Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
આચાર્ય ચાણક્યનો જીવન મંત્ર: અન્યાય અને અધર્મ સામે ચૂપ રહેવું એ ગુનો, જાણો ક્યારે અવાજ ઉઠાવવામાં જ છે સાચી સમજદારી

આચાર્ય ચાણક્યનો જીવન મંત્ર: અન્યાય અને અધર્મ સામે ચૂપ રહેવું એ ગુનો, જાણો ક્યારે અવાજ ઉઠાવવામાં જ છે સાચી સમજદારી

Chanakya Niti: આ ૪ જગ્યાઓ પર મૌન રહેવું એ સૌથી મોટી મૂર્ખતા છે

માનવ સભ્યતાના ઇતિહાસમાં આચાર્ય ચાણક્ય એક એવું અજોડ વ્યક્તિત્વ છે, જેમનું જ્ઞાન, રાજદ્વારી કુશળતા અને જીવન દર્શન સદીઓ પછી આજે પણ એટલું જ પ્રાસંગિક છે. તેમણે પોતાની તીક્ષ્‍ણ બુદ્ધિ અને અનુભવોના નીચોડમાંથી 'ચાણક્ય નીતિ' ગ્રંથની રચના કરી હતી. આ ગ્રંથ માત્ર રાજનીતિ પૂરતો મર્યાદિત નથી, પરંતુ તે મનુષ્યને જીવન જીવવાની સાચી કળા અને કટોકટીના સમયે યોગ્ય નિર્ણય લેવાની ક્ષમતા શીખવે છે.

સામાન્ય રીતે વડીલો અને જ્ઞાની પુરુષો આપણને ‘મૌન’ રહેવાનું મહત્વ સમજાવતા હોય છે, પરંતુ આચાર્ય ચાણક્યનું માનવું હતું કે દરેક જગ્યાએ ચૂપ રહેવું એ સમજદારી નથી, બલ્કે કેટલીક પરિસ્થિતિઓમાં મૌન ધારણ કરવું એ કાયરતા અને મૂર્ખતાની નિશાની છે.

આચાર્ય ચાણક્યને ભારતીય ઇતિહાસના સૌથી મહાન જ્ઞાની, અર્થશાસ્ત્રી અને દૂરંદેશી મહાપુરુષ માનવામાં આવે છે. તેમણે મનુષ્યના કલ્યાણ માટે અનેક એવી નીતિઓ ઘડી છે, જે વ્યક્તિને સફળતાના શિખરે પહોંચાડી શકે છે. અવારનવાર આપણને શીખવવામાં આવે છે કે ‘એક મૌન, સો સુખ’, પરંતુ આચાર્ય ચાણક્ય આ બાબતે સહેજ જુદો અને વ્યવહારુ દૃષ્ટિકોણ ધરાવતા હતા. તેમના મતે, જે વ્યક્તિ સમય અને સંજોગોને ઓળખ્યા વગર દરેક જગ્યાએ માત્ર મૌન ધારણ કરીને બેસી રહે છે, તે પોતાનું જ નહીં પરંતુ સમગ્ર સમાજનું નુકસાન કરે છે. ચાણક્ય નીતિ અનુસાર, જીવનમાં એવી ચાર મુખ્ય જગ્યાઓ અને પ્રસંગો છે જ્યાં મનુષ્યે ક્યારેય ચૂપ ન રહેવું જોઈએ. આવી પરિસ્થિતિઓમાં મૌન રહેવું એ મૂર્ખતા સાબિત થાય છે અને અવાજ ઉઠાવવામાં જ સાચી શાનપણ રહેલી છે.

