Dailyhunt
જૂનાગઢ ક્રાઈમ બ્રાન્ચે સાંકડીધાર હાઈવે પર ડસ્ટર કારમાંથી ચોરખાનામાં છુપાવેલી ૩૬૩ વિદેશી દારૂની બોટલો પકડી

જૂનાગઢ ક્રાઈમ બ્રાન્ચે સાંકડીધાર હાઈવે પર ડસ્ટર કારમાંથી ચોરખાનામાં છુપાવેલી ૩૬૩ વિદેશી દારૂની બોટલો પકડી

Sanjog News 4 days ago

ગુજરાતમાં દારૂબંધીના કડક અમલ વચ્ચે બુટલેગરો હવે દારૂ છુપાવવા માટે અવનવા કીમિયા અપનાવી રહ્યા છે. આવો જ એક કિસ્સો હાલ જૂનાગઢમાંથી સામે આવ્યો છે. જૂનાગઢ ક્રાઈમ બ્રાન્ચે એક એવી જ ફિલ્મી સ્ટાઈલથી થઈ રહેલી દારૂની હેરાફેરીનો પર્દાફાશ કર્યો છે. સાંકડીધાર હાઈવે પર વોચ ગોઠવીને પોલીસે એક લક્ઝુરિયસ ડસ્ટર કારને આંતરી હતી, જેમાંથી મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો છે.

નવાઈની વાત એ છે કે, આ દારૂ સામાન્ય રીતે નહીં પણ કારમાં ખાસ બનાવેલા 'ચોરખાના'માં છુપાવવામાં આવ્યો હતો.

આખા કિસ્સાની વિગતવાર વાત કરીએ તો, જૂનાગઢ ક્રાઈમ બ્રાન્ચને મળેલી ચોક્કસ બાતમીના આધારે સાંકડીધાર નજીક હાઈવે પર વોચ ગોઠવવામાં આવી હતી. આ દરમિયાન શંકાસ્પદ હાલતમાં પસાર થતી ડસ્ટર કારને રોકી જ્યારે તેની તલાશી લેવામાં આવી, ત્યારે પોલીસ પણ એક ક્ષણ માટે સ્તબ્ધ થઈ ગઈ હતી.

તપાસમાં સામે આવ્યું કે, બુટલેગરોએ ધરપકડથી બચવા માટે કારમાં એવી જુદી જુદી જગ્યાએ ચોર ખાના બનાવ્યા હતા, જ્યાં કોઈની નજર પણ ન પહોંચે. બુટલેગરોએ કારના ડેસ્કબોર્ડ, બોનેટની હેડલાઈટોના પાછળના ભાગે અને સ્પેર ટાયરમાં ખાસ ગુપ્ત ખાના (ચોરખાના) તૈયાર કર્યા હતા. આ ખાનાઓમાંથી પોલીસે અલગ-અલગ બ્રાન્ડની કુલ ૩૬૩ નંગ વિદેશી દારૂની બોટલો કબજે કરી છે.

હાલ આ મામલે પોલીસે ભરત વાજા અને મયુર મોકરીયા નામના બે શખ્સોની સ્થળ પરથી જ ધરપકડ કરી છે. પોલીસે દારૂનો જથ્થો, લક્ઝુરિયસ કાર અને મોબાઈલ ફોન સહિત કુલ ૫,૬૦,૫૩૪નો મુદ્દામાલ જપ્ત કર્યો છે અને આ દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને કોને સપ્લાય કરવાનો હતો, તે દિશામાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે જ્યારે વધુ એકવાર બુટલેગરોના કિમિયા પર પોલીસે પાણી ફેરવી દીધું છે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Sanjog News