૬૦૦ કરોડની સંપત્તિ અને ટૉમ ક્રૂઝ જેવું ઘર: જાણો તમિલનાડુના નવા ‘કિંગ’ વિજયની લક્ઝરી લાઈફસ્ટાઈલ
જોસેફ વિજય, જેમને આખું વિશ્વ ‘થલપતિ વિજય’ (Thalapathy Vijay) તરીકે ઓળખે છે, તેમણે સાબિત કરી દીધું છે કે જો મનોબળ મજબૂત હોય તો સિનેમાના પડદાથી લઈને રાજકારણના મેદાન સુધી દરેક જગ્યાએ વિજય મેળવી શકાય છે. તમિલનાડુ વિધાનસભા ચૂંટણીના તાજેતરના વલણોએ આખા દેશને ચોંકાવી દીધો છે.
વર્ષોથી ચાલી આવતા ડીએમકે (DMK) અને એડીએમકે (ADMK) ના દબદબાને બાજુ પર મૂકીને હવે તમિલનાડુમાં ‘ટીવીકે’ (TVK) નો નવો સૂર્યોદય થયો છે.
ચૂંટણીના આંકડા મુજબ, થલપતિ વિજયની પાર્ટી ‘તમિલગા વેટ્ટી કઝગમ’ (TVK) ૧૦૭ બેઠકો પર લીડ મેળવીને રાજ્યની સૌથી મોટી પાર્ટી બનવા તરફ અગ્રેસર છે. બે દાયકા સુધી દક્ષિણ ભારતીય સિનેમા પર એકચક્રી શાસન કરનાર વિજય હવે તમિલનાડુના શાસનનું સુકાન સંભાળવા તૈયાર છે.

સિનેમાના સુપરસ્ટારથી રાજકારણના શિખર સુધી
થલપતિ વિજયે ફેબ્રુઆરી ૨૦૨૪માં સત્તાવાર રીતે પોતાના રાજકીય પ્રવાસની શરૂઆત કરી હતી. મોટાભાગે કલાકારો કોઈ સ્થાપિત પક્ષમાં જોડાતા હોય છે, પરંતુ વિજયે પોતાનો જ પક્ષ સ્થાપીને નવો ચીલો ચાતર્યો. માત્ર બે જ વર્ષના ટૂંકા ગાળામાં તેમણે તમિલનાડુની પ્રજાના દિલ જીતી લીધા અને સત્તાના સિંહાસન સુધી પહોંચી ગયા. ભારતની જીડીપીમાં મહત્વનું પ્રદાન કરનારા રાજ્યોમાં જેની ગણના થાય છે, તેવા તમિલનાડુનું નેતૃત્વ હવે એક એવો વ્યક્તિ કરશે જેણે સામાન્ય માણસની સમસ્યાઓને ફિલ્મો દ્વારા હંમેશા વાચા આપી છે.
૬૦૦ કરોડની સંપત્તિ અને વૈભવી જીવનશૈલી
એક સફળ અભિનેતા તરીકે વિજયે માત્ર લોકપ્રિયતા જ નહીં, પરંતુ અઢળક સંપત્તિ પણ મેળવી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, થલપતિ વિજયની અંદાજિત સંપત્તિ ૬૦૦ કરોડ રૂપિયા થી વધુ છે. ભારતની ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં તેઓ સૌથી વધુ ફી લેતા કલાકારોમાંના એક છે. તેમની કમાણી માત્ર ફિલ્મો પૂરતી મર્યાદિત નથી, પરંતુ બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ, રિયલ એસ્ટેટ રોકાણ અને તેમની પોતાની પ્રોડક્શન કંપની દ્વારા પણ તેઓ મોટી કમાણી કરે છે. વિજયનો ક્રેઝ માત્ર ભારતમાં જ નહીં, પણ અમેરિકા, બ્રિટન અને અખાતી દેશોમાં પણ એટલો જ છે, જેના કારણે તેમની ફિલ્મો બોક્સ ઓફિસ પર કરોડોનો વકરો કરે છે.
દરિયાકિનારે આલીશાન બંગલો: હોલીવુડ જેવો અંદાજ
થલપતિ વિજયની જીવનશૈલી કોઈ રાજાથી કમ નથી. ચેન્નાઈના નીલંકરાઈમાં આવેલો તેમનો સફેદ રંગનો આલીશાન બંગલો આખા શહેરમાં આકર્ષણનું કેન્દ્ર છે. એવું કહેવાય છે કે આ ઘરની ડિઝાઇન હોલીવુડના સુપરસ્ટાર ટૉમ ક્રૂઝના બીચ હાઉસથી પ્રેરિત છે. સમુદ્રના નજારા અને શાંત વાતાવરણ વચ્ચે બનેલો આ બંગલો તેની ભવ્યતા અને સાદગી માટે જાણીતો છે.

કરોડોની લક્ઝરી કાર્સનું કલેક્શન
વિજયને ગાડીઓનો પણ ઘણો શોખ છે. તેમની પાસે લક્ઝરી કાર્સનું એક એવું કલેક્શન છે જે કોઈપણ પ્રીમિયમ ઓટોમોબાઈલ કેટેલોગને ટક્કર આપી શકે. તેમની સૌથી કિંમતી ગાડીઓમાં ‘રોલ્સ-રોયસ ઘોસ્ટ’ સામેલ છે. આ ઉપરાંત તેમના ગેરેજમાં:
બીએમડબલ્યુ (BMW) X5 અને X6
ઓડી (Audi) A8 L
રેન્જ રોવર ઇવોક
વોલ્વો XC90
મર્સિડીઝ-બેન્ઝ
ફોર્ડ મસ્ટગ
આ બધી જ ગાડીઓની કુલ કિંમત અંદાજે ૮ કરોડ રૂપિયા થી પણ વધુ હોવાનું મનાય છે.

