Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
નીટ, ઈંધણ બચત અને રોકડ વ્યવહાર પોથીમાંનાં રીંગણાં !

નીટ, ઈંધણ બચત અને રોકડ વ્યવહાર પોથીમાંનાં રીંગણાં !

Sanjog News 1 week ago

મેડિકલ, આયુર્વેદ, અને અન્ય સંબધિત કાર્સમાં પ્રવેશ માટે લેવાતી નીટ-યુજી પરીક્ષાનો પેપર લીક થયો તેમ સમાચાર માધ્યમોમાં આવ્યું. સમાચાર માધ્યમોમાં 'ગેસ પેપર' શબ્દ પણ વારંવાર વપરાયો. પરંતુ દુર્ભાગ્યે આ બંને બાબતો વિરોધાભાસી છે. પહેલી વાત તો એ કે સમાચાર માધ્યમોએ 'ગેસ પેપર' શું તે જણાવવાનું કષ્ટ જ ન લીધું. ગેસ એટલે વાયુ પણ થાય અને અનુમાન પણ થાય.

પરંતુ 'ગેસ પેપર' એટલે શું?
આ વખતે જે લાખો રૂપિયા દઈને ખરીદાયું તેને 'ગેસ પેપર' કહે છે એટલે કે એવો પેપર જે અનુમાનતઃ નીટ-યુજી પરીક્ષાનો હોવાનું કહીને વેચાયો, પરંતુ તે આખેઆખો પરીક્ષામાં પૂછાનાર પેપર જેવું નહોતો. તેમાંથી ૧૨૦ પ્રશ્નો પરીક્ષામાં ખરેખર પૂછાનાર પેપરના જ હતા. એટલે તેને 'ગેસ પેપર' કહે છે. આનો અર્થ એ છે કે મૂળ પેપર લીક થયો નથી. જો તેમ હોય તો બધે બધા પ્રશ્નો લીક થયેલા પેપરમાં હોવા જોઈએ.
જે રીતે ટ્યૂશન ક્લાસ કે કોચિંગ ક્લાસમાં ટેસ્ટ લેવાતી હોય છે અને પછી વર્ષાંતે બાર્ડની પરીક્ષાની જેમ જ ટેસ્ટ લેવાતી હોય છે, શાળાઓમાં પણ બાર્ડ પરીક્ષા પહેલાં પ્રિલિમ પરીક્ષા લેવાતી હોય છે, તેમાં અને બાર્ડ પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો સમાન હોઈ શકે કારણકે આખરે તો પ્રશ્નો કાઢવાના પાઠ્‌યક્રમમાંથી જ છે. તે રીતે કોઈએ ધંધો કરવા માટે આ 'ગેસ પેપર' કાઢ્યો અને તેને 'નીટ-યુજી' પેપર તરીકે વેચી દીધો.
આ વિવાદ પરીક્ષા લેવાઈ ગઈ તે પછી થયો. પરંતુ આ પરીક્ષા તો ત્રણ મેએ લેવાઈ હતી. અને પેપર લીકના સમાચાર ૧૨મેએ આવ્યા. અર્થાત્ પરીક્ષા લેવાયા પછી વિદ્યાર્થીઓ અને કાચિંગ નિષ્ણાતોએ જોયું અને પરીક્ષા પહેલાં જે સામગ્રી ફરી રહી હતી તેની સાથે સરખાવી ત્યારે ખબર પડી કે ૧૨૦ પ્રશ્નો એક સરખા છે. શરૂઆતમાં એનટીએએ તેને પેપર લીક કહેવાનું ટાળ્યું. પરંતુ તપાસ કરનાર સંસ્થાઓ પાસેથી માહિતી મળ્યા બાદ ૧૨ મેએ તેણે લેવાયેલી પરીક્ષા રદ્દ કરી નાખી.
જેમ મોટા ભાગના કેસોમાં ચલકચલાણું થતું હોય છે તેમ આ કેસની તપાસ પણ સીબીઆઈને આપી દેવાઈ. રાજસ્થાન પોલીસના વિશેષ કાર્યવાહી જૂથ (એસઓજી)ના કહેવા પ્રમાણે, વાટ્‌સઍપ પર 'પ્રાઇવેટ માફિયા' નામનું જૂથ ચાલતું હતું. જે લોકો પૈસા ભરે તેને જ તેમાં પ્રવેશ હતો. તેમાં ૪૦૦ પ્રશ્નોનું પેપર મૂકાયો. તપાસકર્તા પ્રમાણે, ૧૨૦ પ્રશ્નો સમાન હતા.
