Trishul News Gujarati
Uber Driver Negligence:ગાંધીનગરના સેક્ટર-5/બી વિસ્તારમાં એક અત્યંત હૃદયદ્રાવક ઘટના બની છે, જેમાં ઉબેર કેબ ડ્રાઈવરની બેદરકારીને કારણે 1 વર્ષ અને 9 મહિનાના (Uber Driver Negligence)માસૂમ બાળકનું કમકમાટીભર્યું મોત નીપજ્યું છે. અમદાવાદ પિયરથી હરખભેર ઘરે પરત ફરેલા પરિવારમાં આ ઘટના બાદ શોકનું મોજું ફરી વળ્યું છે.
શું બની હતી ઘટના?
મળતી માહિતી મુજબ, સેક્ટર-5/બીના પ્લોટ નંબર 618/1માં રહેતા એઝાઝ અનવરભાઈ અજમેરીના પત્ની મેહજબીન, તેમની 8 વર્ષની પુત્રી ઈનાયા અને 1 વર્ષ 9 માસના પુત્ર અરહાન સાથે અમદાવાદના જુહાપુરા સ્થિત પિયરથી પરત ફરી રહ્યા હતા. તેમની બહેને તેમને ગાંધીનગર લાવવા માટે ઉબેર મારફતે મારુતિ સુઝુકી કાર (નંબર GJ 27 TF 9254) બુક કરાવી હતી.
સાંજે આશરે 4:45 વાગ્યે કેબ ગાંધીનગરમાં તેમના ઘરે પહોંચી હતી. મેહજબીનબેને સૌથી પહેલા નાના પુત્ર અરહાનને ગાડીમાંથી નીચે ઉતાર્યો અને ત્યારબાદ તેઓ સામાન કાઢવામાં વ્યસ્ત હતા. આ દરમિયાન, કેબ ડ્રાઈવરે કોઈપણ જાતની સાવચેતી રાખ્યા વગર અને આસપાસ જોયા વિના જ અચાનક ગાડી હંકારી દીધી હતી.
ડ્રાઈવરે બાળક પર કાર ચડાવી દીધી
આ બેદરકારીના કારણે ગાડીના આગળના ભાગે માસૂમ અરહાન અડફેટે આવી ગયો. બાળકને કાર નીચે આવતા જોઈને મેહજબીનબેને બૂમાબૂમ કરી મૂકી હતી. તેમનો અવાજ સાંભળીને ઘરમાંથી એઝાઝભાઈ અને પરિવારના અન્ય સભ્યો દોડી આવ્યા હતા. આસપાસના લોકોએ ડ્રાઈવરને કાર રોકવા માટે બૂમો પાડી હતી, પરંતુ તે કાર રોકવાને બદલે સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો.
સારવાર દરમિયાન માસૂમનું નિપજ્યું મોત
આ ગંભીર અકસ્માતમાં અરહાનને માથા અને શરીરના અન્ય ભાગોમાં ઈજાઓ પહોંચી હતી અને ખૂબ લોહી વહી ગયું હતું. પડોશી મંથનભાઈની મદદથી તાત્કાલિક લોહીલુહાણ હાલતમાં બાળકને ગાંધીનગર સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. ઈમરજન્સી વોર્ડના ડોક્ટરોએ સારવાર શરૂ કરી હતી, પરંતુ કમનસીબે સારવાર દરમિયાન માસૂમ બાળકે અંતિમ શ્વાસ લીધા હતા.
આ કરુણ ઘટનાથી અજમેરી પરિવારમાં ભારે આક્રંદ છવાઈ ગયો છે. બાળકના પિતા એઝાઝભાઈ અજમેરીની ફરિયાદના આધારે સેક્ટર-7 પોલીસ સ્ટેશનના PSI મનીષ મકવાણાએ ફરાર ઉબેર ડ્રાઈવર વિરુદ્ધ ગુનો નોંધીને તેની શોધખોળ હાથ ધરી છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો:Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ:Trishul News YouTube

