Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ખડગેના અપમાન પર રાહુલ ગાંધીનો આકરો પ્રહાર: શુદ્ધિકરણ વિવાદમાં FIR દાખલ કરવાની માગ

ખડગેના અપમાન પર રાહુલ ગાંધીનો આકરો પ્રહાર: શુદ્ધિકરણ વિવાદમાં FIR દાખલ કરવાની માગ

લ્લિકાર્જુન ખડગેના 'શુદ્ધિકરણ' વિવાદ પર રાહુલ ગાંધીના આકરા પ્રહારો: SC/ST એક્ટ હેઠળ FIR નોંધવાની અને વડાપ્રધાનના મૌન પર સવાલોની માંગ

ભારતીય રાજકારણમાં દલિત આત્મસન્માન અને સામાજિક ન્યાયનો મુદ્દો ફરી એકવાર કેન્દ્રસ્થાને આવ્યો છે. ઉત્તરાખંડના હલ્દવાનીમાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની જાહેરસભા બાદ તે જગ્યાનું 'શુદ્ધિકરણ' કરવાનો કથિત કિસ્સો પ્રકાશમાં આવ્યા પછી રાજકીય ગરમાવો વધી ગયો છે.

લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ દિલ્હી સ્થિત કોંગ્રેસ મુખ્યાલય ખાતે પત્રકાર પરિષદ યોજીને ભારતીય જનતા પાર્ટી (BJP) અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) પર સામાજિક ભેદભાવ અને અસ્પૃશ્યતાને પ્રોત્સાહન આપવાનો ગંભીર આરોપ લગાવ્યો છે.રાહુલ ગાંધીએ ભારપૂર્વક માંગ કરી છે કે આ કૃત્ય આચરનારાઓ સામે શિડ્યુલ્ડ કાસ્ટ અને શિડ્યુલ્ડ ટ્રાઇબ (અત્યાચાર નિવારણ) એક્ટ હેઠળ તાત્કાલિક એફઆઈઆર (FIR) દાખલ કરવામાં આવે.


‘શુદ્ધિકરણ એ અસ્પૃશ્યતાનું જ બીજું નામ’: રાહુલ ગાંધી

રાહુલ ગાંધીએ પત્રકાર પરિષદમાં સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે દેશમાં બંધારણ દ્વારા અસ્પૃશ્યતાને નાબૂદ કરવામાં આવી છે, પરંતુ શુદ્ધિકરણના નામે તેને ફરી જીવંત કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે. તેમણે કહ્યું કે, “જ્યારે અમારા પક્ષના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે હલ્દવાનીના રામલીલા મેદાનમાં સભા સંબોધીને પાછા ફરે છે, ત્યારે તે સ્થળે શુદ્ધિકરણ હવન કરવામાં આવે છે. આ શુદ્ધિકરણ એ બીજું કંઈ નથી પરંતુ અસ્પૃશ્યતાનું આધુનિક સ્વરૂપ છે. બંધારણ અનુસાર આ એક ગંભીર ગુનો છે. દેશમાં કોઈ પણ વ્યક્તિ સાથે તેની જ્ઞાતિના આધારે આવો વ્યવહાર કરી શકાય નહીં.”

તેમણે ઉમેર્યું કે ૧૦ ઓગસ્ટે આ ઘટના ઘટી અને ૧૩ ઓગસ્ટે ખડગેજીએ ગૃહમાં પોતાના અપમાન અંગે વાત કરી હતી. તેમ છતાં આટલા દિવસો વીતી ગયા હોવા છતાં કોઈ કાનૂની કાર્યવાહી કરવામાં આવી નથી, જે ભાજપ સરકારની દલિત વિરોધી માનસિકતા છતી કરે છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે આકરા સવાલો

વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર પ્રહાર કરતા રાહુલ ગાંધીએ કહ્યું કે વડાપ્રધાન દાવો કરે છે કે તેઓ દેશના દરેક વર્ગ અને જ્ઞાતિના પ્રતિનિધિ છે.જો આ વાત સાચી હોય તો ઉત્તરાખંડમાં તેમની જ પાર્ટીના નેતાઓ જ્યારે આ શુદ્ધિકરણને વ્યાજબી ઠેરવે છે ત્યારે વડાપ્રધાન કેમ ચૂપ છે?

રાહુલ ગાંધીએ માંગ કરી કે વડાપ્રધાને પોતે દખલગીરી કરીને ઉત્તરાખંડ સરકારને નિર્દેશ આપવો જોઈએ કે તેઓ શુદ્ધિકરણ કરનારાઓ પર SC/ST એક્ટ હેઠળ FIR નોંધે.કેન્દ્ર અને રાજ્ય બંને સરકારોની એ જવાબદારી છે કે તેઓ કોંગ્રેસ અધ્યક્ષને ન્યાય અપાવે.

દલિતોની સફળતા પર આક્રમણ અને દેશની બે વિચારધારાઓ વચ્ચેનો જંગ

દેશમાં ચાલી રહેલી રાજકીય સ્થિતિનું વિશ્લેષણ કરતા રાહુલ ગાંધીએ જણાવ્યું કે આ લડાઈ માત્ર એક વ્યક્તિ કે પક્ષ પૂરતી સીમિત નથી, પરંતુ બે વિરોધી વિચારધારાઓ વચ્ચેનો જંગ છે.એક બાજુ મહાત્મા ગાંધી, ડૉ.બી.આર.અંબેડકર અને સરદાર વલ્લભભાઈ પટેલની વિચારધારા છે, જે સમાનતા અને બંધારણની રક્ષાની વાત કરે છે.બીજી બાજુ ભાજપ અને આરએસએસની વિચારધારા છે, જે દેશમાં અસમાનતા અને જાતિગત ભેદભાવને પ્રોત્સાહન આપે છે.

તેમણે દલિત સમુદાયની વાસ્તવિકતા રજૂ કરતા કહ્યું કે, “આ દેશમાં હજારો વર્ષોથી દલિતો પર અત્યાચાર થઈ રહ્યો છે. આજે પણ દલિતો જેટલી વધુ સફળતા મેળવે છે, તેમના પર એટલો જ વધુ પ્રહાર કરવામાં આવે છે. જો દેશની સૌથી જૂની પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ સાથે આવું ખુલ્લેઆમ વર્તન થઈ શકતું હોય, તો ગામડાઓ અને શાળાઓમાં સામાન્ય દલિત બાળકો સાથે શું થતું હશે તેની કલ્પના કરી શકાય છે. આજે પણ શાળામાં દલિત બાળકો પાસે શૌચાલય સાફ કરાવવામાં આવે છે અને વરઘોડામાં દલિત યુવકોને પથ્થરમારો થવાના ડરથી હેલ્મેટ પહેરીને જવું પડે છે.”


સમગ્ર દલિત સમાજના સન્માનનો પ્રશ્ન

રાહુલ ગાંધીએ સ્પષ્ટ કર્યું કે આ વિવાદ માત્ર મલ્લિકાર્જુન ખડગે પૂરતો મર્યાદિત નથી, પરંતુ આ સમગ્ર ભારતના કરોડો દલિતોના આત્મસન્માન સાથે જોડાયેલો પ્રશ્ન છે. કોંગ્રેસ પક્ષ આ અસમાનતા અને અસ્પૃશ્યતા વિરુદ્ધ પોતાની લડાઈ ચાલુ રાખશે અને જ્યાં સુધી આ મામલે યોગ્ય કાનૂની કાર્યવાહી નહીં થાય ત્યાં સુધી શાંત બેસશે નહીં.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Satya Day