આમ તો ગત છ આૅગસ્ટે જ નક્કી થઈ ગયું હતું કે આજે નહીં તો કાલે, યુપીઆઈ પર ચાર્જ લાગવાનો જ છે, કારણકે છ આૅગસ્ટે લોકસભામાં એક ખરડો પસાર થયો હતો. આ ખરડો ચૂકવણી અને નિવેડો પ્રણાલિ અધિનિયમ, ૨૦૦૭માં સુધારાને લગતો હતો. આ સુધારા અંતર્ગત સરકારે બૅન્કો અને અન્ય સેવા પ્રદાતાઓને યુપીઆઈ દ્વારા થતી ચૂકવણી પર ચાર્જ (મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ- એમડીઆર) લગાવવા અનુમતિ આપી હતી.
તે સમયે જ ગ્લાબલ ટ્રેડ રિસર્ચ ઇનિશિએટિવ (જીટીઆરઆઈ)એ કહ્યું હતું કે ભારતે અમેરિકાના દબાણ હેઠળ યુપીઆઈને લગતી તેની નીતિ બદલવી ન જોઈએ. અને ભલે સરકાર ના પાડે, પરંતુ દેખીતી રીતે અમેરિકાનું દબાણ હતું જ. આ દબાણ માટે કોઈએ પણ સમાચારો પર ઝીણી આંખવાળી દૃષ્ટિ રાખવી પડે. ૨ એપ્રિલ ૨૦૨૬ના સમાચાર હતા કે અમેરિકાએ કહ્યું હતું કે ભારતની યુપીઆઈ પ્રણાલિ અમેરિકાની કંપનીઓ માટે વેપાર અઘરો કરી રહી છે. અમેરિકાના ડૅરી ઉત્પાદનોને ભારતમાં છૂટ આપવાની કે રશિયા પાસેથી ઈંધણ તેલ ઓછું ખરીદવાના દબાણ સામે મોદી સરકાર અડગ રહી શકી પરંતુ યુપીઆઈવાળી બાબતમાં નહીં. અને તમે જોયું હશે કે યુપીઆઈ ચૂકવણી પર ચાર્જના નિર્ણયની જાહેરાત સાથે ટીવી અને અન્યત્ર વિઝા કાર્ડની જાહેરખબરો આવવા લાગી છે. તેની જાહેરખબરમાં પાછું કોઈ નાનોમોટો સ્ટાર નથી, શાહરુખ ખાન છે! તેને કેટલા ચુકવાયા હશે આ જાહેરખબર માટે ! કેમ ચુકવાયા હશે? મીડિયામાં ૪ જૂન ૨૦૨૬એ સમાચાર આવ્યા હતા કે વિઝાએ શાહરુખ ખાનને ભારતના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે સાઇન કર્યો છે. શું જૂનમાં જ વિઝાને અંદાજ આવી ગયો હતો અથવા સરકારમાંથી સમાચાર લીક થઈ ગયા હતા કે સપ્ટેમ્બરમાં યુપીઆઈ ચૂકવણી પર ચાર્જ લાગી જશે? એક વત્તા એક કરો તો બે થાય તેવું સીધું-સાદું ગણિત છે.
એ બધી દલીલો બોદી છે કે યુપીઆઈ ચલાવવા માટે ફલાણો અને ઢીંકણો ખર્ચ લાગે છે. કોઈ પણ ચીજ મફત નથી મળતી અને ભારતીયોને બધું મફતમાં જોઈએ છે. જે લોકો આવી દલીલો કરે છે તેમને કહેવું જોઈએ કે યુપીઆઈ ચલાવવા માટે ખર્ચ લાગે છે તો સામા પક્ષે એક તો, નોટો ઓછી છાપવી પડે છે અને તે ખર્ચ બચે છે. બીજું, નોટોમાં વ્યવહાર નથી થતો તેના કારણે નકલી નોટો માર્કેટમાં ઘૂસાડવાની શક્યતા ઓછી થઈ જાય છે. અને ત્રીજું, આૅનલાઇન વ્યવહારના કારણે કાળા નાણાંનું સર્જન ઓછું થાય છે. લોકો કરની જાળમાં વધુ આવે છે. જીએસટીની માયાજાળમાંથી બચવું અઘરું પડે છે. છુટાં નાણાંની મગજમારી ઓછી થઈ જાય છે. યુપીઆઈ પછી જીએસટીની આવક ઉત્તરોત્તર કેટલી વધી છે? ૨૦૨૦ના આખા વર્ષમાં જીએસટીની આવક ૧૧.૩૭ લાખ કરોડ હતી જે જૂન ૨૦૨૬માં માત્ર એક જ મહિનાની ૧.૯૪ લાખ કરોડ થઈ છે.
