ગ્રીન મેથી વડા - સામગ્રીઃ ગ્રીન એટલે કે લીલી મેથીના પાન-૩ કપ, કોથમીર સમારેલી-દોઢ કપ, પૌઆ-૧ કપ, ચણાનો લોટ-૧ કપ, ડુંગળી-૩ નંગ ( જો ડુંગળી ના ખાતો હોવ તો સમારેલી કોબીજ-દોઢ કપ લેવી), લીલાં મરચાં ૫-૬ નંગ, આદુનો ટુકડો-૨ ઈંચ, લસણ ૧૦-૧૨ કળી (લસણ ન ખાતાં હો તો ન નાખવું), મીઠું-સ્વાદ મુજબ, હિંગ- અર્ધી ચમચી, હળદર-૧ ચમચી, લાલ મરચું પાવડર-૨ ચમચી, આમચૂર પાવડર-૧ ચમચી, જીરૂ-૧ ચમચી,આખા ધાણા-૧ ચમચી, સફેદ તલ-૨ ચમચી, તેલ-વડાને શેલો ફ્રાઈ કરવા માટે.
- રીતઃ (૧) મિક્સી કે ખાંડણીમાં લીલા મરચાં, આદુ, આખા ધાણા, જીરુને અધકચરાં વાટી લો. (૨) પૌઆને ૪-૫ પાણીથી ધોઈ લઇ, ૫ મિનિટ નરમ થવા દો. (૨) મેથીના પાનને સરખાં ધોઈને પાણી નિતારી લો. (૩) એક મોટા વાસણમાં પલાળેલા પૌઆ લઈ, તેમાં મેથીના પાનના હાથથી ટુકડા કરીને ઉમેરો. (૩) પછી તેમાં તલ, સ્વાદ મુજબ મીઠું, હિંગ, હળદર, મરચું પાવડર અને આદુ-મરચાં-લસણની પેસ્ટ ઉમેરો. (૪) આ મિશ્રણને હાથ વડે એકસરખું મિક્સ કરો, એમાંથી પાણી છૂટશે. (૫) હવે તેમાં ચણાનો લોટ ભેળવીને બરાબર મિક્સ કરો.
આભાર - નિહારીકા રવિયા જો મિશ્રણ ઢીલું લાગે તો તેમાં ચોખાનો કે ચણાનો લોટ ઉમેરી શકાય. આ મિશ્રણનો લોટ રોટલીના લોટ કરતાં થોડો ઢીલો એટલે કે વડા બને તેવો રાખવો. (૬) મિશ્રણમાંથી હાથથી ચપટાં વડા બનાવી લો. બધાં વડા એકસાથે બનાવી લો. (૭) એક ફ્રાઈ પેનમાં કે પહોળી કઢાઈમાં તેલ મૂકી તેને ગેસ પર ગરમ કરવા મૂકો. તેમાં વડા ગોઠવી ગેસની આંચ મધ્યમ રાખો. વડા બંને બાજુથી ગોલ્ડન રંગના ક્રિસ્પી થાય તે રીતે શેલો ફ્રાઈ કરો. (૮) આ વડાને લીલી ચટણી, ટોમેટો કેચ-અપ કે પછી ચા સાથે માણો..
વેજીટેબલ રવા બન્સ
- સામગ્રીઃ રવો-૩૦૦ ગ્રામ, દહીં-૫૦૦ ગ્રામ, બાફેલા લીલા વટાણા-૪૦૦ ગ્રામ, નાળિયેરનું ખમણ-૩૦૦ ગ્રામ, કિસમિસ-૩૫ ગ્રામ, કાજુ-૪૦ ગ્રામ, લીલાં મરચાં-૮-૧૦ નંગ, આદુ-૨ ઈંચ ટુકડો, કોથમીર સમારેલી-૩ કપ, મીઠું-સ્વાદાનુસાર, સોડા-૧ નાની ચમચી અને ૧ નાની ચમચી, તેલ-જરૂર પૂરતું, ખાંડ-૨ ચમચી
- વઘાર માટેઃ રાઈ-૧ ચમચી, સફેદ તલ-૨ ચમચી, મીઠો લીમડો-૮-૧૦ પાન, તેલ-૨ ચમચી
- રીતઃ (૧) રવામાં મીઠું, દહીં, ખાંડ નાખી થોડું નવશેકું પાણી મેળવીને ખીરું બનાવી લો. (૨) આ ખીરુંને પાંચ-સાત કલાક માટે ઢાંકીને રહેવા દો. (૩) ત્યારબાદ તેમાં બાફેલા લીલા વટાણા, નાળિયેરનું ખમણ, કિસમિસ, કાજુ ટુકડા, ધોઈને સમારેલી કોથમીર ભેળવી દો.(તમને ભાવતાં અન્ય શાકભાજી પણ ઉમેરી શકો છો) તેમજ આદુ ઝીણું સમારીને કે ખમણીને ઉમેરો. લીલાં મરચાંના નાના ટુકડા કરીને નાખો. નાની સ્ટીલની ૫-૬ વાટકી લઈ તેમાં તેલ લગાડી રાખો. એક તપેલામાં પાણી ગરમ કરવા મૂકો. તેમાં સ્ટેન્ડ મૂકી ઉપર ચાળણી મૂકી દો. (૪) હવે ખીરામાં બેકિંગ પાઉડર, સોડા, ૨ ચમચી તેલનું મોણ નાખી એકસરખું ૧૫-૨૦ સેકન્ડ હલાવી ખીરું દરેક વાટકીમાં અડધે સુધી ભરી દો. ખીરું ભરેલી વાટકીઓ ચાળણીમાં ગોઠવી વાસણને ઢાંકી દો અને ૧૫-૧૭ મિનિટ બફાવા દો. ૧૫ મિનિટ બાદ વાટકીમાં ખીરું બરાબર ફૂલીને ખીલી જાય એટલે ગેસ બંધ કરી વાસણ ઉતારી લો. (૫) વાટકીઓ બહાર કાઢી ઠંડી થાય એટલે ચપ્પૂથી આજુબાજુની કિનારી ઉખેડી વાટકી ઉંધી પાડો, એટલે તૈયાર થયેલા બન્સ બહાર નીકળી જશે. (૬) એક ફ્રાઈ પેનમાં તેલ ગરમ કરી તેમાં રાઈ તતડાવી, મીઠો લીમડો નાખી ઉપર તલ નાખો. તેલમાં તલ હળવેથી નાખો અને ત્યારબાદ રવા બન્સ તેમાં ગોઠવીને શેલો ફ્રાય કરી લો.તૈયાર થયેલા બન્સને ટોમેટો કેચઅપ સાથે પીરસો.
