Trishul News Gujarati
Ambalal Patel weather forecast:ગુજરાતમાં હાલ ગરમીનું પ્રમાણ યથાવત છે અને આગામી પાંચ દિવસ સુધી વાતાવરણ ગરમ અને સૂકું રહેવાની શક્યતા છે. રાજ્યના મોટાભાગના (Ambalal Patel weather forecast) શહેરોમાં તાપમાનનો પારો 40 ડિગ્રીને વટાવી ગયો છે. છેલ્લા આંકડા મુજબ, 42.4 ડિગ્રી સાથે રાજકોટ રાજ્યનું સૌથી ગરમ શહેર નોંધાયું છે.
આ સિવાય સુરેન્દ્રનગર, અમદાવાદ અને ગાંધીનગર જેવા શહેરોમાં પણ તાપમાન 41 ડિગ્રીની આસપાસ રહેતા લોકો ગરમીથી તોબા પોકારી ઉઠ્યા છે.
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની મહત્વની આગાહી
પ્રખ્યાત હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે ગરમીની વચ્ચે જ વાતાવરણમાં મોટો પલટો આવી શકે છે. તેમના જણાવ્યા મુજબ, 6થી 12 મે દરમિયાન દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ગાજવીજ અને ભારે પવન સાથે છૂટોછવાયો વરસાદ પડી શકે છે. આ પલટો પશ્ચિમી વિક્ષેપને કારણે સર્જાશે. મે મહિનાના અંતમાં ફરી ગરમી વધશે, પરંતુ જૂનની શરૂઆતમાં વિધિવત વરસાદની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે.
સૌરાષ્ટ્રમાં તાપમાન 43 ડિગ્રી સુધી પહોંચશે
હવામાન વિભાગના મતે પવનોની દિશા બદલાવાને કારણે વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધશે, જેનાથી અસહ્ય ઉકળાટ અનુભવાશે. સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં પારો 43 ડિગ્રી સુધી પહોંચવાની સંભાવના છે. ખાસ કરીને રાત્રિના સમયે પણ ગરમ પવનો ફૂંકાવાને કારણે લોકોને ગરમીમાંથી રાહત મળવાની આશા ઓછી છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ ઊંચા મોજા ઉછળવાની ચેતવણી આપવામાં આવી છે.
રાજકોટ મનપા દ્વારા ગરમીને લઈ એડવાઈઝરી જાહેર
વધતી જતી ગરમીને ધ્યાનમાં રાખીને રાજકોટ મહાનગરપાલિકાએ નાગરિકો માટે હેલ્થ એડવાઈઝરી બહાર પાડી છે. તંત્ર દ્વારા લોકોને બપોરે 1થી 4 વાગ્યા સુધી બિનજરૂરી બહાર ન નીકળવા અપીલ કરવામાં આવી છે. આ ઉપરાંત, હળવા રંગના સુતરાઉ કપડાં પહેરવા અને શરીરમાં પાણીનું પ્રમાણ જળવાઈ રહે તે માટે લીંબુ શરબત, તરબૂચ અને ટેટી જેવા ફળોનું સેવન કરવા સૂચન કરવામાં આવ્યું છે. શ્રમિકોના સ્વાસ્થ્યને ધ્યાને રાખીને બપોરના સમયે કામ ન કરાવવા પણ સૂચના અપાઈ છે.

