આજે ચાંદીનો ભાવ ઘટીને બે લાખની આસપાસ પહોંચ્યો
દેશભરમાં ધનતેરસ અને દિવાળીના પાવરન ઉત્સવોને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે કિંમતી ધાતુઓની ખરીદી કરવા માંગતા સામાન્ય ગ્રાહકો અને રોકાણકારો માટે બજારમાંથી રાહતના સમાચાર સામે આવ્યા છે. સોનાની સાથે-સાથે ચાંદીના ભાવોમાં પણ સતત ગડાણ જોવા મળી રહ્યું છે.
સપ્તાહના અંતિમ દિવસો અને ૨૫ ઑક્ટોબરના રોજ બજારો બંધ હોવા છતાં, વાયદા બજાર અને બુલિયન એસોસિએશન દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ અનુસાર ચાંદીના બજારમાં નરમાઈનું વલણ યથાવત છે.
છેલ્લા એક મહિનાના ડેટા પર નજર કરીએ તો ૩૦ સપ્ટેમ્બરથી અત્યાર સુધીમાં ચાંદીના ભાવોમાં અંદાજે રૂ. ૩૦,૦૦૦ એટલે કે લગભગ ૧૩ થી ૧૪ ટકા જેટલો મોટો ઘટાડો નોંધાઈ ચૂક્યો છે.
વાયદા બજાર અને બુલિયન માર્કેટમાં ચાંદીની સ્થિતિ
મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર ચાંદીના વાયદાના ભાવ ૧.૭૫ ટકા એટલે કે રૂ. ૩,૪૯૯ ના ઘટાડા સાથે પ્રતિ કિલો રૂ. ૧,૯૬,૧૦૦ ના સ્તરે બંધ થયા હતા, જ્યારે અગાઉના ટ્રેડિંગ સેશનમાં ચાંદી રૂ. ૧,૯૯,૫૯૯ પ્રતિ કિલો પર હતી. વૈશ્વિક અને સ્થાનિક બજારોના પ્રવાહો વચ્ચે ઓલ ઇન્ડિયા સરાફા એસોસિએશનના જણાવ્યા મુજબ, દિલ્હીના બુલિયન માર્કેટમાં ચાંદીના ભાવમાં મોટો ઘટાડો નોંધાયો છે.

આંતરરાષ્ટ્રીય બજારમાં પણ ચાંદીનો હાજર ભાવ ઘટીને ઔંસ દીઠ $૫૩.૯૬ ($૫૩.૮૩) ના સ્તરે પહોંચી ગયો છે. કોમોડિટી બજારમાં વ્યાપક વેચવાલી અને પ્રોફિટ બુકિંગના કારણે ચાંદી પર સતત દબાણ જોવા મળી રહ્યું છે.
દેશના પ્રમુખ શહેરોમાં ચાંદીના પ્રતિ કિલો દરો
દેશના વિવિધ મહાનગરો અને રાજ્યોમાં સ્થાનિક ટેક્સ અને પરિવહન ખર્ચના આધારે છૂટક ભાવો નક્કી થતા હોય છે. દિલ્હી, મુંબઈ, કોલકાતા, પટના, લખનૌ, ગાઝિયાબાદ, નોઈડા, ગુરુગ્રામ, ચંદીગઢ, જયપુર, અમદાવાદ, વડોદરા, પુણે, નાગપુર અને નાસિક સહિત દેશના મોટાભાગના અગ્રણી શહેરોમાં એક કિલો ચાંદીનો છૂટક ભાવ રૂ. ૨,૨૦,૦૦૦ ની આસપાસ નોંધાઈ રહ્યો છે.
દક્ષિણ ભારતના પ્રમુખ શહેર ચેન્નઈમાં ચાંદીના ભાવ થોડા ઊંચા છે, જ્યાં એક કિલો ચાંદીનો દર રૂ. ૨,૨૪,૯૦૦ પ્રતિ કિલો સુધી બોલાઈ રહ્યો છે. ઉત્તર અને પશ્ચિમ ભારતના લગભગ તમામ શહેરોમાં ગ્રાહકોને આ આસપાસના દરો પર ચાંદી ઉપલબ્ધ થઈ રહી છે.
ચાંદીના ભાવોમાં ઘટાડો થવા પાછળના મુખ્ય કારણો
બજારના અગ્રણી નિષ્ણાતો અને કોમોડિટી વિશ્લેષકોના મતે, છેલ્લા એક મહિનામાં ચાંદીના ભાવોમાં આવેલા ૧૪ ટકા જેટલા તીવ્ર ઘટાડા પાછળ વૈશ્વિક સ્તરના કેટલાક મહત્વપૂર્ણ પરિબળો જવાબદાર છે. ચોઇસ બ્રોકિંગના કોમોડિટી એનાલિસ્ટ પિંકી યાદવના જણાવ્યા અનુસાર, વૈશ્વિક શેરબજારોમાં જોવા મળેલી વ્યાપક વેચવાલી અને ટેકનોલોજી શેરોમાં થયેલા નુકસાનની ભરપાઈ કરવા માટે મોટા રોકાણકારો કિંમતી ધાતુઓમાં પોતાના હોલ્ડિંગ્સ વેચીને લિક્વિડિટી ઊભી કરી રહ્યા છે.

આ ઉપરાંત, પશ્ચિમ એશિયા (મધ્ય પૂર્વ) માં સતત વધી રહેલા ભૌગોલિક-રાજકીય તણાવ, અમેરિકી ડોલરમાં મજબૂતી, યુએસ બોન્ડ યીલ્ડમાં થયેલા વધારા અને ક્રૂડ ઓઇલના ભાવો પ્રતિ બેરલ $૧૧૫ ની સપાટીએ પહોંચવાના કારણે વૈશ્વિક ફુગાવાનો ભય વધી ગયો છે. આ પરિસ્થિતિને કારણે સેન્ટ્રલ બેંકો દ્વારા વ્યાજદરો લાંબા સમય સુધી ઊંચા રાખવામાં આવશે તેવી આશંકા સર્જાઈ છે, જેણે ચાંદી અને અન્ય કિંમતી ધાતુઓના રોકાણ પર ભારે દબાણ પેદા કર્યું છે. તહેવારોની મોસમમાં આ ઘટાડો ખરીદદારો માટે રાહતરૂપ સાબિત થઈ શકે છે.

