સાવધાન! ફાસ્ટેગ એન્યુઅલ પાસ રિચાર્જ કરતા પહેલા આ વાંચી લેજો, દરેક હાઈવે પર નહીં મળે ફાયદો
ભારત સરકાર દ્વારા વારંવાર મુસાફરી કરતા લોકો માટે 15 ઓગસ્ટ 2025થી 'ફાસ્ટેગ એન્યુઅલ પાસ' (FASTag Annual Pass) ની સુવિધા શરૂ કરવામાં આવી છે. આ પાસની કિંમત હાલમાં ₹3,075 છે, જેમાં વર્ષ દરમિયાન 200 ટ્રિપ સુધીની સુવિધા મળે છે. જોકે, ઘણા વાહનચાલકો એવું સમજી રહ્યા છે કે આ પાસ કઢાવ્યા પછી દેશના કોઈપણ ટોલ નાકા પર ટેક્સ નહીં ભરવો પડે, પરંતુ હકીકત કંઈક અલગ છે.
આ પાસ માત્ર NHAI દ્વારા સંચાલિત નેશનલ હાઈવે પર જ માન્ય છે, રાજ્ય સરકારના રસ્તાઓ પર તમારે અલગથી ટોલ ચૂકવવો પડશે.

કયા એક્સપ્રેસવે પર આ પાસ કામ નહીં કરે?
દેશના અનેક મોટા અને પ્રખ્યાત એક્સપ્રેસવે એવા છે જે રાજ્ય સરકારો દ્વારા ચલાવવામાં આવે છે. આવા રસ્તાઓ પર NHAIનો આ વાર્ષિક પાસ ચાલશે નહીં. ઉદાહરણ તરીકે:
- ઉત્તર પ્રદેશ: આગ્રા-લખનૌ, પૂર્વાંચલ, બુંદેલખંડ અને યમુના એક્સપ્રેસવે.
- મહારાષ્ટ્ર: મુંબઈ-નાગપુર (સમૃદ્ધિ મહામાર્ગ) અને મુંબઈ-પુણે એક્સપ્રેસવે.
- હરિયાણા: ટ્રાન્સ-હરિયાણા એક્સપ્રેસવે (નારનૌલ-અંબાલા).
- કર્ણાટક: બેંગલુરુ-મૈસૂર એક્સપ્રેસવે. આ રસ્તાઓ પર મુસાફરી કરતી વખતે તમારે તમારા ફાસ્ટેગ વોલેટમાં અલગથી બેલેન્સ રાખવું પડશે.
ક્યાં મળશે આ પાસનો અસલી ફાયદો?
જો તમે એવા હાઈવે પર મુસાફરી કરો છો જે સીધા કેન્દ્ર સરકાર (NHAI) હેઠળ આવે છે, તો જ આ પાસ તમારા કામનો છે. આમાં દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે, દિલ્હી-મેરઠ એક્સપ્રેસવે, અમદાવાદ-વડોદરા એક્સપ્રેસવે અને ઈસ્ટર્ન પેરિફેરલ રોડનો સમાવેશ થાય છે. આ ઉપરાંત નેશનલ હાઈવે NH-44 (શ્રીનગર થી કન્યાકુમારી), NH-48 અને NH-19 જેવા મુખ્ય માર્ગો પર પણ આ પાસ માન્ય રહેશે.

લોકોમાં ભારે ક્રેઝ, પણ સાવચેતી જરૂરી
NHAI ના આંકડા મુજબ, આ પાસ લોન્ચ થયાના માત્ર 4 દિવસમાં જ 5 લાખથી વધુ લોકોએ તેને ખરીદ્યો છે. તમિલનાડુ, કર્ણાટક અને હરિયાણામાં તેની સૌથી વધુ માંગ જોવા મળી છે. જે લોકો વ્યવસાયિક કામ અર્થે કે રોજિંદા કામ માટે નેશનલ હાઈવેનો ઉપયોગ કરે છે, તેમના માટે આ સ્કીમ ઘણી સસ્તી પડે છે. પરંતુ રિચાર્જ કરાવતા પહેલા એ ચોક્કસ ચેક કરી લેવું કે તમે જે રૂટ પર વધુ ફરો છો તે NHAI હેઠળ આવે છે કે સ્ટેટ હાઈવે ઓથોરિટી હેઠળ, જેથી કરીને પાછળથી પસ્તાવો ન થાય.

