલનામાં ગુજરાતીઓ સુખી છે તે ગુજરાતમાં પણ અને મહારાષ્ટ્રમાં પણ. જેઓ એનઆરઆઈ એટલે કે બિન નિવાસી ગુજરાતીઓ છે તેઓ તેમને મળતા વિશુધ્ધ આહારને કારણે બચી ગયા છે. ગુજરાતની પ્રજાને આરોગ્યસુખ ક્યારે મળશે તે એક ગંભીર સમસ્યા છે. કારણ કે આપડી
પોતાની ખાણીપીણીની કુટેવોમાંથી અનારોગ્યના સંયોગો વિકસેલા છે. ગુજરાતીઓ આરોગ્યના જ્ઞાન સામેનું અજબ કવચ ધરાવે છે. એમને કોઈ જ આરોગ્ય બોધ લાગવાનો નથી. સ્થૂળ કાયાઓની અલગથી વસ્તી ગણતરી જરૂરી થઈ ગઈ છે. કહીએ તો ખોટું લાગે છે પણ આડેધડ ખા-ખા કરીને મહાન માનવ શરીરના ઘાટ આપડે ફેરવી નાંખેલા છે. અને
પછીય સમજણમાં તો બૃહદ શૂન્યનો મુકુટ ધારણ કરેલો છે. હાલતા તમને ડાયાબિટિસના દરદીઓ મળે ને બે ડગલા વધુ હાલો એટલે બ્લડપ્રેશર મળે. જમ્યા પહેલાની ટિકડીઓ અને જમ્યા પછીની…! વળી જો ક્યાંક ઓટલે બેઠા ભૂલમાંય આયુર્વેદની વાત કરો તો એવા બધા કૂદી પડે ને એમ લાગે કે ઓહોહો ગુજરાતમાં તો રેશનકાર્ડ દીઠ એક-એક વૈદરાજ છે. આવતીકાલના જે નાગરિકોનો ઉછેર આપડી નજર સામે થઈ રહ્યો છે એમને માર્ગ મળે અને કંઈક દિશા દેખાય એવું પણ આપડું વર્તન હજુ નથી. આહારની બાબતમાં તો જે સંતાનો એના પેરેન્ટસ્ ને નહિ અનુસરે એ જ સુખી થશે એમ કહીએ તો અતિશયોક્તિ થાય. શાળાએથી આવીને બાળક કહે કે મમ્મી મને મેગી બનાવી દે…. તો મમ્મી હજુ એ બાળકને ના પાડતા ન શીખી હોય તો નક્કી છે કે એવા એ સંતાનો પણ અન્ય ગુજરાતીઓની જેમ દવાખાને ધક્કા ખાતા બહુ વહેલી ઉંમરથી શીખી જશે.
ગુજરાતી ભોજનની જે પરંપરા છે એને તોડવા માટે ચાઈનિઝ અને પંજાબી પ્રણાલિકાઓનો આપણે ત્યાં ચારેબાજુ પડાવ છે. ગુજરાતી ભોજન ઘેરાઈ ગયું છે. અનેક
પરિવારો તો પંજાબી અને ચાઈનિઝના ઘેલા છે. એ પણ ભોજન જ છે પરંતુ એમના હવામાન અને એમના સંજોગોમાં એ ચીની અને પંજાબી પ્રજા માટે છે. છતાં આપણે જિજ્ઞાસાના આસ્વાદ માટે ભલે ક્યારેક એ આરોગીએ તો કંઇ વાંધો નથી પરંતુ આપડે તો આપડા ગુજરાતી ભોજન પડતા મેલીને એને ગળે વળગાડેલા છે. દરેક પરિવારે આરોગ્ય પર સ્વતંત્ર રીતે વિચારીને સ્વયંશિસ્ત દાખલ કરવી જરૂરી છે. કારણ કે એના વિકરાળ પરિણામો હવે કેટલાક કુટુંબોમાં દેખાવા લાગ્યા છે.

