Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

ઉપવાસ અને આંદોલન - સિધ્ધ અને સાધનશુધ્ધિ

Sanjog News 6 hrs ago

ભારતે વિશ્વને આપેલ મહાનત્તમ ભેંટોમાં કે વારસામાં એક સંન્યાસ અને બીજો ઉપવાસ છે. પશ્ચિમી જીવનપધ્ધતિમાં સંન્યાસ કે ઉપવાસની ધારણાઓ કે ખ્યાલો નથી. જેમ મૌન એ વાણીનો ઉપવાસ છે તેમ અન્નત્યાગ કે અન્નમર્યાદા એ શરીરનો ઉપવાસ છે. આપણા હિંદુ શાસ્ત્રોએ ઉપવાસને અનેરું ધાર્મિક મહત્વ આપ્યું છે. મુસ્લિમ સંપ્રદાયમાં રોજા અને હિંદુ સંપ્રદાયમાં અનેક ધાર્મિક તહેવારો ઉપરાંત અગિયારસ જેવી ખાસ તિથિઓ નિમિતે ઉપવાસ કરવાનો રીવાજ કે ધાર્મિક માન્યતા છે.

'એકાદશી કરીએ તો વ્રજસુખ પામીએ…' જેવું કીર્તન પણ વૈષ્ણવ સંપ્રદાયમાં ગવાય છે. જૈન ધર્મમા તો સંથારો જેવી ઈશ્વરને પામવાની શ્રેષ્ઠ ઉપવાસની પરંપરા છે. જ્યાં પ્રાણ કાઢીને અંતિમને પામવા માટે જ ઉપવાસ આદરવામાં આવે છે. દુનિયામાં આનાથી બીજો પવિત્ર ઉપવાસ બીજો કોઈ નથી. ઉપવાસને ધર્મ સાથે સાંકળીને શરીરને નીરોગી રાખવાની અને ઈશ્વરને પામવા જેવી આસ્થાની એક શ્રેષ્ઠ અને આદર્શ હિંદુ ધાર્મિક પરંપરા રહી છે. હિન્દુસ્તાનમાં ઉપવાસ એ ત્યાં સુધી માત્ર ધર્મ સાથે સંકળાયેલી બાબત હતી જ્યાં સુધી ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં ગાંધીજીએ બ્રિટીશ સલ્તનત સામે અને ઘણીવાર દેશની જનતાની પણ સામે ઉપવાસને એક હથિયાર તરીકે વાપર્યા નહોતા. ગાંધીજીએ ઉપવાસના અહિંસક અને અમોઘ શસ્ત્રથી બ્રિટીશ સલ્તનતને નમાવી અને ઉપવાસને રાજકીય પરિમાણ અને વજૂદ બક્ષ્‍યું. લોક્પ્રશ્ને લોકનેતા દ્વારા આદરવામાં આવતા ઉપવાસ એક પવિત્ર રાજકીય પ્રયત્ન તેમજ ખ્યાલ છે. પોતાની જાતને પારાવાર પીડા આપીને લોકકલ્યાણ કાજે સત્તા, સમર્થ કે સામેવાળાને ઝૂકાવવાની આ એક અજાયબ પધ્ધતિને આખું વિશ્વ આંખો ફાડીને જોઈ રહ્યું. ભલભલા ભીમસેન ઝુકી પડે એવા એક નવા રાજકીય શસ્ત્રથી વિશ્વ અવગત થયું. કીડની કામ કરતી બંધ થઇ જાય, હૃદય બંધ થવાની કક્ષા સુધી ધીમું પડી જાય ત્યાં સુધી ઉપવાસ કરવાની ગાંધીજીની ક્ષમતા જાણતા અંગ્રેજોના આંતરડામાં આ ઉપવાસથી ચૂંથારો થવા માંડતો. ૬૪ વર્ષની ઉમરે ૨૧ દિવસના ઉપવાસની ગાંધીઘટનાનો દેશ સાક્ષી છે. જે બાબત, મુદ્દા કે માંગણી ને લઈને ગાંધીજીએ ઉપવાસ આદર્યા હોય એ બાબત, મુદ્દો કે માંગણી સમગ્ર હિન્દુસ્તાનનો તત્કાલ જીવનમંત્ર બની જતો એવો પ્રભાવ હતો.
