ગુજરાતના રાજકારણમાં સત્તાની ખુરશી માટે એવા અનોખા સમીકરણો રચાયા છે, જેને જાઈને ભલભલા રાજકીય પંડિતો પણ માથું ખંજવાળતા થઈ ગયા છે! સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભારે બહુમતીથી જીતનાર ભાજપ માટે રોટેશન અને અનામતના ગણિતે એવી જાળ બિછાવી કે સત્તા બચાવવા ક્યાંક કટ્ટર હરીફ કોંગ્રેસ સાથે 'લગ્ન' કરવા પડ્યા, તો ક્યાંક આમ આદમી પાર્ટીના શરણે જવું પડ્યું.
જાણો ગુજરાતની પંચાયતોમાં ખેલાયેલા આ હાઈવોલ્ટેજ ડ્રામાની રસપ્રદ ઈનસાઈડ સ્ટોરી… આણંદમાં પણ હાઈકોર્ટ પહોંચીને ભાજપે જીત મેળવી છે. રોટેશન પદ્ધતિ અને એસ સી. અનામતના કારણે ભાજપ માટે કેટલીક પંચાયતોમાં જીત છતાં સત્તા મેળવી શકી નથી. ભાજપના રાજકીય મેનેજમેન્ટ એ ચૂંટણી અગાઉ આ સમસ્યા સંદર્ભે અનેક જગ્યાએ ઉકેલ શોધ્યો હતો. ઘણી જગ્યાએ સામાન્ય બેઠક ઉપર પણ એસ સી કેટેગરીના ઉમેદવારને ઊભા રાખી વિજય બનાવ્યા હતા. જાકે કેટલીક પંચાયતો પર ભાજપનું મેનેજમેન્ટ ખોટું સાબિત થયું. મસમોટા પ્લાનિંગ છતાં પંચાયતો કબજે કરવા માટે ભાજપના નેતાઓ ગઠબંધનો કરવામાં પાછાપાની કરી રહ્યાં નથી. તમે અહીં જુઓ ક્યાં કઈ રીતે ગઠબંધનો થયા છે.
ધાનપુર તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખ બંને પદની હાઈવોલ્ટેજ ચૂંટણી પ્રક્રિયા આખરે પૂર્ણ થઈ ગઈ છે. પ્રમુખ અને ઉપપ્રમુખ બંને પદ પર ભાજપ-આપને ૧૨-૧૨ સરખા મત મળતા ભારે રોમાંચ સર્જાયો હતો. બંને પદ માટે ટાઈ થતાં આખરે કાયદાકીય જાગવાઈ મુજબ ચિઠ્ઠી ઉછાળીને વિજેતા નક્કી કરાયા હતા. પ્રમુખ પદની ચિઠ્ઠીમાં આમ આદમી પાર્ટીના સોનલબેન ભુરીયાનું નામ નીકળતા તેઓ પ્રમુખ તરીકે વિજેતા જાહેર થયા છે. ઉપપ્રમુખ પદની ચિઠ્ઠીમાં ભાજપના નયનભાઈ બારીઆનું નામ ખુલતા તેઓ ઉપપ્રમુખ તરીકે વિજેતા જાહેર થયા હતા. ધાનપુર તાલુકા પંચાયતમાં પ્રમુખ પદ આપના ફાળે અને ઉપપ્રમુખ પદ ભાજપના ફાળે જતાં સત્તાનું અનોખું સમીકરણ રચાયું છે. પૂર્વ મંત્રી અને ધારાસભ્ય બચુ ખાબડના ગઢમાં પ્રમુખ પદ ગુમાવીને ભાજપને મોટો રાજકીય ફટકો વેઠવો પડ્યો છે. ચિઠ્ઠીના સહારે બંને પક્ષોને એક-એક પદ મળતા ધાનપુરમાં દિવસભર ચાલેલા હાઈડ્રામાનો અંત આવ્યો છે.લાઠી તાલુકા પંચાયતના પ્રમુખ મુદ્દે રાજુલાના ધારાસભ્ય હીરા સોલંકીએ મોટો ખેલ પાડ્યો છે. કોળી સમાજમાંથી આવતા અને આપમાંથી ચુંટાયેલા સદસ્યને ભાજપે પ્રમુખ પદ સોંપી દીધું છે. હિરા સોલંકીના જમાઈ ચેતન શિયાળે સમગ્ર ઓપરેશન પાર પાડ્યું હોવાની ચર્ચા છે. લાઠી તાલુકા પંચાયતમાં ભાજપના સમર્થનથી આપમાંથી વિજેતા થયેલ સદસ્ય પ્રમુખ બન્યા છે. લાઠી તાલુકા પંચાયતમાં પ્રમુખ પદ ઓબીસી અનામત છે. ભાજપને બહુમતી મળી હતી પરંતુ એકપણ ઓબીસી ઉમેદવાર વિજેતા ના થતા ભાજપ ટેન્શનમાં હતું. કોંગ્રેસના ઓબીસી સદસ્યને પ્રમુખ બનાવવા પડે તેવી સ્થીતિ હતી. હિરા સોલંકીની રાજકીય કુનેહથી કોંગ્રેસની આશાઓ પર પાણી ફરી વળ્યું છે.