આ બધો લાભ અત્યાર સુધી યુપીઆઈ માટે સમજાવતા હતા તે અચાનક ભૂલી ગયા?
દલીલ તો એવી થાય છે કે રૂ. ૨૦૦૦ સુધીની લેવડદેવડ પર કોઈ ટૅક્સ કે એમડીઆર (જે નામ આપો તે) નહીં લાગે. તો પ્રશ્ન એ છે કે રૂ. ૨,૦૦૦ શું બહુ મોટી રકમ આજના સમયમાં છે? બીજી દલીલ એવી છે કે રૂ. ૨૦૦૦ પર માત્ર ૦.૪ ટકા જ કર લાગશે. પરંતુ અત્યાર સુધીમાં વેપાર હોય કે કર, કોઈ પણ ઉત્પાદન કે પ્રણાલિની શરૂઆત થાય ત્યારે એમ જ કહેવામાં આવે છે કે તે આ રીતે સારું છે, તેની કિંમત ઓછી છે. પહેલાં મફતની ટેવ પાડવાની અને પછી ધીમેક રહીને થોડો ચાર્જ લગાડવાનો. પછી તે વધારતા જવાનો.
ભારતીયોને ચાની ટેવ કેવી રીતે પડી ખબર છે? ૧૯મી સદીમાં બ્રિટન અને ચીન વચ્ચે વેપાર એક તરફી વધુ હતો. ચીન વધુ નિકાસ કરતું અને બ્રિટન ચીનને ઓછી નિકાસ કરતું. ચીનની ચા, રેશમ અને પાર્સેલિનની માગ વધુ હતી. સામા પક્ષે ચીનમાં બ્રિટનની ચીજોની કોઈ એવી મોટી માગ નહોતી. આથી ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ ભારતમાં ચાની ખેતીને પ્રોત્સાહન આપવાનું શરૂ કર્યું. ઈ. સ. ૧૭૭૪થી શરૂ થયેલો આ પ્રયોગ સફળ થયો ઈ. સ. ૧૮૩૯માં, જ્યારે ચીન કરતાં ભારત બ્રિટનને વધુ ચા પૂરી પાડતું થઈ ગયું હતું. પરંતુ ભારતમાં હજુ ચા પીવાતી નહોતી. ઈ. સ. ૧૯૩૦ના દાયકામાં આવેલી મહા મંદીથી લુચ્ચા બ્રિટિશરોને નવું બજાર શોધવા તરફ વાળ્યા અને તેમને થયું કે ભારતથી મોટું બીજું કયું બજાર હોઈ શકે?
વિશાળ બજેટ સાથે ઇન્ડિયન ટી માર્કેટ ઍક્સ્પાન્શન બાર્ડ (આઈટીએમઇબી) બનાવવામાં આવ્યું. તેણે ભારતીય ઇતિહાસમાં કદાચ સૌથી મોટું (ચાનું) માર્કેટિંગ કેમ્પેઇન શરૂ કર્યું. શરૂઆત કહેવાતા એલાઇટ એટલે કે ભદ્ર વર્ગથી કરવામાં આવી. ચાના માર્કેટિંગ માટે મોટી ટોળીને કામ સોંપવામાં આવ્યું. તે લોકોને કામ સોંપવામાં આવ્યું કે ચાની ટેવ પાડો. તેઓ પ્રવાસ કરતા અને લોકોને ચાની ભૂકી તેમજ ચાના નમૂનાના કપ આપવામાં આવતા. હિન્દુ ઉત્સવો અને બજારોમાં તેઓ ઘૂસી જતા અને ચા કઈ રીતે બનાવવી તેની સાચી રીત શીખવતા. ચાની જાહેરખબરો અને પુસ્તિકાઓ બનાવવામાં આવી. રેલવે મથકો અને બજારો જેવાં જાહેર સ્થળોએ તે મૂકવામાં આવતી. દરેક ઉત્પાદનમાં કોઈ લાભની વાત ઉપજાવીને જોડી કઢાય છે. એનર્જી બુસ્ટ કરનારાં પદાર્થથી કેટલી ઊર્જા વધે છે તે ખબર નથી. ફૅરનેસ ક્રીમથી કઈ કાળી વ્યક્તિ ધોળી થઈ, તે માટે શાહરુખ ખાન સામે કેસ ચાલે છે. બાડી સ્પ્રેથી કઈ સ્ત્રી પુરુષ તરફ આકર્ષાય છે તે કોઈ કહી શકતું નથી.