જતીનદાસ ૨૪ વર્ષના ક્રાંતિકારી હતા જયારે તેમણે લાહોર જેલમાં રાજકીય કેદીઓને સામાન્ય ગુનેગારો જેવી અપાતી સગવડો સામે ૬૩ દિવસની ઐતિહાસિક ભૂખ હડતાલ કરી હતી. ૧૩ સપ્ટેમ્બર ૧૯૨૯ના રોજ લાહોરની જેલમાં અન્ન અને જળનો ત્યાગ કરીને તેઓ શહીદ થયા હતા. તેમની અંતિમયાત્રા કલકત્તા ખાતે નીકળી હતી ત્યારે હિન્દુસ્તાને ક્યારેય ન જોયેલો માનવ મહેરામણ આ શહીદને અંતિમ વિદાય આપવા ઉમટી પડ્‌યો હતો. ઉપવાસનું આ અંતિમ ચરમ હતું જયારે એક ચોવીસ વર્ષનો નવલોહીયો યુવાન માં ભોમ કાજે ઉપવાસ કરીને શહીદ થયો હતો. આજે એક કે બે દિવસના પ્રીતિક ઉપવાસ કરતા અને મંચની પાછળ પરદાની આડમાં ખાતા રહીને ઉપવાસ કરતા કે બે દિવસમાં બર્ગર ખાઈને આમરણ અનશન તોડી નાખતા કોન્વેન્ટિયા સુંવાળા આંદોલનકારીઓ પોતાની માંગો પર અડગ નહિ રહી શકવાનું કારણ આવા આત્મબળનો અભાવ બતાવે છે. જતીનદાસ જેવું આત્મબળ લઈને વાજબી માંગો સાથે અનશન સરકારના પાયા ડગમગાવી દેવા પુરતું છે. અનશન એક એવું સાધન છે જો એ શુધ્ધ હોય, અને ઉમદા ઈરાદાઓ માટે હોય તો સિંહાસનના પાયા અસ્થિર કરી શકે છે. ઉપવાસ એ પ્રતિકાર કે વિરોધ કરવાનું કે તમારી માન્યતા કે વિચાર પ્રગટ કરવાનું શુધ્ધ અહિંસક શસ્ત્ર છે. સામેવાળાને શારીરિક ઈજા કર્યા વિના, ઉલટાનું પોતાની જાતને પીડામાં મુકીને વિરોધ કે પ્રતિકાર કરવાની વાત છે. વિરોધ કરવાની એક ઉચ્ચતમ કોટિની આદર્શ પધ્ધતિ છે. કર્મ કે પ્રવૃતિમાં સાધનશુધ્ધિ ભળતા એની પારદર્શિતા અને પવિત્રતા ઉંચાઈઓને આંબે છે. આઝાદી બાદ પણ ગાંધીજીએ ચીંધેલ આ શસ્ત્રનો રાજકીય ઉપયોગ થયો છે. જે આંદોલનો સફળ થયા છે એ બધા આંદોલનોના મૂળમાં શુધ્ધ ઈરાદાઓ રહેલા હતા. ભારતે આવા ઘણા આંદોલનો જોયા છે, જેપીનું નવનિર્માણ આંદોલન, વીપી સિંહનું આંદોલન, અને અન્ના હઝારેનું આંદોલન જેવા આંદોલાનોએ સરકાર ઉથલાવી નાખી હતી. આ અંદોલન કોઈ સરકાર ઉથલાવીને પોતાની સરકાર સ્થાપવા માટેના કે સરકારને અસ્થિર કરીને પોતાનો રાજકીય હેતુ સિધ્ધ કરવા માટેના નહોતા. આ અંદોલન પ્રજાના મુદ્દાને અસર કરતા હતા. જેની સાથે ખરેખર પ્રજાના મોટાભાગના વર્ગની સંવેદના જોડાયેલી હતી.
