Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
મહેસાણાના બોરિયાવીમાં બિરાજમાન 500 વર્ષ જૂના 'મસિયા મહાદેવ', જ્યાં મીઠું અને મરી ચડાવવાથી મટે છે મસાનો રોગ!

મહેસાણાના બોરિયાવીમાં બિરાજમાન 500 વર્ષ જૂના 'મસિયા મહાદેવ', જ્યાં મીઠું અને મરી ચડાવવાથી મટે છે મસાનો રોગ!

Trishul news 1 week ago

Trishul News Gujarati

Masia Mahadev Temple: મહેસાણા-અમદાવાદ હાઈવે પર મેવડથી માત્ર ત્રણ કિલોમીટરના અંતરે આવેલા બોરિયાવી ગામે બિરાજમાન 'મસિયા મહાદેવ'નું મંદિર અદ્ભુત આસ્થા અને ચમત્કારનું કેન્દ્ર છે. લોકવાયકા મુજબ, અહીં મહાદેવ સ્વયંભૂ શિવલિંગ સ્વરૂપે પ્રગટ થયા છે (Masia Mahadev Temple) અને આ પૌરાણિક શિવાલય અંદાજે 500 વર્ષ જૂનું હોવાની માન્યતા છે.

આ મંદિરમાં ભગવાનને મીઠું, મરી અને ગોળનો વિશેષ પ્રસાદ ધરવામાં આવે છે. ખાસ કરીને, અહીં શ્રદ્ધાળુઓ મસા મટવા માટે બાધા રાખતા હોય છે અને શ્રાવણ મહિના દરમિયાન અહીં દર્શનાર્થીઓની અદ્ભુત ભીડ જામે છે.

આ મંદિરના ઇતિહાસ પાછળ એક રસપ્રદ પૌરાણિક કથા જોડાયેલી છે. વર્ષો પહેલાં ગામની પશ્ચિમે 6 કિલોમીટર દૂર આવેલા ખારા ગામની ટેકરીના મહંતની ઘોડીને મસો થયો હતો. અસંખ્ય ઉપચારો છતાં ઘોડીનો મસો મટતો નહોતો, જેના કારણે મહંત ચિંતામાં રહેતા હતા. એક રાત્રે મહંતને સ્વપ્ન આવ્યું કે બોરિયાવી ગામની ઉત્તર બાજુએ વાયવ્ય ખૂણામાં આવેલા આંબલીના વૃક્ષ નીચે કંથેરનું ઝાડું અને ઉકરડો છે, તે જગ્યા સાફ કરાવીને મીઠાની ગુણ ચડાવવાથી ઘોડીનો મસો મટી જશે.

મહંતે દ્રઢ આસ્થા સાથે સ્વપ્નમાં દર્શાવ્યા મુજબ તે જગ્યાએ સફાઈ કામ શરૂ કરાવ્યું. આ દરમિયાન જમીન ખોદતી વખતે કોદાળી વાગવાથી લોહીની ધારા વહી હતી અને ત્યાંથી સ્વયંભૂ શિવલિંગ પ્રગટ થયું હતું. આ ચમત્કાર બાદ ત્યાં વિધિવત પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવી અને લોકો ભક્તિભાવથી પૂજા-અર્ચના કરવા લાગ્યા. ધીમે-ધીમે આ મહાદેવની ખ્યાતિ ગામેગામ ફેલાઈ ગઈ અને લોકો ચામડીના રોગ એટલે કે મસા મટાડવા માટે અહીં બાધા-માનતા રાખવા લાગ્યા, જે ભક્તોની શ્રદ્ધા મુજબ સાચી પડતી ગઈ.

શ્રાવણ મહિના દરમિયાન આ શિવાલયમાં વિશેષ ઉત્સવ જેવું વાતાવરણ જોવા મળે છે. મહિનાના દરેક સોમવારે અહીં દર્શનાર્થીઓની ભારે ભીડ રહે છે અને નાનો મેળો ભરાય છે. ખાસ કરીને શ્રાવણ અમાવસ્યાના દિવસે ગામમાં મસિયા મહાદેવની એક ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવે છે, જેમાં આજુબાજુના હજારો ગામલોકો ઉત્સાહભેર જોડાય છે. આ શોભાયાત્રા સમગ્ર ગામમાં ફરી છે, જ્યાં સેવાભાવી લોકો દ્વારા લીંબુ શરબતના કેમ્પ લગાવીને ભક્તોની સેવા કરવામાં આવે છે.

ભક્તજનોની આસ્થા અને મહાદેવની કૃપાથી ગામના જ એક વતની દ્વારા અહીં એક ભવ્ય શિવાલયનું નિર્માણ કરાવવામાં આવ્યું છે. સમયની સાથે આ મંદિર સંકુલમાં ભક્તોની સુવિધા માટે સત્સંગ હોલ, કોમ્યુનિટી હોલ અને ધર્મશાળા જેવી આધુનિક સુવિધાઓ પણ વિકસાવવામાં આવી છે.

  • ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો:Trishul News Gujarati
  • નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
  • વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
  • યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ:Trishul News YouTube
Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Trishulnews