રાજસ્થાન પોલીસને શંકા છે કે પેપર મહારાષ્ટ્રથી લીક થયો છે. મહારાષ્ટ્રમાં નાશિકના ૩૦ વર્ષના મેડિકલ વિદ્યાર્થી શુભમ ખૈરનારની ધરપકડ કરવામાં આવી. તેના પર આરોપ છે કે તેણે પૂણેમાં એક સાગરિત પાસેથી પ્રશ્ન પત્ર ખરીદ્યો હતો અને તેની ડિજિટલ પ્રતિઓ બીજાને વહેંચી હતી. અધિકારીઓને શંકા છે કે પ્રશ્નપત્ર રૂ. દસ લાખમાં ખરીદાયો અને રૂ. પંદર લાખમાં વેચાયો. ઇન્ટરનેટ, સ્માર્ટ ફાન અને વાટ્‌સઍપ આવ્યા પછી તો આવા ચોરોને બખ્ખા છે. જો ભૌતિક રીતે વેચવાનું હોત તો તે રાતોરાત મહારાષ્ટ્ર બહાર પગ ન કરી શક્યું હોત, પરંતુ અહીં તો ડિજિટલ કાપી જ પ્રસારિત કરવાની હતી. જોતજોતામાં મહારાષ્ટ્રથી રાજસ્થાન, કેરળમ્‌ (હંડ્રેડ પર્સેન્ટ લિટરસીવાળાં રાજ્યના વિદ્યાર્થીઓ પણ ખરીદે ખરા, હોં !), બિહાર (એ તો પરીક્ષા ચોરી માટે કુખ્યાત જ છે), ઉત્તરાખંડ, જમ્મુ અને કાશ્મીર અને બીજાં રાજ્યોમાં પહોંચી ગયો.
'સબ કા સાથ સબ કા વિકાસ'માં લાગે છે કે હવે ભ્રષ્ટાચારીઓનો પણ વિકાસ થઈ રહ્યો છે કારણકે આ કૌભાંડમાં રાજસ્થાનના ભાજપના 'દેવ દુર્લભ કાર્યકર્તા' તરીકે ભાજપના નેતાઓ જે કાર્યકર્તાઓને કહે છે તેમાંના એક દિનેશ બિવાલનું અને તેના ભાઈ માંગીવાલ બિવાલનું પણ નામ છે. એમાં ના નહીં કે આ બે જણા કૌભાંડના મુખ્ય સૂત્રધાર નથી અને તેમણે પોતાના પરિવારનાં સંતાનો માટે પેપર ખરીદ્યો હતો. અને કેટલામાં ખરીદ્યો હતો પેપર ખબર છે? ૩૦ લાખ રૂપિયા માટે. એક કાર્યકર્તા પાસે ૩૦ લાખ ક્યાંથી આવ્યા? તે પણ તપાસ કરવી જોઈએ.
પછી તેમણે ખર્ચો કાઢવા બહારના કેટલાક લોકોને વેચી દીધું. એટલે તેમણે ગેસ પેપરને આગળ વધારવામાં અપરાધિક ભૂમિકા તો ભજવી જ છે.
અહીં વાત એ વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓની પણ કરવી જોઈએ જેમણે રૂ. બે લાખ અને રૂ. પાંચ લાખ આપીને પેપર ખરીદ્યા. શું આ રીતે તેઓ પોતાના સંતાનોને ડાક્ટર બનાવવા માગે છે? આગળ જતાં કાલેજમાં પણ આ રીતે જ પાસ થશે? આ રીતે પાસ થયેલા પોતાના જ સંતાનો આગળ તેઓ ઉપચાર કરાવવાનું પસંદ કરશે?
આ પેપર લીક પર આમ આદમી પક્ષ અને કાંગ્રેસવાળા સ્વાભાવિક હોબાળો કરી રહ્યા છે. પરંતુ પંજાબમાં પણ સિનિયર આસિસ્ટન્ટ કમ ઇન્સ્પેક્ટર પદ માટેની પરીક્ષાનું પેપર લીક થાય છે, એ વાત અલગ છે કે પંજાબ અને હરિયાણા ઉચ્ચ ન્યાયાલય આ ઘટનાને પેપર લીક કે સમૂહમાં નકલ (માસ કાપી) નથી ગણતું!
અને જોવાની વાત એ છે કે ગૂગલમાં સર્ચ કરશો તો પંજાબ અને હરિયાણા હાઇ કાર્ટે પેપર લીકના દાવા નકારી કાઢ્યા તે સમાચાર જ નીકળશે, પરંતુ આ આક્ષેપો કેમ થયા, કોણે કર્યા તેની વિગતોવાળા સમાચાર મળશે નહીં. આને કહેવાય અઘોષિત સેન્સરશિપ !