મેઘરજ તાલુકા પંચાયતમાં પણ સત્તાનો પવન બદલાયો છે. કોંગ્રેસના પ્રમુખ અને સત્તા ભાજપની છે. કોંગ્રેસની વધુ બેઠકો છતાં ભાજપે સત્તા હાંસિલ કરી લીધી છે. કોંગ્રેસના ૧૧ સભ્યોમાંથી બે સભ્યોએ ભાજપને ટેકો જાહેર કર્યો છે. એક અપક્ષ તેમજ બે કોંગ્રેસના સહિત ૧૩ બેઠકો સાથે ભાજપને સત્તા મળી ગઈ છે. ચૂંટણી હોલમાં બે કોંગ્રેસ સભ્યોએ ભાજપને મત આપ્યા હતા. કોંગ્રેસના સભ્ય ભરત ખાંટ ભાજપના ટેકાથી પ્રમુખ બન્યા હતા. ઉપપ્રમુખ પદે અરવિંદ ખરાડી ચૂંટાયા હતા. વધુ બેઠકો છતાં કોંગ્રેસે સત્તા પર આવવાની તક ગુમાવી દીધી હતી.
કોડીનાર તાલુકા પંચાયતમાં અપક્ષ ઉમેદવારે કોંગ્રેસને ટેકો જાહેર કર્યો છે. કેબિનેટ મંત્રી પ્રદ્યુમન વાજા અને દિનુ સોલંકીના ગઢમાં હવે કોંગ્રેસની સત્તા આવી ગઈ છે. અપક્ષ ઉમેદવાર અસ્મીતા જાદવે કોંગ્રેસ પક્ષને ટેકો જાહેર કર્યો છે. તાલુકા પંચાયતના પ્રમુખ અનુપાબેન સોલંકી અને ઉપપ્રમુખ તરીકે હર્ષા બેન ગાધે નિયુક્ત થયા છે. કોડીનાર તાલુકા પંચાયતમાં કોંગ્રેસ પાસે ૧૨, ભાજપ ૧૧ જ્યારે અપક્ષ ૧ સભ્ય જીત્યા હતા. ભાજપના ગઢમાં કોંગ્રેસે સત્તા કબજે કરતાં સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવ્યો છે. ભરૂચની નેત્રંગ તાલુકા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણીમાં ઉલટી ગંગા વહી છે. આપને સત્તા સ્થાનેથી દુર રાખવા ભાજપ-કોંગ્રેસ એક સાથે આવી ગયા છે. પ્રમુખ તરીકે ભાજપના મગન વસાવા ચૂંટાયા તો ઉપપ્રમુખ તરીકે કોંગ્રેસના નયના પ્રજાપતિએ પદ સંભાળ્યું છે. તાલુકા પંચાયતની ચૂંટણીમાં કુલ ૧૬ બેઠકો પૈકી ૮ બેઠક આપ, ૭ બેઠક ભાજપ અને ૧ બેઠક કોંગ્રેસે જીતી હતી. આપના ૧ સભ્યનું નિધન થયું હતું. ભાજપે સત્તા ટકાવી રાખવા કોંગ્રેસ સાથે ગઠબંધન કર્યું છે. આણંદ જિલ્લા પંચાયત પ્રમુખની ચૂંટણીનો મામલામાં હવે નવો વળાંક આવ્યો છે. પ્રમુખપદની ચૂંટણીમાં કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. કોંગ્રેસનું પ્રમુખ પદનું સ્વપ્ન રોળાયું છે. પ્રમુખપદનું ભાજપના ઉમેદવારનું ફોર્મ રદ કરાયું હતું. જેથી ભાજપે
રવિયા હાઇકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા. ગત રોજ જ હાઇકોર્ટમાં રિટ દાખલ થઈ હતી. કોર્ટ દ્વારા ભાજપના મયુરી પટેલનું ઉમેદવારી પત્ર માન્ય રખાયું છે. જિલ્લા પંચાયતમાં ભાજપ ૩૩ સભ્યો સાથે છે બહુમતીમાં છે. આ જિલ્લા પંચાયતમાં પ્રમુખ પદ અનુસૂચિત જન જાતિ બેઠક માટે અનામત છે. હવે ભાજપના મયુરીબેન પટેલ પ્રમુખ પદે ચૂંટાઈ આવ્યા છે. ઉપપ્રમુખ પદે જીલુભા સિંધા બિન હરીફ ચૂંટાયા છે.

