ગુજરાતમાં વરસાદ ખેંચાતા ખેડૂતોની મુશ્કેલી વધી રહી છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી દિવસોમાં રાજ્યમાં હળવો વરસાદી માહોલ રહેવાની શક્્યતા છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદી ઝાપટાં પડી શકે છે. ભેજનું પ્રમાણ વધતાં રાજ્યના અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેવાની સંભાવના છે. અમદાવાદ સહિતના વિસ્તારોમાં પણ વાદળછાયું વાતાવરણ યથાવત રહી શકે છે.
આ દરમિયાન પવન ૧૫થી ૨૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાવાની શક્યતા છે.
બીજી તરફ, રાજ્યમાં વરસાદની અછતને પગલે સૌરાષ્ટ્ર બાદ હવે ઉત્તર ગુજરાતને પણ દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માગ ઉઠી છે. સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં નહિવત વરસાદ નોંધાતા અનેક વિસ્તારોમાં પાણીની અછતની સ્થિતિ સર્જાઈ હોવાનું રજૂઆતમાં જણાવાયું છે.
આ મુદ્દે વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાએ મુખ્યમંત્રીને પત્ર લખી સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના તમામ તાલુકાઓને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માગ કરી છે. અગાઉ સૌરાષ્ટ્રના જામનગર, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, અમરેલી અને જૂનાગઢ સહિતના વિસ્તારોને પણ દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માગ કરવામાં આવી હતી.
વરસાદના અભાવે ખરીફ પાકને મોટું નુકસાન થયું હોવાનો દાવો કરવામાં આવ્યો છે. ખેડૂતોને રાહત આપવા માટે તાત્કાલિક પાક નુકસાનીનો સર્વે કરાવી વિશેષ આર્થિક સહાય પેકેજ જાહેર કરવાની માગ કરવામાં આવી છે. સાથે જ ખેડૂતોની ચાલુ વર્ષની કૃષિ લોનનું વ્યાજ માફ કરવા અને લોનની વસૂલાત મુલતવી રાખવાની રજૂઆત કરવામાં આવી છે.
દુષ્કાળની સ્થિતિને ધ્યાનમાં રાખીને ગ્રામ્ય વિસ્તારોમાં પશુધનને બચાવવા માટે વિના મૂલ્યે ઘાસચારા ડેપો તાત્કાલિક શરૂ કરવાની માગ પણ કરવામાં આવી છે. ભૂગર્ભ જળસ્તર ઊંડું જતાં સર્જાયેલી પાણીની સમસ્યાને પહોંચી વળવા માટે જરૂરિયાતવાળા વિસ્તારોમાં ટેન્કરો મારફતે પીવાનું પાણી પૂરું પાડવાની પણ રજૂઆત કરવામાં આવી છે.
વરસાદની અછતના કારણે ખેડૂતો અને સ્થાનિક મજૂરોનું સ્થળાંતર ન થાય તે માટે મનરેગા યોજના હેઠળ મોટા પાયે રોજગારીના કામો શરૂ કરવાની માગ કરવામાં આવી છે. સ્થાનિક સ્તરે લોકોને રોજગારી મળે તે માટે સરકાર દ્વારા તાત્કાલિક પગલાં લેવામાં આવે તેવી રજૂઆત કરાઈ છે.
થોડા દિવસો પહેલાં સૌરાષ્ટ્રના જામનગર, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, અમરેલી અને જૂનાગઢના કેટલાક વિસ્તારોમાં વરસાદના અભાવે દુષ્કાળ જાહેર કરવાની માગ કરવામાં આવી હતી. રજૂઆતમાં દાવો કરવામાં આવ્યો હતો કે અનેક વિસ્તારોમાં માત્ર ૨૫ ટકા જેટલો પાક જ બચ્યો છે અને ખેડૂતોને સિંચાઈ માટે સૌની યોજનાનું પાણી પણ પૂરતા પ્રમાણમાં મળતું નથી.
ખેડૂતોને આર્થિક રીતે સહારો આપવા માટે પાક નુકસાનીના આધારે હેક્ટર દીઠ ઓછામાં ઓછું રૂ. ૫૦ હજારનું વળતર આપવાની પણ માગ કરવામાં આવી છે.