પંજાબ સરકારના વિવિધ વિભાગોમાં ગ્રૂપ બીના અધિકારીઓની નિમણૂક માટેની પરીક્ષાનું પેપર પણ ગયા વર્ષે લીક થયું હતું. ૪૦૦ પદો માટે ૨૧ ડિસેમ્બર ૨૦૨૫ના દિને લેવાયેલી આ પરીક્ષામાં પણ એક લાખ અભ્યર્થીઓ બેઠા હતા. આ વર્ષે ૯ જાન્યુઆરીએ તેનાં પરિણામો જાહેર થયાં ત્યારે જ્ઞાત થયું કે ઉત્તીર્ણ થનાર સો અભ્યર્થીઓ પૈકી ૨૨ તો માત્ર ભટિંડાના જ હતા. તેમાંય પાછું સગાવાદ ! શીર્ષ અભ્યર્થીઓમાં એક દંપતી હતું, બે સહોદર (ભાઈઓ/બહેનો/ભાઈ-બહેન) હતા અને બે પિતરાઈ હતા !
ફરિયાદમાં કહેવાયું હતું કે ઉત્તીર્ણ થનારાંમાંના કેટલાક અગાઉ પટવારી અને શ્રમ નિરીક્ષક માટેની પરીક્ષામાં ઉત્તીર્ણ થઈ શક્યા નહોતાં, તો આમાં કેવી રીતે થયાં? આથી શંકા જાગી કે ભટિંડામાં પેપર લીક થયું હોવું જોઈએ કારણકે શિક્ષણ વિભાગના એક અધિકારીની પાસે પ્રશ્નપત્રો હતા. આઆપ સરકારે તપાસનો આદેશ આપ્યો છે. રાજસ્થાનની અશોક ગેહલોતની કાંગ્રેસ સરકારમાં પંદર પેપર લીક થયા હતા. તે જ રીતે ગુજરાતમાં અને ઉત્તર પ્રદેશની ભાજપ સરકારોમાં પણ એકાધિક વાર પેપર લીક થયા છે, પણ સદ્‌ભાગ્યે પોલીસ અધિકારી હસમુખ પટેલને ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ (જીપીએસએસબી) અને લોક રક્ષક દળ ભરતી મંડળનો કાર્યભાર સોંપાયા પછી પેપર લીકનું પ્રમાણ ઘટી ગયું છે. ૨૦૨૪માં ગુજરાતની ભાજપ સરકાર પેપર લીક સામે કડક કાયદો પણ લાવી. તે હેઠળ પેપર લીક કરનાર કે ગેરરીતિ આચરનારને ત્રણથી દસ વર્ષનો કારાવાસ અને ઓછામાં ઓછો એક કરોડ રૂપિયાનો દંડ થઈ શકે છે. સંગઠિત અપરાધમાં સહભાગી સંસ્થાઓની સંપત્તિ જપ્ત થઈ શકે છે.
એટલે વિપક્ષોઆમાં વિરોધ કરે છે પરંતુ પોતાનાં રાજ્યોમાં પેપર લીક અથવા ભરતીઓમાં કૌભાંડો રોકી શકતાં નથી તેના કારણે તેમનો અવાજ બોદો બની જાય છે. જોકે તેનાથી આ સમસ્યાની સંવેદનશીલતા ઘટતી નથી. એ વાત અલગ છે કે વિપક્ષો નેપાળ અથવા બાંગ્લાદેશ પ્રમાણેનું યુવાનોનું ઉગ્ર અને હિંસક આંદોલન કરાવવા માગે છે જેમાં વડા પ્રધાનના નિવાસમાં યુવાનો ઘૂસી તેમને શ્રીલંકા, નેપાળ અને બાંગ્લાદેશની જેમ પદચ્યુત કરી દે. વડા પ્રધાન અને રાષ્ટ્રપતિને ભાગવું પડે. પરંતુ આ શક્ય બન્યું નથી, બનવાનું પણ નથી, કારણકે શાણા વિદ્યાર્થીઓ જાણે છે કે કોઈ પણ સરકાર આવશે જ્યાં સુધી પેપરની પ્રક્રિયા સાથે સંકળાયેલા લોકોમાંથી કોઈ એક વ્યક્તિ આડા રસ્તે પૈસા કમાવવા માટે પેપર ફોડી નાખશે ત્યાં સુધી તેને રોકવું અઘરું છે. પેપર લીક થાય પછી આરોપીઓને પકડવામાં આવે છે અને કાર્યવાહી તો શું અને કેવી કઠોર કરવામાં આવે છે તે બધા જાણે છે.
