Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ગુજરાતમાં સર્પદંશની સારવારમાં મોટી ક્રાંતિ: સ્થાનિક સાપોના ઝેરમાંથી તૈયાર થશે 'પ્રદેશ-વિશિષ્ટ' એન્ટી-વેનમ રસી

ગુજરાતમાં સર્પદંશની સારવારમાં મોટી ક્રાંતિ: સ્થાનિક સાપોના ઝેરમાંથી તૈયાર થશે 'પ્રદેશ-વિશિષ્ટ' એન્ટી-વેનમ રસી

Trishul news 1 week ago

Trishul News Gujarati

Gujarat Anti Snake Venom: ગુજરાતમાં સર્પદંશની સારવાર ક્ષેત્રે એક ક્રાંતિકારી અને ઐતિહાસિક સફળતા મળવા જઈ રહી છે. રાજ્યમાં ટૂંક સમયમાં જ ગુજરાતના સ્થાનિક ઝેરી સાપોના ઝેરમાંથી બનાવેલી 'રિજિયન સ્પેસિફિક એન્ટી-સ્નેક વેનમ' (પ્રદેશ-વિશિષ્ટ રસી) ઉપલબ્ધ થશે, જે સર્પદંશના (Gujarat Anti Snake Venom) દર્દીઓ માટે 'સંજીવની' સાબિત થશે.

વલસાડ જિલ્લાના ધરમપુર સ્થિત સર્પ સંશોધન કેન્દ્ર (Snake Research Institute) દ્વારા ગુજરાતમાં જોવા મળતી સાપની મુખ્ય 4 ઝેરી પ્રજાતિઓનું પાવડર સ્વરૂપનું (લાયોફિલાઇઝ્ડ) ઝેર તેલંગાણાની એક લાઇસન્સ પ્રાપ્ત કંપનીને સોંપવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટથી રાજ્યમાં સર્પદંશથી થતા માનવ મૃત્યુના દરમાં મોટો ઘટાડો થશે અને વર્ષ 2030 સુધીમાં સર્પદંશના મૃત્યુ અડધા કરવાના ભારતના રાષ્ટ્રીય લક્ષ્‍યાંકને વેગ મળશે.

મુખ્યમંત્રીના નેતૃત્વમાં જાહેર આરોગ્ય માટે મોટો નિર્ણય
રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ આ અંગે માહિતી આપતાં જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાત સરકાર સર્પદંશથી થતી જાનહાનિ અટકાવવા માટે મક્કમ છે. ધરમપુર સ્થિત સંસ્થા સાપની જાળવણી અને તેમાંથી ઝેર કાઢવા માટે વિશ્વ આરોગ્ય સંસ્થાની આંતરરાષ્ટ્રીય માર્ગદર્શિકાનું ચુસ્ત પાલન કરે છે, જેથી ઉચ્ચ ગુણવત્તાયુક્ત ઝેર મેળવી શકાય. તાજેતરમાં જ સાપના ઝેરની પ્રથમ ઈ-હરાજી દરમિયાન આ સંસ્થાને ધાર્યા કરતાં વધુ ઊંચી કિંમત મળી હતી, જે તેની આંતરરાષ્ટ્રીય સ્તરની કાર્યપદ્ધતિ અને ગુણવત્તાની સાબિતી આપે છે.

તેલંગાણાની કંપનીને સોંપાયો 4 મુખ્ય ઝેરી સાપોના ઝેરનો જથ્થો
ગુજરાત ફોરેસ્ટ્રી રિસર્ચ ફાઉન્ડેશન હેઠળ કાર્યરત સર્પ સંશોધન કેન્દ્ર દ્વારા તેલંગાણા સ્થિત રસી ઉત્પાદક કંપની 'મેસર્સ વિન્સ બાયોપ્રોડક્ટ્સ લિમિટેડ'ને ઝેરનો જથ્થો સોંપવામાં આવ્યો છે. વન વિભાગ દ્વારા સોંપવામાં આવેલા આ જથ્થામાં નીચે મુજબના ઝેરનો સમાવેશ થાય છે:

ભારતીય નાગ (Indian Cobra): 33.37 ગ્રામ

ખડચિતળો (Russell's Viper): 30.82 ગ્રામ

કાળોતરો (Common Krait): 2.67 ગ્રામ

ફુરસા (Saw-scaled Viper): 1.71 ગ્રામ

આ કંપની હવે ગુજરાત માટે ખાસ જીવનરક્ષક એન્ટી-વેનમ વેક્સિન તૈયાર કરવાની પ્રક્રિયા શરૂ કરશે અને તેનો પ્રથમ જથ્થો ટૂંક સમયમાં જ ગુજરાતને મળી જશે.

