Dailyhunt
ટ્રમ્પની ઈરાનને અંતિમ ચેતવણી - 'આજે રાત્રે એક સભ્યતાનો અંત આવશે'

ટ્રમ્પની ઈરાનને અંતિમ ચેતવણી - 'આજે રાત્રે એક સભ્યતાનો અંત આવશે'

“આજે રાત્રે વિનાશની રાત છે, એક સભ્યતાનો અંત આવશે,” ટ્રમ્પે સમયમર્યાદા પહેલા ઈરાનને આપી અંતિમ ધમકી

આજે મંગળવાર, ૭ એપ્રિલ, ૨૦૨૬ ના રોજ વિશ્વ એક ભયાનક પરમાણુ યુદ્ધ અથવા વિનાશક લશ્કરી કાર્યવાહીના ઉંબરે ઊભું છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને આપેલી સમયમર્યાદા (Deadline) પૂરી થવાને હવે ગણતરીના કલાકો જ બાકી છે ત્યારે તેમના તાજેતરના નિવેદને સમગ્ર વિશ્વમાં ફફડાટ ફેલાવી દીધો છે.

ટ્રમ્પે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે, “આજની રાત વિનાશની રાત છે.”

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર ઈરાનને આપવામાં આવેલી સમયમર્યાદા પહેલાં તેહરાનનો નાશ કરવાની ભયાનક ધમકી આપી છે. ‘સોશિયલ ટ્રુથ’ પરની એક અત્યંત આક્રમક પોસ્ટમાં તેમણે જણાવ્યું હતું કે મંગળવારની આ રાત (૭ એપ્રિલ, ૨૦૨૬) વિશ્વના ઇતિહાસમાં એક વળાંક સાબિત થશે, જ્યાં એક આખી સભ્યતા સંપૂર્ણપણે નાશ પામશે અને તે ક્યારેય પુનઃસ્થાપિત થશે નહીં. ટ્રમ્પે દાવો કર્યો કે તેઓ વ્યક્તિગત રીતે આવું ઈચ્છતા નહોતા, પરંતુ ઈરાનની હઠધર્મીએ તેમને આકરા પગલાં લેવા માટે મજબૂર કર્યા છે.

૪૭ વર્ષના ચક્રનો અંત?

ટ્રમ્પે પોતાના સંબોધનમાં કહ્યું, “હું નથી ઇચ્છતો કે આવું થાય, પણ હવે તે અનિવાર્ય લાગે છે.” તેમણે દાવો કર્યો કે હવે ઈરાનમાં સત્તામાં સંપૂર્ણ પરિવર્તનની ઘડી આવી ગઈ છે. ટ્રમ્પના મતે, આ સૈન્ય કાર્યવાહી બાદ ઈરાનમાં વધુ સ્માર્ટ અને ઓછા કટ્ટરપંથી વ્યક્તિઓ સત્તા પર આવશે. તેમણે ઉમેર્યું કે, “આજની રાત વિશ્વના ઇતિહાસમાં ખૂબ જ મોટી ક્ષણ બની શકે છે. છેલ્લા ૪૭ વર્ષથી ઈરાનમાં ચાલી રહેલા જુલમ, ભ્રષ્ટાચાર અને હિંસાના ચક્રનો આખરે અંત આવશે.”

હોર્મુઝ સ્ટ્રેટ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર નિશાન

અગાઉ વ્હાઇટ હાઉસમાં આયોજિત પ્રેસ કોન્ફરન્સમાં ટ્રમ્પે આડકતરી રીતે સંકેત આપ્યો હતો કે અમેરિકી સેના ઈરાનના પાવર પ્લાન્ટ્સ, પુલો અને ખાસ કરીને વ્યૂહાત્મક રીતે મહત્વની ‘હોર્મુઝ સ્ટ્રેટ’ પર હુમલો કરી શકે છે. તેમણે ચેતવણી આપી હતી કે જો ઈરાન નિર્ધારિત સમયમર્યાદામાં કરાર પર હસ્તાક્ષર નહીં કરે, તો મંગળવારની રાત સુધીમાં કોઈપણ ક્ષણે તેહરાન રાતોરાત ખંડેરમાં ફેરવાઈ શકે છે.

યુદ્ધના મેદાનમાં લેટેસ્ટ અપડેટ્સ (૭ એપ્રિલ ૨૦૨૬):

રેલવે અને હાઈવે પર હુમલા: ઈરાન તરફથી મળેલી માહિતી મુજબ, ઈઝરાયેલ અને અમેરિકાએ ઈરાની રેલવે નેટવર્કને નિશાન બનાવ્યું છે. તાબ્રિઝ-ઝાંજન હાઈવે પરનો મહત્વનો યાહ્યા અબાદ રેલ્વે બ્રિજ ઉડાવી દેવામાં આવ્યો છે.

ખાર્ગ ટાપુ પર હુમલો: ઈરાનનો મુખ્ય તેલ નિકાસ ડેપો ગણાતા ખાર્ગ ટાપુ પર પણ હવાઈ હુમલા કરવામાં આવ્યા હોવાના અહેવાલ છે, જેના કારણે વૈશ્વિક તેલના ભાવમાં મોટો ઉછાળો જોવા મળી શકે છે.

કરારનો ઈન્કાર: ઈરાને અમેરિકા દ્વારા પ્રસ્તાવિત કામચલાઉ યુદ્ધવિરામના પ્રસ્તાવને સ્પષ્ટપણે નકારી કાઢ્યો છે, જેના કારણે હવે મંત્રણાના તમામ દરવાજા બંધ થતા દેખાઈ રહ્યા છે.

વિશ્વભરના નેતાઓ અત્યારે વોશિંગ્ટન અને તેહરાન વચ્ચેની આ તંગદિલી પર નજર રાખી રહ્યા છે. ભારત સહિતના એશિયન દેશો માટે આ સંકટ ચિંતાજનક છે, કારણ કે આ યુદ્ધની અસર સીધી રીતે પેટ્રોલિયમ પુરવઠા અને આર્થિક સ્થિરતા પર પડશે.

આ રાત ખરેખર શાંતિ લાવશે કે પછી માનવજાત માટે એક નવો કાળો અધ્યાય શરૂ કરશે, તે હવે માત્ર થોડા કલાકોની વાત છે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Satya Day