ચાની તરફેણમાં એવી અફવા ઉડાડવામાં આવી કે (જેમ ભારતીયોમાં નાન વેજનું પ્રમાણ વધારવા માટે જાતજાતની વાત કરાય છે તેવી જ રીતે) તેનાથી ભારતીયો પણ બ્રિટિશરો જેવા શક્તિશાળી બની જશે. એટલું જ નહીં, એવું પણ કહેવામાં આવ્યું કે ભારતમાં જાતજાતના વાડા છે, તે ચાથી દૂર થશે.
તે સમયે હિન્દુ મહિલાઓ લાજ કાઢતી અને મુસ્લિમ સ્ત્રીઓ બુરખા પહેરતી. આવાં ઘરોમાં ઘૂસવા માટે મહિલાઓને તૈયાર કરવામાં આવી. નોકરી કે મજૂરીના સ્થળે વચ્ચે ખાસ વિરામ આપવામાં આવવાનું શરૂ કર્યું જેથી એ સમયમાં નોકરિયાતો કે શ્રમિકો ચા પી શકે. તે સમયે ગાંધીજી દૂધના પક્ષકાર હતા અને મોટા ભાગના ભારતીયો પણ એ વાતમાં આવ્યા નહીં. જે કામ અંગ્રેજો વિશેષ રીતે ન કરી શક્યા તે કામ સ્વતંત્રતા પછી કાળા અંગ્રેજ જેવી નહેરુ સરકારે કર્યું. ઈ. સ. ૧૯૫૩માં આઈટીએમઇબીનું નવું નામકરણ થયું ટી બાર્ડ આૅફ ઇન્ડિયા. હવે ચાને સ્વદેશી પીણા તરીકે પ્રમાટ કરાવા લાગી.
જિયોની જ વાત લો તો તેણે દસ વર્ષ પહેલાં ડેટા સસ્તો કરી નાખ્યો (કારણકે તેણે ડેટાનું મહ¥વ પામી લીધું હતું જે બીજા સેવા પ્રદાતાઓએ નહોતું પામ્યું) પરંતુ ધીમેધીમે કેટલો વધારી દીધો ! સ્માર્ટ ફાનની શરૂઆતમાં વાહ-વાહ થતી હતી પરંતુ ધીમેધીમે ગૂગલથી માંડીને ફેસબુક અને અલગ-અલગ ઍપમાં ફરજિયાત લાગઇન (જે એક રીતે પૈસા સિવાયની તમારી ચૂકવણી જ છે કારણકે એ લોકો માટે ડેટાનું મહત્વ પૈસા જેટલું જ છે) અને પછી સબસ્ક્રિપ્શન. યુટ્યૂબમાં જાહેરખબર વગર જોવું હોય તો સબસ્ક્રિપ્શન. સમાચારની ઍપ જોવી હોય તો સબસ્ક્રિપ્શન. આૅટીટી પર સબસ્ક્રિપ્શન.
મોદી સરકાર પાસે છેલ્લાં બાર વર્ષમાં સૌથી મોટી અનેક ઉપલબ્ધિઓમાં એક હતી યુપીઆઈ. તેનાથી ડાલરને મોટો ફટકો પણ પડી રહ્યો હતો. કાળાં નાણાંનું પ્રમાણ ઘટી રહ્યું હતું. પરંતુ અમેરિકાના દબાણ નીચે જ દેખીતી રીતે મોદી સરકારે યુપીઆઈ પર ચાર્જ લગાડવાનો ભૂલભર્યો નિર્ણય કર્યો છે. સરકારવાદી હિન્દુઓ (વિશેષ તો ૨૦૧૪ પછી હિન્દુવાદી બનેલાઓ) કહે છે કે આ વેરો તો માત્ર વેપારીઓને લાગુ પડે છે, ગ્રાહકોને નહીં. આ તો હવે બાળકને પણ સમજાય તેવી વાત છે કે વેપારીઓ કંઈ પોતાના ખિસ્સામાંથી વેરો ક્યારેય ભરતા જ નથી. તેઓ આ બોજો ગ્રાહકો પર જ નાખશે. અને આ શરૂ થઈ પણ ગયું છે. યુપીઆઈ પેમેન્ટથી વસ્તુ ખરીદો તો વધુ ભાવ અને રોકડમાં ખરીદો તો ઓછો ભાવ.