ભારત દેશમાં પેપર લીક જ નહીં, મોટા-મોટા અનેક અપરાધોના આરોપી-દોષિતોને કઠોર સજા થતી જ નથી. સલમાન ખાનના હિટ ઍન્ડ રનમાં કોઈ દોષિત સાબિત થયું નહીં, ૧૯૮૪નાં શીખોના નરસંહાર કેસોમાં સમયાંતરે સજ્જનકુમાર અને એચ કે. એલ. ભગત સામે કેસો ઉખળે છે અને પછી નિર્દોષતાનું પ્રમાણપત્ર મળી જાય છે. બાફાર્સથી માંડીને આૅગસ્ટા વેસ્ટલેન્ડ, નેશનલ હેરાલ્ડથી લઈને હરિયાણાનું ડીએલએફ કૌભાંડપમાત્ર આરોપો લાગ્યા, આક્ષેપો થયા. હવા બની. ચૂંટણીમાં કાંગ્રેસની સત્તા ગઈ. આદર્શ કૌભાંડના આરોપી અશોક ચવ્હાણ તો હવે ભાજપમાં છે, મહારાષ્ટ્ર સિંચાઈ કૌભાંડના આરોપી અજિત પવાર હવે સ્વર્ગસ્થ છે, પરંતુ તેમણે
એન. સી. પી.ને તોડી અલગ પક્ષ બનાવ્યો, ભાજપ સાથે રહી ઉપ મુખ્ય પ્રધાન પદ કક્ષાની સત્તા ભોગવી (નાની-મોટી સત્તા ભોગવી હોય તો પણ સમજાય). પ. બંગાળના શુભેન્દુ અધિકારી તો નારદ સ્ટિંગ આૅપરેશનમાં કેમેરા સામે લાંચ લેતા પકડાયા હતા અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ૨૦૧૬માં આને પ. બંગાળની ચૂંટણીમાં મુદ્દો પણ બનાવ્યો હતો. આજે એ મુખ્ય પ્રધાન છે. બીજા પક્ષોમાં પણ આવું જ થાય છે.
ટૂંકમાં, સામેના પક્ષના નેતાઓ સામે ભ્રષ્ટાચારના આક્ષેપ કરવા, પછી તેમને પક્ષમાં લઈ લેવા અને તેમને ઉચ્ચ પદ આપી દેવાં એ દરેક પક્ષના વાશિંગ મશીનની વિશેષતા છે. એટલે ભ્રષ્ટાચાર સામે કોઈ પણ પક્ષનો સ્વર હવે બોદો બની રહ્યો છે.
ન્યાયાલયથી લઈને રાજકીય પક્ષોપબધા જ માત્ર હોહા કરે છે. નીચલા ન્યાયાલયમાં આરોપી દોષિત સાબિત થાય છે, કડક સજા થાય છે એટલે એ ઉચ્ચ ન્યાયાલયમાં જાય છે, ત્યાં અથવા તો સર્વોચ્ચમાં તે કાં તો નિર્દોષ છૂટે છે અથવા તો તેને સરળતાથી જામીન મળી જાય છે. શું આ પણ એક માડસ આૅપરેન્ડી છે, આરોપી પાસેથી પૈસા મેળવવાની? આ પ્રશ્ન છે, વિધાન વાક્ય નથી. પરંતુ ન્યાયતંત્રમાંય યશવંત વર્મા બ્રાન્ડ ભ્રષ્ટાચાર છે જ. તેમની સામે શું કાર્યવાહી થઈ?
હવે તો અન્ના હઝારે કે રામદેવ જેવા કોઈ ભ્રષ્ટાચાર વિરોધી આંદોલન કરે તો પણ કેટલા લોકો તેમાં જોડાય તે પ્રશ્ન છે કારણકે તેમાંથી નીકળેલી અરવિંદ કેજરીવાલ આણિ મંડળી સામે પણ દેખીતા ભ્રષ્ટાચારના નક્કર આક્ષેપો છે. ઈંધણની બચત, સોનાની ખરીદી ન કરવી, વિદેશ પ્રવાસ ન કરવા તેવી વડા પ્રધાનની સલાહ બુઠ્ઠી લાગે છે કારણકે જ્યારે આ સલાહ તેમણે આપી ત્યારે જ સોમનાથ અને પછી વડોદરામાં રાડ શા અને જનસભાઓ થઈ હતી જેમાં સરકારી બસો ભરીભરીને લોકોએ ભાગ લીધો હતો અને ખરા પ્રવાસીઓ રઝળી પડ્‌યા હતા. પરોપદેશે પાણ્ડિત્યમ્‌ જેવું આ થયું.
