Amit shah: દિલ્હીમાં અમિત શાહનું મેગા વૃક્ષારોપણ અભિયાન: 'ગ્રીન રીજ માસ્ટર પ્લાન' હેઠળ બનશે ૧00 જળાશયો અને નક્ષત્ર વન
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મંગળવારે (૭ જુલાઈ) નવી દિલ્હીમાં પર્યાવરણ સુરક્ષા અને જળ સંરક્ષણ તરફ એક મોટું પગલું ભર્યું છે. તેમણે દિલ્હી સરકારના એક ભવ્ય 'મેગા વૃક્ષારોપણ અભિયાન'ની શરૂઆત કરાવી હતી . આ પ્રસંગે ગૃહમંત્રીએ સ્પષ્ટ કર્યું કે દિલ્હીના હૃદય સમાન 'સેન્ટ્રલ રીજ' (Central Ridge) વિસ્તારની જૈવવિવિધતા, તેની ફળદ્રુપ માટી અને ભૂગર્ભ જળની રક્ષા માટે સરકાર હવે કાયદાકીય રસ્તો અપનાવશે, જેથી આ હરિયાળા વિસ્તારને કોઈપણ પ્રકારના નુકસાનથી બચાવી શકાય .
૧૦૦ વર્ષ આયુષ્ય ધરાવતા પરંપરાગત વૃક્ષોનું વાવેતર
આ અભિયાન અંતર્ગત કેન્દ્રીય ગૃહમંત્રીએ જણાવ્યું કે રીજ વિસ્તારની કુદરતી સુંદરતા અને પર્યાવરણને મજબૂત કરવા માટે આડેધડ વાવેતર કરવાને બદલે ૧૦૦ વર્ષ કરતાં વધુ સમય સુધી જીવિત રહી શકે તેવા વૃક્ષો પર ભાર મૂકવામાં આવશે. આ યોજના હેઠળ જામુન, આંબો, અર્જુન અને લીમડા જેવા પરંપરાગત અને સ્થાનિક વૃક્ષો મોટા પાયે વાવવામાં આવશે. આ મેગા ડ્રાઈવનો મુખ્ય ઉદ્દેશ્ય સમગ્ર દિલ્હી શહેરમાં ટૂંકા સમયમાં ૭૦ લાખ જેટલા છોડ વાવવાનો છે.
આગામી ૪ વર્ષનો રોડમેપ: ૬,૩૦૦ હેક્ટર વિસ્તાર બનશે ગ્રીન ઝોન
દિલ્હીને પ્રદૂષણના ભરડામાંથી મુક્ત કરવા માટે સરકાર લાંબાગાળાનું આયોજન કરી રહી છે. અમિત શાહે વિગત આપતા જણાવ્યું કે આગામી ચાર વર્ષોમાં આશરે ૬,૩૦૦ હેક્ટર જેટલા વિશાળ રીજ ક્ષેત્રને સંપૂર્ણ હરિયાળો આંચળો ઓઢાડવામાં આવશે. આ માટે:
- ૧ કરોડ જેટલા સ્થાનિક વૃક્ષોની પ્રજાતિઓ ઉછેરવામાં આવશે.
- ૨૩ લાખ મોટા કદના વૃક્ષોનું રોપણ કરાશે
- ૬૫ લાખ જેટલી નાની ઝાડીઓ, છોડવાઓ અને કિંમતી ઔષધીય વનસ્પતિઓનું વાવેતર કરવામાં આવશે
'ગ્રીન રીજ માસ્ટર પ્લાન' અને ઈકો-ટુરિઝમનો સમન્વય
ગૃહમંત્રીએ આ કાર્યક્રમમાં 'ગ્રીન રીજ માસ્ટર પ્લાન'ની જાહેરાત કરી હતી. આ માસ્ટર પ્લાન માત્ર વૃક્ષો વાવવા પૂરતો સીમિત નથી, પરંતુ જળ સંરક્ષણ માટે તેમાં ૧૦૦ જેટલા કૃત્રિમ જળાશયો અને તળાવો વિકસાવવાની જોગવાઈ છે. આ ઉપરાંત, નાગરિકો પ્રકૃતિની નજીક આવી શકે તે માટે રીજ વિસ્તારમાં નાના રેસ્ટોરન્ટ્સ અને આધ્યાત્મિક તેમજ વૈજ્ઞાનિક મહત્વ ધરાવતા ખાસ બગીચાઓ જેવા કે 'નક્ષત્ર વન', 'તીર્થંકર વન' અને 'વર્ણન વન'નું નિર્માણ કરવામાં આવશે. આ તમામ પ્રયાસો માટે કાયદાકીય કવચનો ઉપયોગ કરીને જમીન માફિયાઓ અને અતિક્રમણથી રીજને સુરક્ષિત રખાશે.

