Trishul News Gujarati
Surat Rander News:સુરતના રાંદેર વિસ્તારમાં આવેલા ભેસાણ ગામે એક અત્યંત કરુણ અને હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. અહીં મોરાભાગળ સ્થિત સ્વામિનારાયણ (Surat Rander News) સ્કૂલમાં ધોરણ 8માં અભ્યાસ કરતા 13 વર્ષીય માસૂમ કિશોરે સામાન્ય બાબતમાં ક્ષણિક આવેશમાં આવીને પોતાનું જીવન ટૂંકાવી લીધું છે. આ અચાનક બનેલી દુર્ઘટનાથી સમગ્ર પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે અને આસપાસના વિસ્તારમાં પણ ભારે શોકનું મોજું ફરી વળ્યું છે.
ઘટનાની વિગતો મુજબ, ઘરમાં ભાઈ-બહેન વચ્ચે સામાન્ય મસ્તી અને નોખી-ઝોકી ચાલી રહી હતી. આ દરમિયાન માતાએ બંને બાળકોને મસ્તી કરવાની ના પાડીને સામાન્ય ઠપકો આપ્યો હતો. માતાનો આ નાનો અમથો ઠપકો કિશોરના મન પર લાગી આવ્યો હતો અને તેને ભારે આઘાત લાગ્યો હતો. આ જ ક્ષણિક આવેશમાં આવીને તેણે ઘરના દાદર (સીડી)ની ગ્રીલ સાથે ગળે ફાંસો ખાઈને પોતાની જીવનલીલા સંકેલી લીધી હતી.
ઘટનાના સમયે માતા પોતાનું કામ પતાવીને કે કાર્ડ લેવા માટે બહાર ગઈ હતી. માત્ર 15થી 20 મિનિટના ટૂંકા સમયગાળામાં જ આ હૃદયદ્રાવક ઘટના ઘટી હતી. જ્યારે માતા થોડી જ વારમાં ઘરે પરત ફરી ત્યારે પુત્રને આ હાલતમાં જોઈને સ્તબ્ધ થઈ ગઈ હતી. પરિવારજનોની નજર બાળક પર પડતાં જ તેમના પગ તળેથી જમીન સરકી ગઈ હતી અને આખો પરિવાર આઘાતમાં સરી પડ્યો હતો.
આ દુર્ઘટના બાદ મૃતક કિશોરના સંબંધી રાકેશભાઈએ ભારે દુઃખ સાથે અન્ય વાલીઓ માટે એક મહત્વનો સંદેશ આપ્યો છે. તેમણે જણાવ્યું હતું કે, ઘરમાં બાળકો સામાન્ય મસ્તી કરતા હોય છે અને બેને તેમને ઠપકો આપ્યો હતો, પરંતુ આટલી ટૂંકી વારસમાં અનિચ્છનીય બનાવ બન્યો. તેમણે તમામ મા-બાપને અપીલ કરી છે કે તેઓ પોતાના બાળકોને મોબાઈલ ફોનથી દૂર રાખે અને તેમની માનસિક સ્થિતિની વિશેષ કાળજી રાખે.
આ અરેરાટીભરી ઘટનાની જાણ થતાં જ રાંદેર પોલીસ મથકનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે બાળકના મૃતદેહનો કબ્જો મેળવી પંચનામું કરી પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડ્યો હતો. હાલ રાંદેર પોલીસે આ મામલે અકસ્માતે મોતનો ગુનો નોંધીને આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે. નાની વયના બાળકોમાં વધતો જતો આવેશ અને માનસિક સંવેદનશીલતા આ ઘટના બાદ એક ગંભીર ચિંતાનો વિષય બન્યા છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો:Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ:Trishul News YouTube

