એવું કહેવાય છે કે લોકશાહી બહુમતની રમત છે, બહુમત આંકડાઓની આંટીઘૂંટી છે. જેની પાસે સંખ્યા છે એ વિજેતા છે. એક મતે પણ જે જીત્યો એ સિકંદર છે. સરકાર સંખ્યાબળ પર ઉભી કે સ્થિર રહી શકે છે. જેટલી સંખ્યા વધુ, સરકારની સ્થિરતા અને મજબૂતી તેટલી વધુ હોવાની. આજના રાજકારણમાં આ સંખ્યા વધુ સ્થિતિસ્થાપક બની રહી છે. આજે સંખ્યા નથી કાલે થઇ શકે છે.
આજે સંખ્યા છે, કાલે જઈ શકે છે. જે આજે સાથે છે, એ કાલે સામે હોઈ શકે છે. જે આજે સામે છે, એ કાલે સાથે હોઈ શકે છે. અને આ બધું ચૂંટણી યોજાયા વિના પણ સંભવ છે. કદાચ એટલે જ કહેવાયું હશે કે રાજનીતિમાં કોઈ કાયમી દોસ્ત નથી અને કોઈ કાયમી દુશ્મન પણ નથી.
સતત ત્રીજી વખત સરકાર બનાવી ત્યારે ભાજપ એકલાહાથે સ્પષ્ટ બહુમતથી દૂર રહી ગયો હતો. પહેલી બંને ટર્મમાં ગઠબંધન હતું ખરું, પણ ભાજપ પોતે એકલા હાથે સ્પષ્ટ બહુમત સાથે જીત્યો હોવાથી સાથી પક્ષોનું દબાણ ઓછું હોવાનું સ્વાભાવિક હતું. એ બંને ટર્મમાં સરકારે ઘણા મોટા નિર્ણયો લીધા. અને પોતાના એજન્ડામાં રહેલા લગભગ બધા મુદ્દાઓ પૂર્ણ કરી દીધા. ત્રીજી વખતે ચર્ચા એવી ચાલી હતી કે આ સરકાર ટર્મ પૂરી નહિ કરી શકે. અને જો સરકાર કોઈ રીતે પણ સરકાર પાંચ વર્ષ ચાલી ગઈ તો પણ મોટા નિર્ણયો લઇ નહિ શકે. સરકાર પર સાથી પક્ષોને સાથે લઈને ચાલવાનું અને ખુશ રાખવાનું દબાણ બની રહેશે. ભાજપ સરકાર બનાવી ગયા બાદ પણ નિરાશ હતો અને કોંગ્રેસ પક્ષ પરાજય બાદ પણ ખુશ હતો. કોંગ્રેસ પક્ષે પોતાનો નૈતિક વિજય થયો હોવાનો નેરેટીવ પણ ચલાવ્યો હતો. ગત સત્રમાં સરકાર પરિસીમન અને મહિલા અનામત જેવા બે મહત્વના બિલ એપ્રિલમાં ફ્લોર પર લાવી હતી. આ બિલ પાસ કરાવવા માટે બંધારણીય જોગવાઈ મુજબ ગૃહમાં હાજર સભ્યોની બે તૃત્યાંશ બહુમત આવશ્યક છે. ગૃહમાં આ બિલ પર બહુમત સાબિત નહિ થઇ શકવાથી બિલ પસાર થઈ શક્યા નહોતા. અને એ સાફ સાફ દેખાઈ રહ્યું હતું કે સત્તા પક્ષે બિલ પસાર કરવા જેટલું સંખ્યાબળ નથી. ફરીથી કોંગ્રેસ અને તેના સાથી પક્ષોએ આને સરકાર સામેનો પોતાનો વિજય ગણાવ્યો હતો.
