ગીરની સરહદે આવેલા ધારી તાલુકાના વાઘાવડી ગામમાં ગઈ રાત્રે સિંહોનું મોટું ટોળું આવી ચડતાં ફફડાટ ફેલાયો છે. શિકારની શોધમાં એકસાથે ૯ સિંહો ગામમાં લટાર મારતા જોવા મળ્યા હતા. સિંહોની આ સહેલગાહ ગામમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. ગામની શેરીઓમાં રાજવી અદાથી ફરતા વનરાજોના આ દ્રશ્યો સોશિયલ મીડિયામાં પણ વાયરલ થયા છે. જોકે, એકસાથે આટલી મોટી સંખ્યામાં સિંહો ગામમાં આવી ચડતાં સ્થાનિક ગ્રામજનોમાં ભારે ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.

