Trishul News Gujarati
Deesa Talati bribe case:ગુજરાતમાં ભ્રષ્ટાચારી અને લાંચિયા બાબુઓ પર લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો (ACB) સતત સકંજો કસી રહી છે. છાશવારે લાંચ લેનારા સરકારી કર્મચારીઓ (Deesa Talati bribe case)એસીબીના સકંજામાં આવતા હોય છે, ત્યારે બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકામાં એસીબીએ મોટી કાર્યવાહી કરી છે. ડીસાના રામપુરા (દામા) ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી લાંચ લેતા ઝડપાતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે.
15 હજારની લાંચની માંગણી
મળતી વિગતો મુજબ, રામપુરા (દામા) ગ્રામ પંચાયતમાં તલાટી કમ મંત્રી તરીકે ફરજ બજાવતા કીર્તી પ્રજાપતિએ ફરિયાદી પાસે વિકાસ કામોના બાકી બિલ પાસ કરવાના બદલામાં 15,000 રૂપિયાની લાંચની માંગણી કરી હતી. ફરિયાદી આ રકમ આપવા માંગતા ન હોવાથી તેમણે હિંમત બતાવીને એસીબીનો સંપર્ક સાધ્યો હતો અને તલાટી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.
એસીબીનું છટકું અને ધરપકડ
ફરિયાદના આધારે એસીબીની ટીમે ડીસામાં છટકું ગોઠવ્યું હતું. આ ટ્રેપ દરમિયાન તલાટી કીર્તી પ્રજાપતિ ફરિયાદી સાથે લાંચના હેતુસર વાતચીત કરતા અને 15 હજાર રૂપિયાની લાંચની રકમ સ્વીકારતા રંગેહાથે પકડાઈ ગયા હતા. એસીબીએ લાંચની રકમ જપ્ત કરી તલાટી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનાએ ફરી એકવાર સાબિત કર્યું છે કે ભ્રષ્ટાચાર સામે જાગૃત નાગરિકો અને પોલીસની સતર્કતા અનિવાર્ય છે.