જોકે આ સલાહ પછી તેમણે પોતાની વાહન શ્રૃંખલા ઘટાડી બે કારની કરી પરંતુ વડા પ્રધાન અને તેમાંય મોદી જેવી વ્યક્તિ જે ભારતના લોકોને અને બહારના દેશોને આંખમાં કણાની જેમ ખૂંચતા હોય ત્યારે આ રીતે નીકળે તો સરળ રીતે તેમને લક્ષ્‍ય બનાવી શકાય. એટલે આવો, 'લોકોની માગણી પર પાછો ખેંચી શકાય' તેવો ઉપાય કરવા કરતાં નક્કર પગલાં લેવાની આવશ્યકતા હતી. પેલા સાધુની વાર્તાની જેમ ગોળ ન ખાવાની સલાહ ત્યારે જ આપી શકાય જ્યારે તમે પોતે ગોળ ન ખાતા હો. વડા પ્રધાન તેલ ઓછું ખાવાની સલાહ આપી શકે કારણકે પોતે સાદો આહાર લે છે. પરંતુ ઈંધણની બચતમાં તેમનો સ્વર એટલો નાભિમાંથી નીકળેલો નથી જણાતો.
રોકડાના બદલે યુપીઆઈમાં વ્યવહાર વધ્યો છે તે સારી વાત છે અને મોદી સરકાર આનો જશ ખાટે તે ખોટું નથી, પરંતુ 'ઇકાનામિક ટાઇમ્સ'ના રિપાર્ટ પ્રમાણે, ગત ચૂંટણીના દિવસોમાં - એપ્રિલના પહેલા પખવાડિયામાં રોકડ નોટોનું પ્રમાણ રૂ. ૬૧૦ અબજ રૂપિયા વધી ગયું હતું અને કુલ રૂ. ૪૨.૩ કરોડ રૂપિયાએ પહોંચી ગયું હતું. વર્ષે તે ૧૧.૮ ટકાનો વધારો હતો અને નોટબંધી થઈ તે પછી આ સૌથી વધુ હતો. આનું કારણ પાંચ રાજ્યોની ચૂંટણી હતી. ગુજરાતમાં પણ આઆપનું હવાલા કૌભાંડ પકડાયું જ હતું. પાંચ રાજ્યોની ચૂંટણી દરમિયાન કુલ રૂ. ૧,૪૪૪ કરોડનું રોકડ નાણું અને અન્ય ભેટઉપહારો પકડાયાં હતાં. રૂ. ૧૮૩.૩૩ કરોડનો ૬૯.૮૮ લાખ લિટર દારૂ અને હવે તો રૂ. ૪૦૨.૮૨ કરોડનું ડ્રગ્સ પણ પકડાયું હતું. વિચાર કરો કે રાજકારણીઓ કઈ નિમ્ન કક્ષાએ ગયા છે કે તેઓ બંધાણી મતદારોને પ્રસન્ન કરવા ડ્રગ્સ પણ આપી રહ્યા છે. એટલે સામાન્ય વર્ગે યુપીઆઈથી વ્યવહાર કરવાનો, એક સીમાથી વધુ રોકડ નાણાં ઉપાડવા હોય તો પણ જાત-જાતના આધારપુરાવા આપવાના પરંતુ રાજકારણીઓને આવા કોઈ નિયમ લાગુ ન પડે !
અને એટલે જ રાજકારણીઓની સાંઠગાંઠથી પેપર લીકથી લઈને રાડ અને પુલ, બૅન્ક વગેરે અનેક કૌભાંડો થતાં રહે છે. jaywant.pandya@gmail.com

અનેક રાજ્યોમાં નીટ-યુજી પરીક્ષાનું 'ગેસ પેપર' પ્રસારિત થયું, લાખો રૂપિયામાં વિદ્યાર્થીઓએ ખરીદ્યાં, સામા પક્ષે પંજાબમાં સિનિયર આસિસ્ટન્ટ કમ ઇન્સ્પેક્ટરની અને ગ્રૃપ બીના અધિકારીઓની ભરતીની પરીક્ષામાં ગોટાળો ન્યાયાલય દ્વારા સરળતાથી જામીન ઈંધણ બચત અને યુપીઆઈ પેમેન્ટ ભ્રષ્ટાચાર અને કાળાં નાણાં સામેની લડાઈ 'પોથીમાંનાં રીંગણાં' જેવી છે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Sanjog News