યુપીઆઈને નાનામાં નાના ફેરિયાઓ - શાકભાજીવાળા, પાથરણાવાળાઓએ અપનાવી લીધી છે. અને આ વાતનો નરેન્દ્ર મોદી એક શા કેસ તરીકે વિદેશી રાષ્ટ્રાધ્યક્ષો સામે પ્રચાર કરતા હતા. તે લોકો સાચે જ પ્રભાવિત પણ થતા હતા. વિદેશોથી આવતા પ્રવાસીઓ પણ અહીં આ પ્રણાલિ જોઈને આશ્ચર્યચકિત થતા હતા કે જો તમે ઘરેથી પર્સ લઈને જવાનું ભૂલી ગયા હો પરંતુ તમારા ખિસ્સામાં મોબાઇલ હોય તો તમારે ક્યાંય વાંધો ન આવે. પરંતુ યુપીઆઈ પર ચાર્જ લગાડવાનો આ નિર્ણય ભૂલભરેલો અને પગ પર કુહાડી મારવા જેવો સાબિત થશે.
તાજેતરમાં સરસંઘલાચાલક મોહન ભાગવત રાજસ્થાનના ભીલવાડામાં ચાતુર્માસ કરી રહેલા જૈન મુનિ પુલકસાગર મહારાજને મળ્યા. બંને મહાનુભાવો વચ્ચે મુલાકાત અગાઉ પુલકસાગર મહારાજનો એક વિડિયો યુજીસીના અન્યાયકારી નિયમો ગત જાન્યુઆરીમાં આવ્યા પછી ખૂબ વાઇરલ બન્યો હતો જેમાં પુણ્ય આક્રોશ વ્યક્ત કરતા પુલકસાગર મહારાજ કહ્યું હતું કે યુજીસીના નિયમો ભેદભાવકારી છે, તેનાથી દેશ તૂટશે. સબ કા સાથ સબ કા વિકાસની વાતો થાય છે, પરંતુ તેમાં બ્રાહ્મણ, વૈશ્ય, ક્ષત્રિય ક્યાં ઊભા રહે છે, તેમનો તો ભાવ પૂછાતો નથી. મીડિયા રિપાર્ટ મુજબ, મોહનજીએ પુલકસાગર મહારાજને એવું આશ્વાસન આપ્યું છે કે યુજીસીના નિયમો હજુ પ્રસ્તાવ છે. તેને અનુમતિ નથી મળી. અને આ કાયદો ન તો બન્યો છે, ન તો બનશે.
આ બહુ મોટી વાત છે કારણકે એસસી-એસટી અધિનિયમ (ઍટ્રાસિટી)ના દુરુપયોગ પર સર્વોચ્ચ ન્યાયાલયે ૨૦૧૮માં ચેતવણી આપી તેમાં દિશાનિર્દેશ જાહેર કર્યા હતા પરંતુ રાજીવ ગાંધીએ શાહબાનો કેસમાં જેમ કર્યું તેમ નરેન્દ્ર મોદીએ સર્વોચ્ચ ન્યાયાલયનો આ ચુકાદો ફેરવી તોળ્યો (તે વખતે આ કાલમમાં આ જ શીર્ષક સાથે લખાયું હતું). અને તે પછી મોદી ગર્વથી કહે છે કે તેમાં વધુ કડક પ્રાવધાનો બીજાં જોડવામાં આવ્યાં છે. (એક આંકડો તો ૪૭નો છે.) પાકિસ્તાન તરફી સૂત્રોચ્ચાર બોલવામાં પણ જામીન મળી શકે છે, પરંતુ એટ્રાસિટીમાં નહીં. તેની સામે સવર્ણોનો વિરોધ એટલો ખાસ નહોતો, પરંતુ જ્યારે આ વાત યુનિવર્સિટી કક્ષાએ યુજીસી નિયમો થકી પહોંચી ત્યારે વિરોધ વધી ગયો અને તેમાંય જંતરમંતર પર ડાબેરી કાકરોચોને જે રીતે સરકારે આંદોલન કરવાની સામે ચાલીને અનુમતિથી લઈ દિલ્લી પોલીસને ઠંડકથી કામ લેવા કહ્યું અને તે પછી આ હિંસક લોકો સામે કેસ પાછા ખેંચ્યા, તે બધા પછી અનામતની સમીક્ષા કરવાના પક્ષધર સવર્ણોએ જંતરમંતર પર પ્રદર્શન કર્યું અને તે પછી તેમનાં રીલ-પાસ્ટ પણ ખૂબ આવવા લાગી. (સાશિયલ મીડિયા આમેય સરકાર વિરોધી કંઈ પણ હોય તેને પ્રમાટ કરે જ.)