વન્યજીવોના હુમલા કરતાં સર્પદંશથી મોટો ખતરો: ચોંકાવનારા આંકડા
ગુજરાત ફોરેસ્ટ્રી રિસર્ચ ફાઉન્ડેશનના ડાયરેક્ટર એસ. કે. શ્રીવાસ્તવે પ્રદેશ-વિશિષ્ટ રસીની અનિવાર્યતા સમજાવતા ચોંકાવનારા આંકડા રજૂ કર્યા હતા. વર્ષ 2022ના ડેટા અનુસાર, દેશભરમાં અન્ય વન્યજીવોના હુમલામાં 550 લોકોના મોત થયા હતા, જેની સરખામણીએ સર્પદંશથી અંદાજે 65,000 લોકોએ જીવ ગુમાવ્યા હતા. ભારતમાં માનવ-વન્યજીવ સંઘર્ષમાં સર્પદંશ એ મૃત્યુનું સૌથી મોટું કારણ છે. જો સમયસર અને ભૌગોલિક રીતે અસરકારક એન્ટી-વેનમ મળી રહે, તો આમાંના મોટાભાગના દર્દીઓના જીવ બચાવી શકાય તેમ છે.

શા માટે પ્રદેશ-વિશિષ્ટ (Region-specific) એન્ટી-વેનમ જરૂરી છે?
વૈજ્ઞાનિક સંશોધનો અને નિષ્ણાતોના જણાવ્યા મુજબ, એક જ પ્રજાતિના સાપ હોવા છતાં ભૌગોલિક વિસ્તાર બદલાતા તેના ઝેરની અસરો અને બંધારણ બદલાઈ જાય છે. દેશના અન્ય રાજ્યોના સાપોના ઝેરમાંથી બનેલી રસી ગુજરાતના સ્થાનિક સાપોના ડંખ સામે પૂરેપૂરી અસરકારક નીવડતી નથી. સ્થાનિક સ્તરે જ તૈયાર થનારી આ નવી રસી દર્દીઓ પર વધુ અને ઝડપી અસર કરશે. પરિણામે, સારવાર દરમિયાન રસીનો ઓછો ડોઝ આપવો પડશે, દર્દીઓમાં ઓર્ગન ફેઇલ્યોર (અંગો નિષ્ફળ જવા) જેવી ગંભીર આડઅસરો અટકશે અને તેઓ ઝડપથી સાજા થઈ શકશે.

સ્થાનિક સાપોના ઝેર એકત્રીકરણ પર વિશેષ ધ્યાન
આ વૈજ્ઞાનિક પડકારને પહોંચી વળવા માટે જ સરકારે ધરમપુરમાં આ ખાસ કેન્દ્ર બનાવ્યું છે, જ્યાં સમગ્ર ગુજરાતમાંથી પકડેલા ઝેરી સાપો લાવીને તેમનું ઝેર એકઠું કરાય છે. સર્પ સંશોધન કેન્દ્રના વાઇસ-ચેરમેન અને સર્પદંશની સારવાર દ્વારા લાખો લોકોના જીવ બચાવનાર પ્રખ્યાત સર્જન ડૉ. ડી. સી. પટેલે જણાવ્યું કે, દૂરના વિસ્તારોના ઝેરમાંથી બનેલી એન્ટી-વેનમની મર્યાદાઓને કારણે જ આ સંસ્થા માત્ર ગુજરાતના સાપો પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે, જેથી રાજ્યના નાગરિકોને સૌથી સચોટ અને અત્યંત અસરકારક સારવાર મળી શકે.

  • ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો:Trishul News Gujarati
  • નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
  • વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
  • યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ:Trishul News YouTube

The post ગુજરાતમાં સર્પદંશની સારવારમાં મોટી ક્રાંતિ: સ્થાનિક સાપોના ઝેરમાંથી તૈયાર થશે 'પ્રદેશ-વિશિષ્ટ' એન્ટી-વેનમ રસી appeared first on Trishul News Gujarati.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Trishulnews