નીટ પેપરલીક મુદ્દે દિલ્હીના જંતરમંતર પર ધરણા પર બેઠેલા કથિત વિદ્યાર્થીઓએ સંસદને ઘેરવાનો અલોક્તાન્ત્રિક રસ્તો લઈને ધમાલ મચાવી જેમાં ૧૧૮ સુરક્ષા જવાનો અને વિદ્યાર્થીઓ પણ ઘાયલ થયા. એમણે પત્રકારોને પણ પીટ્યા. નેતા પ્રતિપક્ષ રાહુલ ગાંધીએ તો લોકશાહીની અભિવ્યક્તિની પરંપરાને એથી પણ ગર્તમાં ધકેલતા પ્રધાનમંત્રી આવાસના ગેટ પર ધરણા દીધા. સરકારે પેપરલીક મુદ્દે રીનીટથી લઈને દોષિતો સામે કાર્યવાહી જેવા ઘણા ઠોસ પગલાઓ લઈને બીજી વખત ટૂંક સમયમાં સફળ પરીક્ષાનું આયોજન કરીને વિદ્યાર્થીઓને ન્યાય અપાવી દીધો હતો. વિપક્ષોના ભાંગતોડ એજન્ડા પર કામ કરતા અને સોશ્યલ મીડિયાની પાર્ટી ધરાવતા ચંદ માણસો લોકશાહીના નામે ભારતની લોકશાહીના ચીથરા ફાડવા દિલ્હીની સડકો પર ઉતરી આવ્યા. તેમનું પૂર્વ રાજકીય કનેક્શન આમઆદમીપાર્ટી હોવાનું જનતા સમક્ષ આવી જ ગયું છે. એ પક્ષના શીર્ષસ્થ નેતા ત્યાં તમને મંચ પર ટેકો આપવા પણ પહોચી ચુક્યા હતા. વિપક્ષો વચ્ચે આ અંદોલનનો મુદ્દો હાઈજેક કરવા અંગે સામસામી છીછરી આક્ષેપબાઝી થઇ રહી છે એ બતાવે છે કે વિપક્ષોને વિદ્યાર્થીઓના મુદ્દા અંગે કોઈ લેવાદેવા નથી. પોતપોતાનો રાજકીય રોટલો શેકી લેવા આંદોલનની ગરમ જમીન પર પોતાનો કબજો રહે તેવું ઈચ્છે છે. પેપરલીકનો મુદ્દો અત્યંત ગંભીર છે, સરકારની જવાબદેહી છે. એનો મતલબ સરકાર ઉથલાવી નાખવી હરગીઝ નથી. રાજકીય પક્ષો તક શોધે છે. બીજા છેડે સરકારે પણ મુદ્દો આટલી સંવેદનશીલતા પકડે તો મંત્રીનું રાજીનામું લઇ લેવામાં સ્વાભિમાન આડે ન લાવવું જોઈએ. સરકારે આવા અંદોલનની આડમાં દેશના કે વિદેશી દેશવિરોધી તત્વોને મોકો આપવો ન જોઈએ. એક મંત્રીનું રાજીનામું અને બીજી નાનીમોટી માંગણીઓ સામે સરકારને અસ્થિર કરનારા તત્વોને તક ન આપવી જોઈએ.
ક્વિક નોટ - જનતાના મોટા મોટા જથ્થાઓ નાં જૂઠ કરતા મોટા જૂઠને વધારે સરળતાથી માની લે છે. - એડોલ્ફ હિટલર
production@infiniumpharmachem.com

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Sanjog News