Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
કાગળ નહીં, હવે પ્લાસ્ટિકની નોટો! જાણો RBIના આ મોટા નિર્ણય પાછળનું કારણ અને ખાસિયતો

કાગળ નહીં, હવે પ્લાસ્ટિકની નોટો! જાણો RBIના આ મોટા નિર્ણય પાછળનું કારણ અને ખાસિયતો

Trishul news 4 months ago

Trishul News Gujarati

RBI Plastic Notes News:આજે દેશમાં ડિજિટલ પેમેન્ટ અને UPI નો વપરાશ રોકેટ ગતિએ વધી રહ્યો છે, તેમ છતાં આશ્ચર્યજનક રીતે બજારમાં રોકડની માંગ (RBI Plastic Notes News) પણ સતત રેકોર્ડ સ્તરે વધી રહી છે. આ વધતી માંગ અને ફાટેલી નોટોના ભારણને પહોંચી વળવા માટે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) ભારતીય ચલણમાં એક ક્રાંતિકારી ફેરફાર કરવા જઈ રહી છે.

RBI દેશમાં ફરી એકવાર પ્લાસ્ટિક એટલે કે પોલીમર બેંકનોટ્સ (Polymer Banknotes) લોન્ચ કરવાની યોજના પર ગંભીરતાથી કામ કરી રહી છે.

તાજેતરમાં પટના અને મુંબઈ ખાતે યોજાયેલી RBIની સેન્ટ્રલ બોર્ડ મીટિંગમાં આ અંગે વિસ્તૃત ચર્ચા થઈ છે અને ખૂબ જ ટૂંક સમયમાં તેનો પાયલોટ પ્રોજેક્ટ શરૂ થઈ શકે છે.

શા માટે RBI કાગળની નોટો બદલવા મજબૂર થઈ?
દેશમાં રોકડનો વપરાશ વધવાની સાથે રિઝર્વ બેંક પર આર્થિક અને ઓપરેશનલ બોજ અસહ્ય બની રહ્યો છે. આ નિર્ણય પાછળ મુખ્યત્વે નીચેના ત્રણ પરિબળો જવાબદાર છે:

નોટો છાપવાનો જંગી ખર્ચ:RBI ના વાર્ષિક અહેવાલ મુજબ, નાણાકીય વર્ષ 2024-25 માં બેંકનોટ છાપવાનો ખર્ચ તીવ્ર ઉછાળા સાથે ₹૬,૩૭૨.૮ કરોડ પર પહોંચી ગયો છે, જે અગાઉના વર્ષે ₹5,101.4 કરોડ હતો.

રોકડની રેકોર્ડ માંગ: દેશમાં ચલણમાં રહેલી કુલ રોકડ મે મહિનાના મધ્ય સુધીમાં 42.86 ટ્રિલિયન ના રેકોર્ડ સ્તરે પહોંચી ગઈ છે, જે વાર્ષિક ધોરણે 11.5% નો મોટો વધારો દર્શાવે છે.

ખરાબ થયેલી નોટોનો નિકાલ: માત્ર એક જ વર્ષમાં બજારમાંથી ૨૩.૮ અબજ જેટલી મેલી કે ફાટેલી નોટો પાછી ખેંચવી પડી હતી, જેમાં સૌથી વધુ હિસ્સો ₹500 ની નોટોનો હતો.

કાગળ કરતાં પોલીમર (પ્લાસ્ટિક) નોટો કેટલી ચડિયાતી? જાણો તેના ફાયદા
પરંપરાગત કપાસ આધારિત કાગળની નોટોની સરખામણીમાં પોલીમર નોટો લાંબા ગાળે વધુ સસ્તી અને સુરક્ષિત સાબિત થાય છે:

વધુ ટકાઉ અને મજબૂત: વૈશ્વિક રિપોર્ટ્સ અનુસાર, પ્લાસ્ટિકની નોટો કાગળની નોટો કરતાં 2.5 થી 4 ગણી વધુ ટકે છે અને તે સરળતાથી ફાટતી નથી.

