Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

Gujarat Education Crisis: એક વર્ષમાં 87 હજાર વિદ્યાર્થીઓ ઓછા થયા

The Gujarat Report 2 weeks ago

Gujarat Education Crisis:ગુજરાતમાં હાલમાં ‘શાળા પ્રવેશોત્સવ’નો માહોલ છે. મંત્રીઓથી લઈને ધારાસભ્યો અને સ્થાનિક નેતાઓ ગામેગામ ફરીને દીકરીઓ અને બાળકોના શિક્ષણની વાતો કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર આ કાર્યક્રમોની રીલ્સ અને ફોટાઓનો મારો ચાલી રહ્યો છે. પરંતુ, સરકારના પોતાના જ સામાજિક અને આર્થિક સમીક્ષાના અહેવાલો કંઈક અલગ જ વાસ્તવિકતા રજૂ કરે છે.

એક તરફ નેતાઓ શાળા પ્રવેશના તાયફા કરી રહ્યા છે, તો બીજી તરફ સત્તાવાર આંકડાઓ દર્શાવે છે કે ગુજરાતનું શિક્ષણતંત્ર ગંભીર કટોકટીમાંથી પસાર થઈ રહ્યું છે. વર્ષ ૨૦૨૫-૨૬ના સરકારી આંકડા મુજબ, પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓની સંખ્યા જે અગાઉ ૭૮.૪૭ લાખ હતી, તે ઘટીને ૭૭.૬૦ લાખ થઈ ગઈ છે. એટલે કે માત્ર એક જ વર્ષમાં ૮૭,૦૦૦ જેટલા વિદ્યાર્થીઓ શાળામાંથી ગાયબ થઈ ગયા છે. આ ૨૦% નો ઘટાડો કોઈ સામાન્ય ઘટના નથી, પરંતુ તે શિક્ષણની કથળતી જતી સ્થિતિનો પુરાવો છે.

બંધ થતી શાળાઓ અને ઘટતા શિક્ષકોનું સંકટ

વિદ્યાર્થીઓની ઘટતી સંખ્યાની સાથોસાથ રાજ્યમાં શાળાઓની સંખ્યામાં પણ ચિંતાજનક ઘટાડો નોંધાયો છે. એક જ વર્ષમાં ૩૨૦ જેટલી પ્રાથમિક શાળાઓ તાળાબંધીને આરે આવી ગઈ છે, જેના કારણે પ્રાથમિક શાળાઓની કુલ સંખ્યા ૪૪,૨૮૮ થી ઘટીને ૪૩,૯૬૮ પર આવી ગઈ છે. આ આંકડાઓ સાબિત કરે છે કે શાળાઓનું વિલીનીકરણ કે બંધ કરવાની પ્રક્રિયા શિક્ષણના પાયાને હચમચાવી રહી છે. આટલું જ નહીં, પ્રાથમિક શિક્ષકોની સંખ્યામાં પણ ૪,૨૦૦ થી વધુનો ઘટાડો થયો છે. જ્યારે સરકાર ડિજિટલ ઇન્ડિયા અને વિકસિત ભારતની વાતો કરે છે, ત્યારે રાજ્યની શાળાઓમાં ઘટતા ઓરડાઓ, અપૂરતા શિક્ષકો અને સુવિધાઓનો અભાવ સરકારની ‘નિષ્ફળતા’ પર સવાલ ઉભા કરે છે. પ્રવેશોત્સવના ફોટોગ્રાફ્સ માત્ર પ્રસિદ્ધિ મેળવવાનું સાધન બની રહ્યા હોય તેમ લાગે છે.