ત્યારબાદ થોડા રાજ્યોની વિધાનસભાની સામાન્ય ચૂંટણીઓ યોજાઈ ગઈ. બંગાળ જેવા રાજ્યમાં ભાજપના ઐતિહાસિક વિજય બાદ ક્ષેત્રિય પક્ષોમાં ભંગાણ પડ્યું. તૃણમુલ, યુબીટી શિવસેના, આમ આદમી પાર્ટી, એનસીપી જેવા પક્ષોમાં એનડીએ અથવા ભાજપમાં સામેલ થવાની હોડ લાગી. જે પક્ષના નેતાઓ સાથે રહ્યા તો સાથે નહીતર બે તૃત્યાંસ સંખ્યા બહાર થવા સાથે ક્ષેત્રીય પક્ષો તૂટી ગયા. જે એનડીએ ૨૯૮ જેવા અંક પર અટકી ગયો હતો આજે એવું કહેવાય છે કે લગભગ તેની પાસે આજે ચારસોની આસપાસ સમર્થન સંખ્યા પહોચી ચુકી છે. આમ અબકી બાર ચારસો પારનો નારો બીજી રીતે જમીની હકીકત બનવા જઈ રહ્યો છે. સામા છેડે કોંગ્રેસ સપા આરજેડી જેવા પક્ષો જ અકબંધ રહી જવા પામ્યા છે. જો કે સપા અને આરજેડીમાં પણ ધીમો ગણગણાટ ચાલી રહ્યો હોવાનું કહેવાય છે. વિપક્ષો પક્ષે સૌથી મોટી ચેલેન્જ સતાધારી ગઠબંધન સામે એકજૂટ બની રહેવાની છે. કોઈ એક એવો પક્ષ કે નેતા નથી જે બધાને એક સૂત્રે બાંધીને રાખે. સૌથી મોટો પક્ષ કોંગ્રેસ છે પણ આવા કટોકટીના સમયે તેના નેતા રાહુલ ગાંધી વિદેશમાં વેકેશન માણતા હોય છે. ખુદ પંજાબ કોંગ્રેસમાં પણ બળવો થવાના એંધાણ વર્તાઈ રહ્યા છે ત્યારે પોતાનું ઘર સાજુ રાખવાનો ઉજમ પહેલા કરવો પડે તેમ છે.
એક વખત જેમની સરકાર એક મતના તફાવતથી પડી હતી એ પક્ષ આજે બેતૃત્યાંશ સંખ્યા ભેગી કરવાના પ્રયત્નોમાં છે, ભારતની રાજનીતિમાં હિન્દુત્વ જેવા ઘણા અછૂત ગણાતા મુદ્દાઓ આજે મુખ્ય ધારાના મુદ્દા બનીને સત્તા પ્રાપ્તિનો રસ્તો બની ચુક્યા છે. રાજનીતિનું ચક્ર ઝડપભેર બદલાઈ ચુક્યું છે. જે સંખ્યા લુટિયન્સની મુઠ્ઠીમાં બની રહેતી હતી એ આજે હિન્દુસ્તાનના ગામડા કસબાઓ સુધી પહોચી ચુકી છે. કોંગ્રેસ અને સપા જેવા થોડા પક્ષોને બાદ કરતા કોઈ એવો પક્ષ નથી જે આજે સત્તાધારી સાથે આ બિલોના સમર્થનમાં ઉભો રહેવા તૈયાર ન હોય. મહિલા અનામત, વન નેશન વન ઈલેક્શન અને પરિસીમન બંને બિલ ભારતીય લોકતંત્રની આજની જરૂરીયાત છે. વસ્તીની સાપેક્ષે વર્ષોથી પ્રતિનીધીઓની સંખ્યા તેની તે જ રહી છે. જે પ્રતિનિધિ થોડા વર્ષો પહેલા લાખોની સંખ્યામાં પ્રજાનું પ્રતિનિધિત્વ કરતા હતા એ આજે કરોડોની સંખ્યાનું પ્રતિનિધિત્વ કરે છે. પ્રતિનિધિની સંખ્યા વધવાથી સત્તાના વિકેન્દ્રીકરણનો ખ્યાલ
બૃહદ બનશે. કુલ વસ્તીનો અર્ધો ભાગ મહિલાઓને રાજનીતિમાં સક્રિય ભાગીદારી આપીને તેમની પ્રતિભાનો દેશની ઉન્નતી માટે ઉપયોગ લેવો એક ઉમદા લોકશાહી ખ્યાલ છે. વન નેશન વન ઈલેક્શન દેશના અનેકવિધ સંશાધનો, નાણા, સમય અને તંત્રની ઉર્જાની બચત કરશે જે વિકાસ કાર્યોમાં લાગી શકશે. કોંગ્રેસ સિવાયના બીજા ઘણા પક્ષો એપ્રિલમાં સમર્થન નહિ આપવાની પોતાની ભૂલ હવે સુધારી લેવા માંગતા હોય એવું લાગી રહ્યું છે. જેમજેમ સરકાર બિલ પાસ પરવી લેવાના જાદુઈ આંકડા તરફ આગળ વધી રહી છે તેમ તેમ વિપક્ષોમાં બેચેની વધી રહી છે અને ફૂટ પડી રહી છે.
આ બધા બિલો દેખીતી રીતે દેશહિતમાં છે. સત્તા પક્ષનો એકલાનો કોઈ અંગત લાભ નથી. જે ફાયદો થઇ રહેવાનો છે એ બધા રાજકીય પક્ષો વચ્ચે વહેંચાવાનો છે. માત્ર ને માત્ર કોઈ વ્યક્તિ કે પક્ષના રાજકીય વિરોધ ખાતર આ બિલોનો વિરોધ વિપક્ષોને પ્રજાની વચ્ચે અળખામણા બનાવી દેશે.
ક્વિક નોટ - એક માણસ વત્તા ઈશ્વર એ બહુમતિ છે. - ફ્રેડરિક ડગ્લાસ
production@infiniumpharmachem.com

