અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના બદરખા ગામમાં તંત્રની અણઆવડત અને બેદરકારીનો ગંભીર કિસ્સો સામે આવ્યો છે. છેલ્લા ૧૫ દિવસથી ગામમાં વરસાદી પાણી ભરાયેલા હોવા છતાં સમસ્યાનો કોઈ કાયમી ઉકેલ આવ્યો નથી. ગામના મુખ્ય વિસ્તારો હજુ પણ પાણીમાં ગરકાવ હોવાથી લોકોનું દૈનિક જીવન સંપૂર્ણપણે પ્રભાવિત થયું છે. સતત પાણી ભરાયેલા રહેવાને કારણે સ્થાનિકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે અને તેઓ તંત્ર સામે ગંભીર સવાલો ઉઠાવી રહ્યા છે.
ગામમાં ગ્રામપંચાયત કચેરી, સરકારી હોસ્પિટલ, ડેરી તેમજ પ્રાથમિક શાળા સહિતના મુખ્ય વિસ્તારોમાં કમર સુધી વરસાદી પાણી ભરાયેલા છે. રસ્તાઓ પર પાણી જ પાણી હોવાથી લોકો માટે ઘર બહાર નીકળવું પણ મુશ્કેલ બની ગયું છે. વિદ્યાર્થીઓ, દર્દીઓ, વૃદ્ધો અને મહિલાઓને સૌથી વધુ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. છેલ્લા બે અઠવાડિયાથી પાણી ભરાયેલા હોવા છતાં અસરકારક ડ્રેનેજ અથવા પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી.
ભારે વરસાદ અને લાંબા સમય સુધી પાણી ભરાયેલા રહેવાને કારણે અનેક ઘરોમાં પાણી ઘૂસી ગયું છે. જેના કારણે ઘરવખરી સંપૂર્ણપણે પલળી ગઈ છે અને લોકોની રોજિંદી જરૂરિયાતની વસ્તુઓને પણ નુકસાન પહોંચ્યું છે. અનેક ઘરોમાં રહેવું અશક્ય બની જતાં ૧૭ પરિવારો પોતાના ઘર છોડીને ગામની પ્રાથમિક શાળામાં આશ્રય લેવા મજબૂર બન્યા છે. સુરક્ષિત સ્થળે પહોંચ્યા બાદ પણ આ પરિવારોને પૂરતી સુવિધાઓ મળી રહી નથી.
સ્થાનિકોના જણાવ્યા અનુસાર શાળામાં આશ્રય આપવામાં આવ્યો છે, પરંતુ અસરગ્રસ્ત પરિવારો માટે ભોજન, પીવાનું પાણી અને રાશનની કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી. પરિવારોને પોતાના સ્તરે જ ભોજન અને અન્ય જરૂરિયાતો પૂરી કરવાની ફરજ પડી રહી છે. નાના બાળકો, મહિલાઓ અને વૃદ્ધોને ખાસ કરીને વધુ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. અસરગ્રસ્ત લોકોનું કહેવું છે કે આ સ્થિતિમાં સરકાર તરફથી તાત્કાલિક રાહત અને જરૂરી સુવિધાઓ મળવી જાઈએ.
ગામલોકોએ તંત્ર સામે ગંભીર આક્ષેપો પણ કર્યા છે. તેમના જણાવ્યા મુજબ વિસ્તારના ધારાસભ્ય, પ્રાંત અધિકારી અથવા મામલતદાર સહિત કોઈ પણ જવાબદાર અધિકારી હજુ સુધી ગામની મુલાકાત લેવા પહોંચ્યા નથી. અસરગ્રસ્ત લોકોની હાલત જાણવા કે તેમની સમસ્યાઓ સાંભળવા માટે પણ કોઈ અધિકારી ન આવતાં લોકોમાં ભારે નારાજગી જાવા મળી રહી છે. સ્થાનિકોનું કહેવું છે કે અનેક રજૂઆતો છતાં સમસ્યાનો ઉકેલ લાવવા માટે કોઈ અસરકારક પગલાં લેવામાં આવ્યા નથી.
તંત્રની નિષ્ઠુરતા અને રાજકીય પ્રતિનિધિઓની નિષ્ક્રિયતાને કારણે બદરખા ગામમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે. ગ્રામજનો હવે તાત્કાલિક પાણીના નિકાલની વ્યવસ્થા, અસરગ્રસ્ત પરિવારોને ભોજન અને રાશનની સુવિધા, તેમજ થયેલા નુકસાનનું સર્વે કરીને યોગ્ય સહાય આપવાની માંગ કરી રહ્યા છે. લોકોનું કહેવું છે કે જા સમયસર કાર્યવાહી કરવામાં નહીં આવે તો આગામી વરસાદમાં સ્થિતિ વધુ ગંભીર બની શકે છે. હાલ સમગ્ર ગામ સરકાર અને તંત્ર પાસેથી તાત્કાલિક રાહતની રાહ જાઈ રહ્યું છે.

