અમેરિકાના 'ઝાંસા'માં ન આવ્યા આ નાના દેશો! નાગરિકોના ડેટા બચાવવા ઠુકરાવી કરોડોની 'હેલ્થ ડીલ'
અમેરિકાની વિદેશ નીતિમાં અત્યારે એક નવો વળાંક જોવા મળી રહ્યો છે. અમેરિકા આફ્રિકન દેશોને સ્વાસ્થ્ય સેવાઓમાં મદદ કરવાના નામે કરોડો ડોલરનું ફંડિંગ આપી રહ્યું છે, પરંતુ આ મદદ મફત નથી. તેની પાછળ એક મોટી શરત છુપાયેલી છે-દેશના નાગરિકોનો સંવેદનશીલ હેલ્થ ડેટા.
ઘાના અને ઝિમ્બાબ્વે જેવા દેશોએ આ શરત સામે ઘૂંટણ ટેકવાને બદલે અમેરિકાને સ્પષ્ટ ‘ના’ કહી દીધી છે.
ઘાનાએ કેમ ફગાવી અમેરિકાની ઓફર?
ઘાનાએ તાજેતરમાં અમેરિકા સાથેની પ્રસ્તાવિત હેલ્થ ડીલને નકારી કાઢી છે. અમેરિકાએ ઘાનાને તેના પબ્લિક હેલ્થ સિસ્ટમને મજબૂત કરવા અને રોગો સામે લડવા માટે કરોડો ડોલરની સહાય ઓફર કરી હતી. બદલામાં અમેરિકાએ માંગણી કરી હતી કે યુએસ એન્ટિટીઝને (અમેરિકન સંસ્થાઓને) ઘાનાના નાગરિકોના હેલ્થ ડેટા સુધી સીધી પહોંચ આપવામાં આવે.
ઘાનાના અધિકારીઓએ જણાવ્યું હતું કે આ ડીલના પ્રોવિઝન એવા હતા કે જેનાથી જરૂરી સેફ્ટી મેઝરમેન્ટ વગર જ અમેરિકાને ડેટા મળી જાય તેમ હતો. ઘાનાના ડેટા પ્રોટેક્શન કમિશનના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અર્નોલ્ડ કવરપુઓએ આ બાબતે ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે, “અમેરિકા જે સ્તરના ડેટા એક્સેસની માંગણી કરી રહ્યું છે, તે સામાન્ય જરૂરિયાત કરતા ક્યાંય વધારે છે.”

કરોડોના ફંડિંગ સામે ઓળખનું જોખમ
આ પ્રસ્તાવિત એગ્રીમેન્ટ લગભગ 300 મિલિયન યુએસ ડોલરનો હતો. જો આ ડીલ થઈ હોત, તો ઘાનાને આગામી પાંચ વર્ષમાં અંદાજે 109 મિલિયન ડોલરની સીધી મદદ મળત. પરંતુ કવરપુઓએ ચેતવણી આપી હતી કે આ ડેટા દ્વારા વ્યક્તિઓની ઓળખ છતી થઈ શકે તેમ હતી, જે નાગરિકોની ગોપનીયતા પર સીધો હુમલો છે. ઘાના સરકારના મતે, આ ડેટાનો ઉપયોગ કઈ રીતે થશે તેની કોઈ અગાઉથી મંજૂરી કે સ્પષ્ટતા લેવામાં આવી નહોતી.
ઝિમ્બાબ્વે અને ઝામ્બિયા પણ સાવધ
માત્ર ઘાના જ નહીં, આ વર્ષે ફેબ્રુઆરીમાં ઝિમ્બાબ્વેએ પણ સમાન કારણોસર અમેરિકાની ડીલને ફગાવી દીધી હતી. ઝિમ્બાબ્વેના અધિકારીઓએ સ્પષ્ટ કર્યું હતું કે તેઓ ‘હેલ્થ ડેટા ફેરનેસ’ અને દેશની સંપ્રભુતા (Sovereignty) સાથે કોઈ સમજૂતી કરશે નહીં. બીજી તરફ ઝામ્બિયાએ પણ આ ડીલના એક હિસ્સા પર હાલ પૂરતી રોક લગાવી દીધી છે. આ દેશો માને છે કે સ્વાસ્થ્યના નામે ડેટાની ચોરી કરીને અમેરિકા લાંબા ગાળે આ આફ્રિકન દેશો પર ડિજિટલ અને જૈવિક નિયંત્રણ મેળવવા માંગે છે.
અમેરિકાની 'અમેરિકા ફર્સ્ટ' રણનીતિ
ટ્રમ્પ પ્રશાસન હેઠળ અમેરિકાએ લગભગ બે ડઝન આફ્રિકન દેશો સાથે આવી હેલ્થ ડીલ કરી છે. અમેરિકાનું કહેવું છે કે આ ફંડિંગ બીમારીઓના ફેલાવાને રોકવા માટે છે. જોકે, વિવેચકોનું માનવું છે કે વૈશ્વિક હેલ્થ ફંડિંગમાં કાપ મૂક્યા પછી અમેરિકા હવે આ રીતે ડેટા મેળવીને પોતાની મેડિકલ અને ફાર્માસ્યુટિકલ કંપનીઓને ફાયદો પહોંચાડવા માંગે છે. જ્યારે કોઈ દેશ પોતાના નાગરિકોનો ડેટા વિદેશી શક્તિને સોંપે છે, ત્યારે તે દેશની રાષ્ટ્રીય સુરક્ષા પણ જોખમમાં મુકાય છે.

ડેટા છે આજનું નવું 'તેલ'
આજના યુગમાં ડેટાને સોના કે તેલ જેટલું જ કિંમતી માનવામાં આવે છે. હેલ્થ ડેટા દ્વારા કોઈપણ દેશની વસ્તીની નબળાઈઓ, બીમારીઓ અને આનુવંશિક માહિતી જાણી શકાય છે. ઘાના અને ઝિમ્બાબ્વે જેવા નાના દેશોએ આ બાબતે જે મક્કમતા બતાવી છે, તે વિશ્વના અન્ય વિકાસશીલ દેશો માટે એક ઉદાહરણ છે. આ દેશોએ સાબિત કર્યું છે કે આર્થિક મદદ ગમે તેટલી મોટી હોય, પણ તે દેશના ગૌરવ અને નાગરિકોની સુરક્ષાથી મોટી નથી હોતી.

