ક્રિકેટ જગતમાં શોકની લહેર: દક્ષિણ આફ્રિકાના દિગ્ગજ બેટ્સમેન રાસી વેન ડેર ડુસેને આંતરરાષ્ટ્રીય ક્રિકેટને કહ્યું અલવિદા, ભાવુક પોસ્ટ કરી જાહેર કરી નિવૃત્તિ
દક્ષિણ આફ્રિકાના ક્રિકેટ ચાહકો માટે એક માઠા સમાચાર સામે આવ્યા છે. પ્રોટિયાઝ ટીમના મજબૂત સ્તંભ ગણાતા અને મિડલ ઓર્ડરના શાનદાર બેટ્સમેન રાસી વેન ડેર ડુસેને અચાનક આંતરરાષ્ટ્રીય ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ જાહેર કરી દીધી છે.
સોશિયલ મીડિયા પર એક લાંબી અને ભાવુક પોસ્ટ શેર કરીને તેમણે પોતાના આ નિર્ણય વિશે દુનિયાને જાણ કરી છે.
સોશિયલ મીડિયા પર વ્યક્ત કરી ભાવનાઓ
રાસી વેન ડેર ડુસેને તેમના નિવૃત્તિ પત્રમાં લખ્યું છે કે, તે અત્યંત ગૌરવ અને કૃતજ્ઞતા સાથે આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહી રહ્યો છે. તેમણે પોતાની પોસ્ટમાં જણાવ્યું
“દક્ષિણ આફ્રિકાની ‘પ્રોટિયાઝ’ જર્સી પહેરવી એ મારા જીવનની સૌથી મોટી સિદ્ધિ છે. આ મુસાફરીમાં એવા ઘણા વળાંકો આવ્યા જેણે મારી ધીરજની કસોટી કરી, પરંતુ બદલામાં મને જે સન્માન મળ્યું છે તે અકલ્પનીય છે. મારા દેશ માટે રમવું એ મારા જીવનનું સૌથી મોટું સૌભાગ્ય રહ્યું છે.”
આ સાથે જ તેમણે તેમના ચાર ભાઈઓ, પરિવાર અને દક્ષિણ આફ્રિકા ક્રિકેટ બોર્ડના અધિકારીઓનો પણ આભાર માન્યો હતો, જેમણે તેમની કારકિર્દીના ઉતાર-ચઢાવમાં સાથ આપ્યો હતો.
મોડી શરૂઆત છતાં મેદાન પર મચાવી ધૂમ
રાસી વેન ડેર ડુસેનની કારકિર્દીની સૌથી ખાસ વાત એ હતી કે તેમણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ઘણી મોડી એન્ટ્રી કરી હતી. તેમણે લગભગ 29 વર્ષની ઉંમરે ડેબ્યૂ કર્યું હતું, પરંતુ પોતાની ટેલેન્ટના જોરે તેઓ ખૂબ જ ઝડપથી ટીમનો કાયમી હિસ્સો બની ગયા હતા.
ODIમાં શાનદાર રેકોર્ડ: એક સમયે વન-ડે ક્રિકેટમાં રાસીની સરેરાશ 60ની આસપાસ હતી, જે ક્રિકેટના ઈતિહાસમાં સર્વશ્રેષ્ઠ ગણાય છે. નિવૃત્તિ સમયે પણ તેમની એવરેજ 50ની આસપાસ રહી છે, જે તેમની સાતત્યતા દર્શાવે છે.
2023 વર્લ્ડ કપના હીરો: ભારતમાં રમાયેલા 2023 વન-ડે વર્લ્ડ કપમાં રાસીએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેમણે ટૂર્નામેન્ટમાં બે શાનદાર સદી ફટકારી હતી અને દક્ષિણ આફ્રિકાને સેમીફાઈનલ સુધી પહોંચાડવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.
T20 અને IPLમાં પણ નસીબ અજમાવ્યું
જોકે રાસી વેન ડેર ડુસેન ટેસ્ટ અને વન-ડેના સ્પેશિયાલિસ્ટ ગણાતા હતા, તેમ છતાં તેમણે વિશ્વભરની T20 લીગમાં પોતાની ઓળખ બનાવી હતી.
- તે એક સમયે ICC T20 રેન્કિંગમાં ટોપ-10માં પણ સ્થાન મેળવવામાં સફળ રહ્યા હતા.
- ભારતની લોકપ્રિય લીગ IPLમાં પણ તેઓ રાજસ્થાન રોયલ્સ ટીમનો હિસ્સો રહ્યા હતા, જોકે ત્યાં તેમને માત્ર 3 મેચ રમવાની તક મળી હતી જેમાં તેમણે 22 રન બનાવ્યા હતા.

