બ્રિટીશ નાગરિકત્વના દાવોઓનો અંત: અલ્હાબાદ હાઈકોર્ટે રાહુલ ગાંધી વિરુદ્ધની અરજી કરી ડિસમિસ, જાણો અદાલતની કડક ટિપ્પણીઓ
અલ્હાબાદ હાઈકોર્ટે લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીની કથિત બ્રિટીશ નાગરિકતા સંબંધિત દાખલ કરાયેલી અરજીને ફગાવી દીધી છે. અદાલતે ચુકાદો આપતાં સ્પષ્ટ કર્યું હતું કે અરજદાર વકીલ અશોક પાંડે અને અન્ય લોકો પોતાના ગંભીર આરોપોને સાબિત કરવા માટે એક પણ નક્કર દસ્તાવેજ અથવા પુરાવો રજૂ કરી શક્યા નથી.
અરજીમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે રાહુલ ગાંધી ભારતીય નાગરિક નથી, પરંતુ તેમની પાસે બ્રિટન (UK) નું સત્તાવાર નાગરિકત્વ છે. જોકે, હાઈકોર્ટે નોંધ્યું કે અરજદારો એ સાબિત કરવામાં સાવ નિષ્ફળ રહ્યા છે કે રાહુલ ગાંધીએ ક્યારેય પોતાને બ્રિટિશ નાગરિક તરીકે જાહેર કર્યા હોય.
રાહુલ ગાંધી પરના આરોપોની પુષ્ટિ ન થઈ
જસ્ટિસ શેખર બી. સરાફ અને જસ્ટિસ અવધેશ કુમાર ચૌધરીની ખંડપીઠે આ કેસની સુનાવણી કરતી વખતે સખત વલણ અપનાવ્યું હતું. કોર્ટે જણાવ્યું કે અરજદારે પોતાના દાવાના સમર્થનમાં માત્ર કેમ્બ્રિજ યુનિવર્સિટીના એક પત્રનો જ આધાર લીધો હતો.
અદાલતના જણાવ્યા મુજબ, આ પત્રથી અરજીમાં મુકવામાં આવેલા કોઈપણ આરોપ કે દાવાની પુષ્ટિ થતી નથી. એક બિન-સરકારી પત્રના આધારે કોઈ લોકપ્રતિનિધિની નાગરિકતા પર સવાલ ઉઠાવી શકાય નહીં.
બ્રિટિશ કંપની અને નાગરિકત્વનો દાવો ખોટો ઠર્યો
અગાઉ હાઈકોર્ટે આ કેસની સુનાવણી કરવા સામે અનિચ્છા દર્શાવી હતી, કારણ કે રાહુલ ગાંધીની નાગરિકતા સાથે જોડાયેલી એક ફરિયાદ પહેલાથી જ કેન્દ્ર સરકારના ગૃહ મંત્રાલય સમક્ષ વિચારાધીન છે. તેમ છતાં, અરજદારોના ભારે દબાણ અને આગ્રહને કારણે અલ્હાબાદ હાઈકોર્ટે દસ્તાવેજોની ચકાસણી કરવા સંમતિ આપી હતી.
અરજદારનો મુખ્ય દાવો એવો હતો કે રાહુલ ગાંધીએ વર્ષ ૨૦૦૩માં યુકેમાં 'બેકઓપ્સ લિમિટેડ' (Backops Limited) નામની એક કંપની રજીસ્ટર કરાવી હતી, જેમાં તેમણે પોતાની નાગરિકતા બ્રિટિશ દર્શાવી હતી. જોકે, સુનાવણી દરમિયાન હાઈકોર્ટે સ્પષ્ટ કર્યું કે અરજદારો બ્રિટનના કંપની રજીસ્ટ્રાર અથવા ત્યાંના કોઈ સરકારી રેકોર્ડમાંથી આવો કોઈ સત્તાવાર પુરાવો રજૂ કરી શક્યા નથી.
અરજી પાછી ખેંચાતા હાઈકોર્ટે કેસ ડિસમિસ કર્યો
અદાલતની સખત ટિપ્પણીઓ અને પુરાવાની ગેરહાજરી સામે આવ્યા બાદ અરજદારે પોતાની અરજી પાછી ખેંચી લેવાની પરવાનગી માંગી હતી. હાઈકોર્ટે તેમનો આ અનુરોધ ગ્રાહ્ય રાખ્યો હતો અને અરજી પાછી ખેંચવાના આધારે તેને સંપૂર્ણપણે ડિસમિસ (ખારિજ) કરી દીધી હતી.
આ કાનૂની સુનાવણી વખતે કેન્દ્ર સરકાર અને ભારતીય ચૂંટણી પંચના વકીલો પણ અદાલતમાં હાજર રહ્યા હતા. નોંધનીય છે કે રાહુલ ગાંધીની નાગરિકતા સંબંધિત અન્ય એક અલગ અરજી હજુ પણ હાઈકોર્ટની અન્ય બેન્ચ સમક્ષ પેન્ડિંગ છે, પરંતુ આ મુખ્ય અરજી ફગાવાતાં રાહુલ ગાંધીને મોટો કાનૂની રાહત મળી છે.

