સાવરકુંડલા તાલુકાના સર્વાંગી વિકાસને વધુ વેગ આપવા તેમજ જનહિતના પ્રશ્નોનો સમયસર ઉકેલ લાવવા માટે ધારાસભ્ય મહેશ કસવાળાની અધ્યક્ષતામાં તાલુકા સંકલન સમિતિની બેઠક યોજાઈ હતી. બેઠકમાં પ્રાંત અધિકારી સહિત વિવિધ સરકારી વિભાગોના અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. બેઠક દરમિયાન તાલુકામાં ચાલી રહેલા વિવિધ વિકાસકાર્યોની પ્રગતિની સમીક્ષા કરવામાં આવી હતી.
ઉપરાંત સરકારી કલ્યાણકારી યોજનાઓનો લાભ વધુમાં વધુ લાભાર્થીઓ સુધી પહોંચે તે માટે જરૂરી આયોજન અને વિભાગો વચ્ચે સંકલન વધારવા અંગે ચર્ચા કરવામાં આવી હતી. પીવાના પાણી, માર્ગ અને મકાન, શિક્ષણ, આરોગ્ય, કૃષિ તેમજ વીજ પુરવઠા જેવા મહત્વના પ્રશ્નોને લઈ અધિકારીઓ સાથે વિગતવાર વિચારવિમર્શ કરવામાં આવ્યો હતો. વિવિધ વિભાગોને કામગીરી ઝડપી અને અસરકારક રીતે પૂર્ણ કરવા સૂચનો આપવામાં આવ્યા હતા.

