Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
અસલી બ્રાન્ડના નામે સુરતમાં ચાલતો ગોરખધંધો: ડુપ્લીકેટ લાઈઝોલ અને નકલી શેમ્પુથી ગ્રાહકોને 'નવડાવતો' ભેજાબાજ ઝડપાયો

અસલી બ્રાન્ડના નામે સુરતમાં ચાલતો ગોરખધંધો: ડુપ્લીકેટ લાઈઝોલ અને નકલી શેમ્પુથી ગ્રાહકોને 'નવડાવતો' ભેજાબાજ ઝડપાયો

Trishul news 4 months ago

Trishul News Gujarati

Surat Fake Products:સુરત જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં જાણીતી બ્રાન્ડ્સના નામે ડુપ્લીકેટ પ્રોડક્ટ્સ બનાવી ગ્રાહકોને છેતરતા એક મોટા આંતરરાજ્ય નેટવર્કનો પર્દાફાશ થયો છે. સુરત જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચે (LCB) પલસાણા પોલીસ મથકની હદમાં આવેલા જોળવા ગામના (Surat Fake Products) એક શોપિંગ સેન્ટરમાં ઓચિંતો દરોડો પાડ્યો હતો.

આ કાર્યવાહી દરમિયાન જાણીતી કંપનીઓના નામે વેચાતો લાખો રૂપિયાનો નકલી માલસામાન મળી આવ્યો હતો. પોલીસે ઘટનાસ્થળેથી ₹13.22 લાખથી વધુના મુદ્દામાલ સાથે એક આરોપીની ધરપકડ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ચોક્કસ બાતમીના આધારે શિવ પેલેસ શોપિંગમાં દરોડા
સુરત ગ્રામ્ય LCBની ટીમ જ્યારે વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી, ત્યારે તેમને જોળવા ગામમાં નકલી બ્રાન્ડેડ વસ્તુઓ બનાવતી ફેક્ટરી ચાલતી હોવાની ચોક્કસ બાતમી મળી હતી. આ બાતમીના આધારે પોલીસે 'શિવ પેલેસ શોપિંગ'માં દરોડા પાડ્યા હતા. તપાસ દરમિયાન ત્યાં હિન્દુસ્તાન યુનિલિવર, રેકીટ બેન્કીસર અને ઈમામી લિમિટેડ જેવી દેશની પ્રતિષ્ઠિત અને અગ્રણી કંપનીઓના નામે બનાવવામાં આવતી ડુપ્લીકેટ પ્રોડક્ટ્સનો મસમોટો જથ્થો જોઈને પોલીસ પણ ચોંકી ઉઠી હતી.

હારપીક, લાઈઝોલ અને સનસિલ્ક જેવા બ્રાન્ડેડ નામોનો દુરુપયોગ
આ ગેરકાયદેસર ફેક્ટરીમાં તપાસ કરતા જાણીતી બ્રાન્ડના આબેહૂબ પેકિંગમાં તૈયાર કરાયેલા ડુપ્લીકેટ લાઈઝોલ (ફ્લોર ક્લીનર), હારપીક (ટોયલેટ ક્લીનર) અને સનસિલ્ક શેમ્પુ મળી આવ્યા હતા. આ પ્રોડક્ટ્સના ઉત્પાદન કે વેચાણ અંગે આરોપી પાસે કોઈ પણ પ્રકારનું અધિકૃત બિલ, લાયસન્સ કે કાનૂની આધાર નહોતો. પોલીસે સ્થળ પરથી:

નકલી લાઈઝોલ: 430 કેન

નકલી હારપીક: 532 કેન

ડુપ્લીકેટ શેમ્પુ: મોટી સંખ્યામાં બોટલો
આ તમામ ચીજવસ્તુઓ સહિત કુલ ₹13,22,436 ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

યુપીથી સ્ટીકરો મંગાવી ઓનલાઈન પ્લેટફોર્મ પર વેચાણ
આ કૌભાંડ આચરનારા મુખ્ય આરોપી વિવેક દીપકભાઈ ફળદુ (હાલ રહે. શગુન રેસીડેન્સી, કામરેજ; મૂળ રહે. ખીજડીયા ગામ, કાલાવડ, જામનગર) ની પોલીસે અટકાયત કરી છે. પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે કે આરોપી નકલી પ્રોડક્ટ્સ તૈયાર કરવા માટે ખાલી કેન અને કંપનીના ઓરિજિનલ જેવા જ દેખાતા આબેહૂબ સ્ટીકરો ઉત્તર પ્રદેશથી મંગાવતો હતો. ત્યારબાદ, સ્થાનિક બજારમાંથી સસ્તું લુઝ કેમિકલ અને મટીરીયલ લાવીને આ બોટલોમાં ભરી દેતો હતો. બ્રાન્ડેડ પેકિંગ તૈયાર થઈ ગયા બાદ તે વિવિધ ઓનલાઈન શોપિંગ પ્લેટફોર્મ્સ દ્વારા ગ્રાહકોને અસલી કહીને પધરાવી દેતો હતો.

અન્ય કયા વેપારીઓ સામેલ? LCB એ તપાસ તેજ કરી
આ આંતરરાજ્ય કૌભાંડનો પર્દાફાશ થતાં જ પોલીસે સંબંધિત બ્રાન્ડેડ કંપનીઓના લીગલ ઓફિસરોને બોલાવીને કાયદાકીય જાણ કરી દીધી છે. બ્રાન્ડેડ કંપનીઓના નામે ઓનલાઈન છેતરપિંડી આચરતા આ નેટવર્કની જાળ સુરત જિલ્લા અને સમગ્ર દક્ષિણ ગુજરાતમાં કેટલી ઊંડી ફેલાયેલી છે, આમાં અન્ય કોઈ સ્થાનિક હોલસેલ વેપારીઓ સામેલ છે કે કેમ, તથા ઉત્તર પ્રદેશથી નકલી રો-મટીરીયલ અને સ્ટીકરો સપ્લાય કરનારા મુખ્ય સૂત્રધારો કોણ છે, તે તમામ દિશામાં સુરત ગ્રામ્ય LCB એ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

  • ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો:Trishul News Gujarati
  • નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
  • વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
  • યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ:Trishul News YouTube

The post અસલી બ્રાન્ડના નામે સુરતમાં ચાલતો ગોરખધંધો: ડુપ્લીકેટ લાઈઝોલ અને નકલી શેમ્પુથી ગ્રાહકોને 'નવડાવતો' ભેજાબાજ ઝડપાયો appeared first on Trishul News Gujarati.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Trishulnews