૧. જ્યારે નજર સામે કોઈ નિર્દોષ પર અન્યાય થઈ રહ્યો હોય

આચાર્ય ચાણક્યના મતે, જો તમારી નજર સામે કોઈ નબળા કે નિર્દોષ વ્યક્તિ સાથે અન્યાય અથવા અત્યાચાર થઈ રહ્યો હોય, તો તેવા સમયે મૂકપ્રેક્ષક બનીને ચૂપચાપ ઊભા રહેવું એ સૌથી મોટું પાપ છે. આવી પરિસ્થિતિઓમાં ખુલ્લેઆમ બોલવું અને અન્યાયનો પ્રતિકાર કરવો જોઈએ. જો તમે કોઈ ખોટી વાત કે અત્યાચાર સામે અવાજ નથી ઉઠાવતા અને મૌન સેવો છો, તો તેનો અર્થ એ છે કે તમે તમારા પોતાના નૈતિક સિદ્ધાંતો અને આત્મા સાથે સમાધાન કરી રહ્યા છો. સમાજમાં ગુનો કરનાર જેટલો દોષિત છે, તેટલો જ દોષિત ગુનાને મૂંગા મોઢે સહન કરનાર કે જોનાર વ્યક્તિ પણ છે.

૨. જ્યારે તમારા પોતાના અધિકારો છીનવાઈ રહ્યા હોય

ઘણીવાર લોકો વિનમ્રતા અથવા વિવાદ ટાળવાના ડરથી પોતાના હક્કો જતાં કરી દેતા હોય છે. પરંતુ આચાર્ય ચાણક્ય સ્પષ્ટ શબ્દોમાં કહે છે કે, જો કોઈ વ્યક્તિ તમારા કાનૂની, સામાજિક કે વ્યવસાયિક અધિકારો અને વિશેષાધિકારોને બળજબરીથી છીનવી રહ્યું હોય, અને તમે બધું જાણવા છતાં મૌન રહીને તે અન્યાયને થવા દો છો, તો તે તમારી નબળાઈ અને અત્યંત મૂર્ખતા દર્શાવે છે. પોતાના હક્ક માટે લડવું અને અવાજ ઉઠાવવો એ અહંકાર નથી, પરંતુ આત્મસન્માનની રક્ષા છે. આવી બાબતોનો ખુલ્લેઆમ અને તાર્કિક વિરોધ કરવો એ જ જ્ઞાની મનુષ્યની ઓળખ છે.

૩. જ્યારે સંબંધોને તૂટતા બચાવવાની વાત આવે

માનવીય સંબંધો ખૂબ જ નાજુક વણાટ ધરાવે છે. ઘણીવાર પરિવારમાં કે અંગત સંબંધોમાં ગેરસમજ અથવા અબોલાના કારણે અંતર વધી જતું હોય છે. ચાણક્ય નીતિ અનુસાર, જ્યારે કોઈ મહત્વપૂર્ણ સંબંધને તૂટતો બચાવવાનો હોય, ત્યારે મૌન ધારણ કરવાને બદલે ખચકાટ કે ડર વિના ખુલ્લેઆમ વાત કરવી જોઈએ. મનમાં ચાલતા વિચારો અને લાગણીઓને સ્પષ્ટ શબ્દોમાં વ્યક્ત કરવાથી મોટી-મોટી ગેરસમજો પળભરમાં દૂર થઈ જાય છે. સંબંધો સાચવવા માટે અહંકાર છોડીને સંવાદ સાધવો એ જ એકમાત્ર ઉત્તમ માર્ગ છે.

૪. જ્યારે અધર્મ સામે ન્યાયનું રક્ષણ કરવાનું હોય

સમાજની વ્યવસ્થા ન્યાય અને ધર્મ પર ટકેલી છે. આચાર્ય ચાણક્યના મતે, જ્યારે પણ ન્યાય અને અધર્મના મુદ્દાઓ વચ્ચે ટક્કર થાય, ત્યારે દરેક નાગરિકે કોઈપણ ભય કે પક્ષપાત વિના ન્યાયની તરફેણમાં પોતાના વિચારો મજબૂતાઈથી વ્યક્ત કરવા જોઈએ. સત્યનો સાથ આપવો એ પ્રત્યેક મનુષ્યની નૈતિક ફરજ છે. ચાણક્ય નીતિનું એક અદભુત વાક્ય છે કે, “જ્યારે તમે મુશ્કેલ સમયમાં ન્યાય અને સત્યનું રક્ષણ કરો છો, ત્યારે સમય આવ્યે એ જ ન્યાય અને સત્ય ઢાલ બનીને તમારું પણ રક્ષણ કરે છે.” તેથી, ડરને ખંખેરીને હંમેશા સાચી અને ન્યાયી બાબતનો પક્ષ લેવો જોઈએ.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Satya Day