આવામાં સંઘે જે રીતે હસ્તક્ષેપ કર્યો છે તે જોતાં ફરી એક આશા જાગી છે. જ્યારે પણ વિપક્ષો સાચા મુદ્દા સાથે પણ આંદોલન કરે છે ત્યારે એ મુદ્દા પર ભાજપ વિરોધી હોય તેવો ભાજપ સમર્થક પણ વિપક્ષોના કારણે ભાજપના સમર્થનમાં આવી જાય છે કારણકે આંદોલનમાં ભળે છે ભારત તેરે ટુકડે હોંગે ગેંગ, કાશ્મીરને સ્વતંત્ર કરાવવાની વાત કરતી જેએનયૂ અને ડીયૂ બ્રાન્ડ ગેંગ, ખાલિસ્તાન સમર્થકો, એલજીબીટીક્યૂ સમુદાય અને ફૅક ફેમિનિસ્ટ. એટલે ભાજપ સમર્થક પોતાનો વિરોધ ભૂલી જાય છે. જતો કરી દે છે. એટલે સંઘ અથવા સંઘ પ્રેરિત કોઈ સંસ્થાએ જ આગળ આવવું પડશે અને મોદી સરકાર પર લગામ કસવી પડશે. અમેરિકાનું દબાણ હોય કે અન્ય રીતે સરકાર ર્પાકિંગથી લઈને અટલ સેતુ, હાઇ વે પર ટાલ ટૅક્સમાં બેફામ વધારો કે પરીક્ષા ફી, શાળાની શિક્ષણ ફી જેવા મુદ્દે જે બેફામ ભાવવધારો થવા દે છે, રિડેવલપમેન્ટના નિયમો બિલ્ડરને અનુકૂળ પડે તેવા કર્યા છે અને ન્યાયાલયમાં પણ બિલ્ડરનો વિરોધ જોઈએ તેવો કરાતો નથી, તેના કારણે આજે ઘણા નિવાસીઓ પોતાના મકાન છતાં ભાડું ભરીને રહે છે, બિલ્ડર ભાડું નથી આપતો અથવા મુંબઈમાં એક સાસાયટીમાં થયું હતું તેમ એક ઇંટ પણ નથી મૂકતો અને નિવાસીઓ નિરુપાયે વિવશ બનીને કાર્ટે ચડે છે ત્યારે અપવાદ સિવાય બહુ ઓછા કેસ તેમની તરફેણમાં આવે છે. ભાજપને ચૂંટણી જીતવા મત બૅંક જોવી પડતી હશે, તેથી અત્યાચારી એટ્રાસિટી કે અનામતમાં ઓછા મેરિટની જોગવાઈ જેવી સમીક્ષા કરવા તે તૈયાર ન થતો હોય તે બની શકે કારણકે સામા પક્ષે રાહુલ ગાંધીથી માંડીને અખિલેશ યાદવ, તેજસ્વી યાદવ સહિતના વિપક્ષો 'હિન્દુઓમાં ભાગલા પાડો અને લઘુમતીને એક કરો'ની રાજનીતિથી ચાલે છે, ભાજપને ફંડ માટે બિલ્ડરોનો સાથ આપવાની વિવશતા હોઈ શકે પરંતુ સંઘને કોઈ વિવશતા નડતી નથી. તેના માટે દેશ પ્રથમ હોવાનું કહેવાય છે. તેની પાસે આખું માળખું છે જે અનુચ્છેદ ૩૭૦, શ્રી રામમંદિર, ત્રિતલાકની જેમ સાચો નેરેટિવ સમાજમાં પ્રસરાવી શકે છે. આમેય, હિન્દુ શાસ્ત્રો મુજબ તો ઈન્દ્ર પર મોહનની લગામ હોય જ છે. સંઘે માત્ર આ વાત જ યાદ કરવાની છે. કારણકે મધ્યમ વર્ગ અને સવર્ણો પણ ભારતીય સમાજનો જ હિસ્સો છે.