મહિલા શિક્ષણ અને ડિજિટલ સાક્ષરતાની કરુણ સ્થિતિ

ગુજરાતમાં મહિલા સશક્તિકરણના દાવાઓ વચ્ચે નેશનલ ફેમિલી હેલ્થ સર્વેના આંકડાઓ ચોંકાવનારા છે. આ સર્વે મુજબ, ૬ વર્ષ કે તેથી વધુ ઉંમરની લગભગ ૨૫% મહિલાઓ ક્યારેય શાળાએ જ ગઈ નથી. વધુમાં, ૩૮.૬% મહિલાઓ એવી છે કે જેઓ ૧૦ ધોરણ સુધીનો અભ્યાસ પણ પૂર્ણ કરી શકી નથી. ડિજિટલ યુગમાં જ્યારે બધું ઓનલાઈન થઈ રહ્યું છે, ત્યારે ગ્રામ્ય વિસ્તારની ૪૫% થી વધુ મહિલાઓ ડિજિટલ રીતે સંપૂર્ણ અભણ છે. તેમને મોબાઈલ કે ઇન્ટરનેટનો ઉપયોગ કરતા આવડતું નથી, જે તેમને રોજગારી અને સરકારી યોજનાઓથી દૂર રાખે છે. ગુજરાતની ૪ કરોડ મહિલાઓમાંથી લગભગ ૨ કરોડ મહિલાઓ શિક્ષણ, રોજગારી અને ડિજિટલ ઇકોસિસ્ટમથી સંપૂર્ણપણે વંચિત છે. આ આંકડાઓ સાબિત કરે છે કે મહિલા સશક્તિકરણની વાતો માત્ર મંચ પૂરતી સીમિત છે.

રાજકીય રણનીતિ અને જમીની હકીકત

નેતાઓના ભાષણોમાં રાષ્ટ્રપતિના અપમાન જેવા રાજકીય મુદ્દાઓ ચગાવવામાં આવે છે, પરંતુ શિક્ષણ જેવા મૂળભૂત મુદ્દાઓ પર મૌન સેવવામાં આવે છે. વડાપ્રધાન મોદી જ્યારે દિલ્હીમાં નારી શક્તિની વાતો કરે છે, ત્યારે ગુજરાતની વાસ્તવિકતા એ છે કે રાજ્યના આદિવાસી અને ગરીબ પરિવારના બાળકો શિક્ષણથી દૂર થઈ રહ્યા છે. પ્રવેશ મેળવનારા વિદ્યાર્થીઓમાંથી ૨૦% બાળકો માધ્યમિક સુધી પહોંચતા પહેલા જ શાળા છોડી દે છે. કોલેજ પૂર્ણ કરનારા યુવાનોની સંખ્યા માંડ ૧૨-૧૩% છે. શાળા પ્રવેશના કાર્યક્રમો એક દિવસનો ઉત્સવ બની રહે છે, પરંતુ ત્યારબાદ બાળક ખરેખર શું શીખે છે અને શાળાઓમાં ગુણવત્તાયુક્ત શિક્ષણ મળે છે કે નહીં, તે જોવાની કોઈ તસ્દી લેતું નથી.

ક્યાં છે કાયમી ઉકેલ?

ગુજરાતનું શિક્ષણતંત્ર આજે ‘શાળા છોડો’ અભિયાન જેવું બની ગયું છે. સરકાર દ્વારા કરવામાં આવતા આંકડાકીય જાદુ પાછળનું સત્ય એ છે કે લાખો બાળકો અને મહિલાઓ શિક્ષણની મુખ્ય ધારાથી બહાર છે. શિક્ષણ નીતિની વાતો થાય છે, પરંતુ અમલીકરણના નામે માત્ર ફોટોગ્રાફી અને પ્રચાર થાય છે. જો રાજ્યને ખરેખર વિકસિત બનાવવું હોય, તો માત્ર શાળાઓના ઉદ્ઘાટન કરવાથી નહીં ચાલે, પરંતુ શિક્ષણની ગુણવત્તા, શિક્ષકોની ભરતી અને વિદ્યાર્થીઓનો શાળા છોડવાનો દર ઘટાડવા માટે ગંભીર નીતિઓની જરૂર છે. ગુજરાતના ભવિષ્યને અંધકારમાંથી બહાર લાવવા માટે સરકારે પ્રચાર છોડીને વાસ્તવિક સમસ્યાઓનો ઉકેલ લાવવો પડશે, અન્યથા ‘અભણ ગુજરાત’નો ઠપ્પો ઇતિહાસમાં કાયમી બની જશે.

:

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: The Gujarat Report