અમરેલીની કમાણી સાયન્સ કોલેજમાં BCA વિભાગના ક્લાસનો સમય બદલવાના નિર્ણયનો વિદ્યાર્થીઓએ વિરોધ નોંધાવ્યો હતો. અગાઉ સવારે ૮થી બપોરે ૧ વાગ્યાનો સમય બદલીને સવારે ૧૧થી સાંજે ૪ વાગ્યા સુધી કરવામાં આવ્યો હતો. જેના કારણે વિદ્યાર્થીઓને આવનજાવન, કોચિંગ અને અન્ય અભ્યાસમાં મુશ્કેલી પડી રહી હતી. રજૂઆતો છતાં નિર્ણય ન લેવાતા ABVP દ્વારા વિરોધ અને આંદોલનની ચીમકી આપવામાં આવી હતી.
વિરોધ પહેલા કોલેજ મેનેજમેન્ટ અને ABVPના હોદ્દેદારો વચ્ચે બેઠક યોજાઈ હતી. ચર્ચા બાદ વિદ્યાર્થીઓની માંગ સ્વીકારી BCA વિભાગનો જૂનો સમય ફરી યથાવત રાખવાનો નિર્ણય લેવાતા વિદ્યાર્થીઓમાં ખુશી જોવા મળી હતી.