- સાબુદાણાની કટલેસ
- સામગ્રીઃ બાફેલા બટાકા-૬ નંગ, સાબુદાણા-૨ કપ, રાજગરાનો લોટ-૫ ચમચી, આદુ-મરચાંની પેસ્ટ-૪ ચમચી, કોપરાનું ખમણ-૪ ચમચી, શેકેલા શિંગદાણા-૬ ચમચી, બુરું ખાંડ, લીંબુનો રસ-૨ ચમચી, સિંધવ મીઠું-સ્વાદ મુજબ, સમારેલી કોથમીર.
- રીતઃ (૧) સાબુદાણાને ૧૫-૨૦ મિનિટ પાણીમાં પલાળી રાખો. ત્યારબાદ પાણી નિતારી લો.(૨) શેકેલા શિંગદાણાનો ભૂકો કરી લો.(૩) બાફેલા બટાકાનો માવો લઇ તેમાં શિંગદાણાનો ભૂકો અને પલાળેલા સાબુદાણા ભેળવી દો. પછી તેમાં કોપરાનું ખમણ,આદુ-મરચાંની પેસ્ટ, કોથમીર, લીંબુનો રસ ઉમેરો. (૪) કટલેસ બનાવવાના બીબાંમાં કટલેસનું પૂરણ ભરીને કટલેસ તૈયાર કરી દો. પછી તેને રાજગરાના લોટમાં રગદોળીને શેલો ફ્રાય કરી લો. (૫) આ કટલેસને કોથમીર, શિંગદાણા, આદુ-મરચાં અને સિંધવ મીઠું નાખીને બનાવેલી લીલી ચટણી સાથે પીરસો.
- ફરાળી અપ્પે
- સામગ્રીઃ શિંગોડાનો લોટ-૫ ચમચી, મોરૈયો (સામો)-૧૫૦ ગ્રામ, આદુ-મરચાંની પેસ્ટ-૨ ચમચી, છીણેલી દૂધી-૧૫૦ ગ્રામ, ખાવાનો સોડા-૨ ચપટી, શેકેલા શિંગદાણા-૨ ચમચી, જીરૂ, તલ, કાજુના ટુકડા, સિંધવ મીઠું સ્વાદ મુજબ, સુરણ બાફેલું-૧૫૦ ગ્રામ, બટાકા બાફેલા-૧૫૦ ગ્રામ, કાકડીની છીણ-૨ ચમચી, કોથમીર સમારેલી-૩ ચમચી, તલ-૧ ચમચી, વઘારેલું દહીં-દોઢ વાટકી, સિંધવ મીઠું, જીરૂ-૨ ચમચી.
- રીતઃ (૧) સામો લઈ તેને ૨-૩ પાણીથી ધોઈ ત્રણ કલાક માટે પલાળી રાખો. (૨) ત્યારબાદ તેને મિક્સીમાં અધકચરો ક્રશ કરી લો. (૩) બાફેલા સુરણ તથા બટાકાનો છૂંદો કરી લો. શેકેલા શિંગદાણાને અધકચરા વાટી લો.(૪) હવે તેમાં શિંગોડાનો લોટ થોડો શેકીને ઉમેરો. શેકેલા અધકચરા શિંગદાણા, જીરુ, તલ, કાજુના ટુકડા, બાફેલા સૂરણ-બટાકા તથા દૂધી અને કાકડીની છીણ બધું સામામાં ઉમેરો. કોથમીર, આદુ-મરચાંની પેસ્ટ, સિંધવ નમક, ખાવાનો સોડા નાખી મિક્ષ કરો. હવે અપ્પે કઢાઈ લો. તેના દરકે ખાનાને ૧-૨ ટીપાં તેલથી ગ્રીસ કરી દો, ગેસ પર ગરમ કરવા મૂકો ૨ મિનિટ બાદ તેમાં ફરાળી મિશ્રણ ચમચીથી દરેક ખાનામાં રેડો. ત્યારબાદ ઢાંકી દો. (૫) ૨-૩ મિનિટ બાદ કઢાઈનું ઢાંકણું ખોલીને અપ્પેને ઉથલાવો. પછી બીજી ૨-૩ મિનિટમાં અપ્પે તૈયાર થઇ જશે. (૬) એક બાઉલમાં દહીંમાં થોડું સિંધવ મીઠું તથા સાકર નાખી રવઈથી વલોવી નાખો.(૭) વઘારિયામાં તેલ મૂકી તેને ગેસ પર ગરમ કરવા મૂકો. તેલ ગરમ થાય એટલે જીરૂ તતડાવી, મીઠો લીમડો નાખી આ વઘારને દહીં પર રેડી દો. (૮) અપ્પેને વઘારેલા દહીં કે કોથમીર-શિંગદાણાની લીલી ચટણી સાથે પીરસો.

