Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ટાટા સન્સની AGM કેમ ટળી? 18 ઓગસ્ટની બેઠકમાં શું થયું, જાણો આખી વાત

ટાટા સન્સની AGM કેમ ટળી? 18 ઓગસ્ટની બેઠકમાં શું થયું, જાણો આખી વાત

ટાટા સન્સની AGM પ્રથમવાર સ્થગિત, શું છે પાછળનું મોટું કારણ?

ટાટા ગ્રૂપની હોલ્ડિંગ કંપની ટાટા સન્સ (Tata Sons) ને પોતાની વાર્ષિક સાધારણ સભા એટલે કે 'એન્યુઅલ જનરલ મીટિંગ' (AGM) યોજવા માટે 'રજિસ્ટ્રાર ઓફ કંપનીઝ' (ROC) તરફથી 3 મહિનાનો વધારાનો સમય મળી ગયો છે. સામાન્ય રીતે ટાટા ગ્રૂપ જેવી વિશાળ અને શિસ્તબદ્ધ કંપનીઓમાં આવી પરિસ્થિતિ ખૂબ જ દુર્લભ માનવામાં આવે છે.

ટાટા સન્સના દાયકાઓ જૂના ઇતિહાસમાં આ પહેલી જ એવી ઘટના છે જ્યારે મીટિંગ સ્થગિત કરવી પડી હોય અને તેને પૂર્ણ કરવા માટે સત્તાવાર રીતે વધારાનો સમય માંગવાની નોબત આવી હોય.

હકીકતમાં, ગત 18 ઓગસ્ટે ટાટા સન્સની AGM યોજાવાની હતી. પરંતુ સભા શરૂ કરવા માટે જે ન્યૂનતમ સભ્યોની હાજરી એટલે કે ‘કોરમ’ (Quorum) ની જરૂર હોય છે, તે સભ્યો સમયસર હાજર રહી શક્યા નહોતા. આથી કંપની કાયદા મુજબ સભાને રદ કરીને આગળ ધકેલવાની ફરજ પડી હતી.

કોરમ કેમ પૂરું ન થઈ શક્યું? સર રતન ટાટા ટ્રસ્ટ પરની પાબંદીઓનું કારણ

મીટિંગ ટાળવી પડી તેની પાછળનું મુખ્ય કારણ કોઈ આંતરિક વિવાદ નહીં, પરંતુ કાનૂની અને ટેકનિકલ પ્રક્રિયાઓ છે. ટાટા સન્સમાં બે મુખ્ય ટ્રસ્ટો - સર રતન ટાટા ટ્રસ્ટ (SRTT) અને સર દોરાબજી ટાટા ટ્રસ્ટ (SDTT) - ભેગા મળીને બહુમતી હિસ્સેદારી ધરાવે છે. ટાટા સન્સના મોટાભાગના મહત્વના નિર્ણયોમાં આ ટ્રસ્ટોના પ્રતિનિધિઓની હાજરી અને મંજૂરી અનિવાર્ય હોય છે.

પરંતુ હાલમાં મહારાષ્ટ્ર ચેરિટી કમિશનર દ્વારા સર રતન ટાટા ટ્રસ્ટ (SRTT) પર નવી બેઠકો યોજવા અને કોઈ નવા નીતિગત નિર્ણયો લેવા અંગે કેટલીક કાનૂની પાબંદીઓ (Stays) લાદવામાં આવેલી છે. આ રોકના કારણે SRTT અને SDTT દ્વારા સંયુક્ત રીતે નિયુક્ત થતા સભ્યો ઓગસ્ટમાં યોજાયેલી ટાટા સન્સની AGMમાં ભાગ લઈ શક્યા નહોતા.

મુખ્ય શેરધારક ટ્રસ્ટના પ્રતિનિધિઓ જ ગેરહાજર રહ્યા હોવાથી બેઠક માટે કાયદાકીય રીતે જરૂરી એવું કોરમ પૂરું થઈ શક્યું નહીં. તે સમયે ટાટા સન્સના મેનેજમેન્ટ માટે એ પણ સ્પષ્ટ નહોતું કે ચેરિટી કમિશનર આ પાબંદીઓ ક્યારે હટાવશે. આથી ભવિષ્યની કાનૂની અડચણોથી બચવા માટે કંપનીએ ROC પાસે 3 મહિનાની મુદત લંબાવવાની માંગ કરી હતી, જેને મંજૂરી મળી ગઈ છે. જોકે, જો ચેરિટી કમિશનર આ પાબંદીઓ વહેલી હટાવી લેશે, તો ટાટા સન્સ 3 મહિના પૂરા થાય તે પહેલાં પણ પોતાની AGM યોજી શકે છે.

ટ્રસ્ટ પર પાબંદી કેમ લાદવામાં આવી છે?

મહારાષ્ટ્ર ચેરિટી કમિશનરે SRTT સામે ચાલી રહેલી એક તપાસ પૂરી ન થાય ત્યાં સુધી આ કામચલાઉ રોક લગાવી છે.

આ તપાસ મુખ્યત્વે નીચેના બાબતો સાથે જોડાયેલી છે:

  • ટ્રસ્ટના ‘બોર્ડ ઓફ ટ્રસ્ટીઝ’ (Board of Trustees) ના માળખા અને રચના સામે ઉઠેલા પ્રશ્નો.

