Dailyhunt
કુંભકર્ણ એ નિદ્રા ત્યાગી? વલસાડના ધારાસભ્યને 14 વર્ષે ચઢ્યો જનસેવાનો જુસ્સો

કુંભકર્ણ એ નિદ્રા ત્યાગી? વલસાડના ધારાસભ્યને 14 વર્ષે ચઢ્યો જનસેવાનો જુસ્સો

ક્ષિણ ગુજરાતના રાજકારણમાં અત્યારે વલસાડ બેઠક ચર્ચાનું કેન્દ્ર બની છે. સામાન્ય રીતે જે નેતાઓ ચૂંટણી સમયે જ જનતાના દ્વારે દેખાતા હોય છે, તેમને હવે પોતાના જ પક્ષના સાંસદની કાર્યશૈલી જોઈને પરસેવો છૂટી રહ્યો છે. વલસાડના નવનિર્વાચિત સાંસદ ધવલ પટેલે જે રીતે આક્રમક રીતે જનસંપર્ક શરૂ કરીને લોકોના દિલ જીત્યા છે, તેનાથી સ્થાનિક ધારાસભ્ય ભરત પટેલની રાજકીય જમીન સરકતી હોય તેમ જણાય છે.

આ જ કારણ છે કે, છેલ્લા 14 વર્ષથી જનતા સાથે સીધો સંવાદ સાધવામાં નિષ્ફળ રહેલા ધારાસભ્ય હવે સફાળા જાગીને સાંસદના રસ્તે ચાલવા મજબૂર બન્યા છે.

સાંસદની લોકપ્રિયતા ધારાસભ્ય માટે પડકાર?

વલસાડના સાંસદ જ્યારે જનતાની વચ્ચે જાય છે ત્યારે તેમને મળતો પ્રતિસાદ અભૂતપૂર્વ હોય છે. લોકો પોતાની સમસ્યાઓ લઈને સીધા સાંસદ પાસે પહોંચી રહ્યા છે, જે કામ ખરેખર સ્થાનિક ધારાસભ્યનું હતું. સાંસદના આ વધતા કદ અને જનતામાં તેમની પકડ જોઈને ધારાસભ્ય ભરત પટેલે હવે પોતાનો ‘રાજકીય વનવાસ’ ખતમ કરવાની જાહેરાત કરવી પડી છે. 14 વર્ષ સુધી સત્તાના સુખમાં જનતાથી અંતર જાળવી રાખનાર ધારાસભ્ય હવે અચાનક જનસંપર્ક માટે જે રીતે દોડતા થયા છે, તે લોકશાહીમાં હાસ્યાસ્પદ ચર્ચાનો વિષય બન્યો છે.

14 વર્ષની નિષ્ક્રિયતા પર જનતાના સવાલો

રાજકીય વર્તુળોમાં કડક શબ્દોમાં ચર્ચાઈ રહ્યું છે કે, ભરત પટેલનો આ જનસંપર્ક જનતા પ્રત્યેનો પ્રેમ નથી પરંતુ સાંસદ ધવલ પટેલના ડરનું પરિણામ છે. જો સાંસદે જનસંપર્ક ન કર્યો હોત, તો શું ધારાસભ્ય હજુ પણ એસી ચેમ્બરમાં જ બેસી રહ્યા હોત? જનતા પૂછી રહી છે કે 14 વર્ષ સુધી જ્યારે રસ્તા, પાણી અને ગટરની સમસ્યાઓ વિકરાળ બની હતી ત્યારે ધારાસભ્ય ક્યાં હતા? હવે જ્યારે સાંસદ દરેક પ્રશ્નનો ઉકેલ લાવી રહ્યા છે, ત્યારે પોતાની શાખ બચાવવા માટે ધારાસભ્ય જનતાના આંગણે પહોંચી રહ્યા છે.

સંગઠનમાં પણ ગણગણાટ

માત્ર જનતા જ નહીં, પણ ભાજપના આંતરિક સંગઠનમાં પણ આ બાબતે ભારે ગણગણાટ જોવા મળી રહ્યો છે. સાંસદની કાર્યશૈલીનું અનુકરણ કરીને 'કોપી-પેસ્ટ' રાજનીતિ કરી રહેલા ભરત પટેલને લઈને પક્ષના જ કાર્યકરોમાં બે ફાંટા પડ્યા છે. એક તરફ સાંસદની નવી અને આધુનિક વિચારધારા છે, તો બીજી તરફ ધારાસભ્યની વર્ષો જૂની અને નિષ્ક્રિય ગણાતી પદ્ધતિ છે.

વલસાડની જનતા હવે જાગૃત થઈ છે. 14 વર્ષના લાંબા સમય બાદ જાગેલા ધારાસભ્યના આ જનસંપર્કને જનતા ‘ચૂંટણીલક્ષી ગતકડું’ ગણે છે કે સાંસદના ડરનું પરિણામ, તે તો આવનારો સમય જ બતાવશે. પરંતુ એક વાત સાફ છે કે સાંસદ ધવલ પટેલે વલસાડના રાજકારણમાં જે નવો ચીલો ચાતર્યો છે, તેના કારણે વર્ષોથી જામી ગયેલા નેતાઓએ હવે ફરજિયાત જનતાના શરણમાં જવું પડી રહ્યું છે. આ જનસંપર્ક અભિયાન ભરત પટેલની રાજકીય કારકિર્દીને નવું જીવન આપશે કે પછી તેમની વિદાયની શરૂઆત બનશે, તેના પર સૌની મીટ મંડાયેલી છે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Satya Day