Trishul News Gujarati
Gujarat Self Employment: ગુજરાત લાંબા સમયથી વેપાર, ઉદ્યોગ અને સ્વરોજગારીની મજબૂત પરંપરા ધરાવતું રાજ્ય રહ્યું છે. હવે કેન્દ્ર સરકારના આંકડાશાસ્ત્ર અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલય (MoSPI) દ્વારા જાહેર કરાયેલા 'લેબર માર્કેટ ડાયનેમિક્સ ઇન મિલિયન-પ્લસ સિટીઝ' અહેવાલમાં પણ આ હકીકતને સમર્થન મળ્યું છે.
અહેવાલ અનુસાર ગુજરાતના (Gujarat Self Employment) ચાર મહાનગરોમાંથી રાજકોટ, સુરત અને અમદાવાદમાં 40 ટકાથી વધુ લોકો સ્વરોજગાર આધારિત વ્યવસાય અથવા રોજગારી સાથે સંકળાયેલા છે. આ આંકડા રાજ્યમાં ઉદ્યોગસાહસિકતા અને સ્વરોજગારની મજબૂત સંસ્કૃતિને ઉજાગર કરે છે.
કેન્દ્ર સરકારના અહેવાલમાં દેશના 10 લાખથી વધુ વસ્તી ધરાવતા 46 શહેરોના શ્રમબજારનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે. તેમાં સ્વરોજગારના મામલે રાજકોટે ગુજરાતમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે. રાજકોટમાં 50.4 ટકા લોકો પોતાનો વ્યવસાય અથવા સ્વરોજગાર સાથે જોડાયેલા હોવાનું નોંધાયું છે. સુરત 42.4 ટકા સાથે બીજા અને અમદાવાદ 41.4 ટકા સાથે ત્રીજા સ્થાને છે. ખાસ વાત એ છે કે ગુજરાતના આ ત્રણેય શહેરોમાં સ્વરોજગારનો દર દેશના મોટા શહેરોની સરેરાશ કરતાં નોંધપાત્ર રીતે વધુ છે. અહેવાલ મુજબ 46 મહાનગરોમાં સ્વરોજગારની સરેરાશ 35.1 ટકા છે, જ્યારે સમગ્ર શહેરી ભારતમાં આ દર 40.4 ટકા નોંધાયો છે.
સ્વરોજગારમાં રાજકોટ, સુરત અને અમદાવાદે જમાવી ધાક
અહેવાલ મુજબ દેશના અન્ય મહાનગરોની સરખામણીમાં પણ ગુજરાતના શહેરોનું પ્રદર્શન નોંધપાત્ર રહ્યું છે. કોલકાતામાં 39.6 ટકા, દિલ્હીમાં 37.9 ટકા, ગ્રેટર મુંબઈમાં 32.8 ટકા અને ચેન્નાઈમાં માત્ર 24.1 ટકા લોકો સ્વરોજગાર સાથે સંકળાયેલા હોવાનું નોંધાયું છે. જોકે રાષ્ટ્રીય સ્તરે સ્વરોજગારના મામલે ગ્વાલિયર (64.7 ટકા), વારાણસી (64.2 ટકા), પ્રયાગરાજ (55.9 ટકા) અને જોધપુર (55.4 ટકા) જેવા શહેરોએ સૌથી ઊંચો દર નોંધાવ્યો છે. તેમ છતાં ગુજરાતમાં રાજકોટ સ્વરોજગારના ક્ષેત્રમાં રાજ્યનું અગ્રણી શહેર બનીને ઊભર્યું છે.
સ્વરોજગાર ક્ષેત્રમાં પ્રોપ્રાયટરશિપ અને પાર્ટનરશિપ ફર્મોનું સૌથી વધુ પ્રભુત્વ
કેન્દ્ર સરકારના આ અભ્યાસ માટે દેશભરમાં આશરે 60 હજાર લોકોનો સર્વે હાથ ધરવામાં આવ્યો હતો, જેમાં ગુજરાતના ચાર મુખ્ય શહેરોના 8 હજારથી વધુ પ્રતિભાવદાતાઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. અહેવાલ અનુસાર સુરતમાં 83.2 ટકા લોકો પ્રોપ્રાયટરશિપ અથવા પાર્ટનરશિપ આધારિત સંસ્થાઓમાં કાર્યરત છે, જ્યારે રાજકોટમાં આ પ્રમાણ 78.3 ટકા નોંધાયું છે. આ કેટેગરીમાં સુરતે દેશના 46 મોટા શહેરોમાં પાંચમું સ્થાન મેળવ્યું છે. સુરતથી આગળ માત્ર આગ્રા (86.6 ટકા), વારાણસી (86.5 ટકા), પ્રયાગરાજ (84.1 ટકા) અને લુધિયાણા (83.7 ટકા) જેવા શહેરો છે. આ આંકડાઓ દર્શાવે છે કે સુરત અને રાજકોટમાં પ્રોપ્રાયટરશિપ તથા પાર્ટનરશિપ આધારિત વ્યવસાયનું પ્રભુત્વ દેશના મોટા ભાગના મહાનગરોની સરખામણીમાં વધુ મજબૂત છે.
ગુજરાતમાં રોજગારી માટે મેન્યુફેક્ચરિંગ અને વેપાર ક્ષેત્ર મુખ્ય આધારસ્તંભ બન્યા
રોજગારના ક્ષેત્રોની વાત કરીએ તો સુરતમાં મેન્યુફેક્ચરિંગ ક્ષેત્ર સૌથી આગળ છે, જ્યાં લગભગ 51 ટકા લોકો કાર્યરત છે. રાજકોટમાં આ પ્રમાણ 42.5 ટકા અને અમદાવાદમાં 31 ટકા નોંધાયું છે. બીજી તરફ હોલસેલ અને રિટેલ વેપાર પણ રોજગારીનું મહત્વપૂર્ણ ક્ષેત્ર છે. સુરતમાં 20 ટકા, અમદાવાદમાં 16 ટકા અને રાજકોટમાં 15 ટકા લોકો વેપાર ક્ષેત્રમાં જોડાયેલા છે. કુલ મળીને મેન્યુફેક્ચરિંગ અને વેપાર બંને ક્ષેત્રો સુરત, રાજકોટ અને અમદાવાદમાં રોજગારીના લગભગ 47 ટકાથી લઈને 71 ટકા સુધીનો મોટો હિસ્સો ધરાવે છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો:Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ:Trishul News YouTube
The post દેશમાં સ્વરોજગારમાં ગુજરાતનો દબદબો, રાજકોટ પ્રથમ; સુરત અને અમદાવાદ પણ ટોપ શહેરોમાં appeared first on Trishul News Gujarati.