  • મહારાષ્ટ્ર પબ્લિક ટ્રસ્ટ્સ એક્ટના કેટલાક ચોક્કસ નિયમોના કથિત ઉલ્લંઘનની ફરિયાદો.

બીજી તરફ, ટાટા ટ્રસ્ટે ચેરિટી કમિશનર સમક્ષ રજૂઆત કરીને ટાટા સન્સની AGMમાં સામેલ થવાની વિશેષ પરવાનગી માંગી છે. આ સાથે જ, ટ્રસ્ટે ટાટા સન્સના આગામી ચેરમેનની પસંદગી માટે એક ‘સિલકેશન કમિટી’ (પસંદગી સમિતિ) ની રચના કરવાની મંજૂરી પણ માંગી છે.

અત્રે નોંધનીય છે કે, ટાટા સન્સના હાલના ચેરમેન એન. ચંદ્રશેખરન (N. Chandrasekaran) નો કાર્યકાળ ફેબ્રુઆરી 2027માં પૂરો થઈ રહ્યો છે. ચંદ્રશેખરન પહેલાથી જ સ્પષ્ટ કરી ચૂક્યા છે કે તેઓ ફેબ્રુઆરી 2027 પછી ફરીથી ચેરમેન પદની રેસમાં સામેલ થશે નહીં કે સેવાઓ લંબાવવાનો પ્રયાસ કરશે નહીં. આથી ટાટા ગ્રૂપ માટે સમયસર નવા ચેરમેનની પસંદગી પ્રક્રિયા શરૂ કરવી અનિવાર્ય બની ગઈ છે.

ચેરમેન એન. ચંદ્રશેખરનના હોદ્દા પર શું અસર પડશે?

આ સમગ્ર ઘટનાક્રમ વચ્ચે સૌથી મોટો પ્રશ્ન એ ઊભો થયો છે કે શું આ કાનૂની ગૂંચવણની અસર એન. ચંદ્રશેખરનના ચેરમેન પદ પર પડશે?

વાસ્તવમાં, કાયદાકીય નિયમ મુજબ 18 ઓગસ્ટની AGMમાં ચંદ્રશેખરન ‘રોટેશન’ (મુદત પૂરી થવાના આધારે) ના નિયમ હેઠળ ડાયરેક્ટર પદ પરથી નિવૃત્ત થવાના હતા અને તે જ સભામાં તેમની પુનઃનિયુક્તિ (Re-appointment) અંગેનો પ્રસ્તાવ પાસ થવાનો હતો. પરંતુ AGM કાયદેસર રીતે યોજાઈ શકી ન હોવાથી તેમની ફરીથી થનારી નિવૃત્તિ અને પુનઃનિયુક્તિનો મામલો હાલ પૂરતો અટકી ગયો છે.

આ મામલે કાનૂની નિષ્ણાતો (Legal Experts) નું કહેવું છે કે:

  • જ્યાં સુધી આગામી વૈધ AGMમાં તેમની પુનઃનિયુક્તિ અંગે આખરી નિર્ણય ન લેવાય, ત્યાં સુધી ડાયરેક્ટર તરીકેની તેમની સ્થિતિ ટાટા સન્સના આંતરિક નિયમો (Articles of Association) અને AGM સ્થગિત કરવાની કાનૂની પદ્ધતિ પર નિર્ભર કરશે.

  • મોટાભાગના કોર્પોરેટ કાયદા નિષ્ણાતોનું માનવું છે કે માત્ર AGM પાછી ઠેલવાને કારણે ચેરમેન પદ ખાલી થઈ જતું નથી.

  • ચંદ્રશેખરનનું ચેરમેન પદ એ બોર્ડના ડાયરેક્ટર રહેવા સાથે જોડાયેલું છે. જ્યાં સુધી કંપનીની વિધિવત AGMમાં આ અંગે નવો પ્રસ્તાવ પસાર ન થાય ત્યાં સુધી તેઓ પોતાના હોદ્દા પર યથાવત રહીને કંપનીનું કામકાજ સંભાળી શકે છે.

આગળનો રસ્તો અને ભવિષ્યની સ્થિતિ

ટાટા સન્સ માટે આગામી થોડા અઠવાડિયા ખૂબ મહત્વપૂર્ણ રહેશે. કંપનીનો પ્રયાસ રહેશે કે ચેરિટી કમિશનર તરફથી રાહત મળતાંની સાથે જ વહેલી તકે નવી તારીખે AGMનું આયોજન કરવામાં આવે.

આ AGM માત્ર નાણાકીય પરિણામો મંજૂર કરવા પૂરતી મર્યાદિત નહીં હોય, પરંતુ તેમાં:

  1. એન. ચંદ્રશેખરનની ડાયરેક્ટર તરીકેની પુનઃનિયુક્તિ પર મંજૂરી મેળવવામાં આવશે.

  2. ફેબ્રુઆરી 2027 માટે નવા ચેરમેનની શોધ શરૂ કરવા પસંદગી સમિતિના ગઠનનો રસ્તો સાફ થશે.

કોર્પોરેટ જગતની નજર હાલમાં મહારાષ્ટ્ર ચેરિટી કમિશનરના નિર્ણય અને ટાટા સન્સની આગામી સત્તાવાર જાહેરાત પર ટકેલી છે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Satya Day