હવામાન અને ગંદકીથી સુરક્ષિત:આ નોટો ખાસ પ્રકારની બાય-એક્સિઅલી ઓરિએન્ટેડ પોલીપ્રોપીલિન ફિલ્મ થી બને છે. જેના કારણે તેના પર પાણી, ભેજ, કાદવ કે બેક્ટેરિયાની કોઈ અસર થતી નથી. તેને પાણીથી ધોઈ પણ શકાય છે.

નકલી નોટો પર લગામ:પોલીમર નોટોમાં અદ્યતન સિક્યોરિટી ફીચર્સ અને ખાસ પ્રકારની સ્યાહી (Ink) નો ઉપયોગ થાય છે, જેથી તેની નકલ કે ડુપ્લિકેટ નોટો બનાવવી અશક્ય બની જાય છે.

લાંબા ગાળે આર્થિક બચત:જો કે પ્લાસ્ટિક નોટો છાપવાનો પ્રારંભિક ખર્ચ સામાન્ય નોટો કરતા બમણો થાય છે, પરંતુ તે લાંબો સમય ચાલતી હોવાથી લાંબા ગાળે સરકારના હજારો કરોડ રૂપિયા બચે છે.

ભારતમાં અગાઉ પણ થયો હતો પ્રયાસ, તો આ વખતે શું બદલાયું?
ભારતમાં પ્લાસ્ટિક નોટો લાવવાનો આ પહેલો પ્રયાસ નથી. આ પૂર્વે ઓક્ટોબર ૨૦૦૯ માં RBI એ ₹10 ની 1 અબજ પ્લાસ્ટિક નોટો બહાર પાડવા વૈશ્વિક ટેન્ડર બહાર પાડ્યું હતું. ત્યારબાદ 2015-16માં દેશના પાંચ અલગ-અલગ આબોહવા ધરાવતા શહેરો-મૈસૂર, શિમલા, જયપુર, કોચી અને ભુવનેશ્વરમાં આ નોટોનું ફિલ્ડ ટ્રાયલ કરવાનું આયોજન હતું.

પરંતુ તે સમયે ટેકનિકલ ખામીઓ અને ATM ઓપરેશનલ સમસ્યાઓને કારણે પ્રોજેક્ટ પડતો મૂકવો પડ્યો હતો. હવે RBI નું માનવું છે કે આપણું બેંકિંગ ઈકોસિસ્ટમ અને ATM ઓથેન્ટિકેશન સિસ્ટમ સંપૂર્ણપણે અપગ્રેડ થઈ ચૂકી છે, જેથી આ પાયલોટ પ્રોજેક્ટ હવે સરળતાથી સફળ થઈ શકશે.

વિશ્વના આ દેશો વર્ષોથી વાપરે છે પ્લાસ્ટિક મની
વિશ્વમાં સૌથી પહેલા 1988 માં ઓસ્ટ્રેલિયાએ પોલીમર નોટો રજૂ કરી હતી અને 1996 સુધીમાં તે સંપૂર્ણપણે પ્લાસ્ટિક કરન્સી પર શિફ્ટ થઈ ગયું હતું. આજે ઓસ્ટ્રેલિયા ઉપરાંત બ્રિટન (UK), કેનેડા, ન્યુઝીલેન્ડ, વિયેતનામ, માલદીવ્સ, રોમાનિયા અને બ્રુનેઈ જેવા વિશ્વના અનેક પ્રગતિશીલ દેશો કાગળને બદલે પ્લાસ્ટિકની નોટોનો જ સફળતાપૂર્વક ઉપયોગ કરી રહ્યા છે. હવે આ યાદીમાં ટૂંક સમયમાં ભારતનું નામ પણ જોડાઈ શકે છે.

  • ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો:Trishul News Gujarati
  • નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
  • વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
  • યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ:Trishul News YouTube

The post કાગળ નહીં, હવે પ્લાસ્ટિકની નોટો! જાણો RBIના આ મોટા નિર્ણય પાછળનું કારણ અને ખાસિયતો appeared first on Trishul News Gujarati.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Trishulnews