સાવરકુંડલા-વીજપડી સ્ટેટ હાઇવે પર ખડસલી નજીક ફરી એક અકસ્માતની ઘટના સામે આવી છે. ફોરવ્હીલ વાહનનું અચાનક ટાયર ફાટતા ચાલક સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવી બેઠો હતો. ત્યારબાદ વાહન રસ્તાની બાજુમાં આવેલ વડના ઝાડ સાથે જોરદાર અથડાયું હતું. અકસ્માતમાં વાહનને ભારે નુકશાન થયુ હોવાનું જાણવા મળ્યુ છે. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની નોંધાઈ નથી.
સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ આ સ્થળે અગાઉ પણ અનેક અકસ્માતો બની ચુક્યા છે. જોખમી વળાંક અને રસ્તાની એકદમ નજીક આવેલું વડનું ઝાડ અકસ્માત માટે જવાબદાર હોવાનું લોકો જણાવી રહ્યા છે. અનેક વખત તંત્ર સમક્ષ રજૂઆતો કરવા છતાં હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી, જેના કારણે વાહનચાલકોમાં ચિંતા જોવા મળી રહી છે.

