Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ન્યૂયોર્કમાં UN મુખ્યાલયની બહાર તિબેટીયન સમર્થકનો આત્મદાહ: 'ચીન તિબેટ છોડો'ની માંગ સાથે આપ્યો જીવ

ન્યૂયોર્કમાં UN મુખ્યાલયની બહાર તિબેટીયન સમર્થકનો આત્મદાહ: 'ચીન તિબેટ છોડો'ની માંગ સાથે આપ્યો જીવ

Trishul news 1 week ago

Trishul News Gujarati

Tibetan Self Immolation: અમેરિકાના ન્યૂયોર્કમાં આવેલી સંયુક્ત રાષ્ટ્ર (UN) મુખ્યાલયની બહાર એક અત્યંત ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં એક 52 વર્ષીય વ્યક્તિએ હાથમાં તિબેટીયન ધ્વજ (Tibetan Self Immolation)સાથે પોતાને આગ લગાડી દીધી હતી. ઘટનાની જાણ થતાં જ પોલીસ અને ઇમરજન્સી સેવાઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને ગંભીર રીતે દાઝી ગયેલા વ્યક્તિને હોસ્પિટલ ખસેડ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું.

ન્યૂયોર્ક પોલીસ વિભાગ (NYPD)ના જણાવ્યા અનુસાર, મૃતકની સત્તાવાર ઓળખ હજુ જાહેર કરવામાં આવી નથી, પરંતુ પ્રાથમિક અહેવાલો મુજબ તે વ્યક્તિ છેલ્લા 20 વર્ષથી અમેરિકામાં રહેતો હતો અને તેનું નામ લોબગા રાંગજેન હોવાનું મનાય છે. ઘટનાસ્થળેથી 'ચાઇના આઉટ ઓફ તિબેટ' (ચીન તિબેટ છોડો) લખેલી પત્રિકાઓ પણ મળી આવી છે.

આત્મદાહનો આઘાતજનક ઇતિહાસ અને વિરોધનું કારણ

ચીનના તિબેટ પરના નિયંત્રણ અને દમનના વિરોધમાં આત્મદાહ કરવાની આ કોઈ પ્રથમ ઘટના નથી. વર્ષ 2009થી અત્યાર સુધીમાં 150થી વધુ તિબેટીયનોએ પોતાને આગ લગાડીને જીવ આપ્યા છે, જેમાં બૌદ્ધ ભિક્ષુઓ, વિદ્યાર્થીઓ અને સામાન્ય નાગરિકો સામેલ છે. તિબેટી સંગઠનોનું કહેવું છે કે લોકો ચીની શાસનનો વિરોધ કરવા, દલાઈ લામાની વતન વાપસી અને પોતાની ધાર્મિક-સાંસ્કૃતિક આઝાદીની માંગ સાથે આ આત્યંતિક પગલું ભરે છે. બીજી તરફ, ચીનનો આરોપ છે કે આ ઘટનાઓ પાછળ નિર્વાસિત તિબેટી નેતૃત્વ લોકોને ભડકાવે છે.

તિબેટ વિવાદને સમજવા માટેના મુખ્ય પ્રશ્નોત્તરી

તિબેટ વિવાદ વાસ્તવમાં શું છે?

જવાબ: આ વિવાદ ચીન અને તિબેટીયન સમુદાય વચ્ચે તિબેટની રાજકીય સ્થિતિ અને સાંસ્કૃતિક ઓળખને લઈને છે. ચીન તિબેટને પોતાનો જ એક ભાગ ગણાવે છે, જ્યારે તિબેટીયનોનું કહેવું છે કે તિબેટ હંમેશાં એક અલગ ઓળખ અને મુક્ત શાસન વ્યવસ્થા ધરાવતો પ્રદેશ રહ્યો છે, જેના પર 1950માં ચીની સેનાએ બળજબરીથી નિયંત્રણ મેળવ્યું હતું.

ચીન તિબેટ પર પોતાનો હિસ્સો કેમ જતાવ્યા કરે છે?

જવાબ: બીજિંગનો દાવો છે કે 13મી સદીમાં યુઆન (મંગોલ) રાજવંશના સમયથી જ તિબેટ ચીનનો હિસ્સો રહ્યું છે. ચીન અનુસાર, 23 મે 1951ના રોજ થયેલા '17-પોઇન્ટ એગ્રીમેન્ટ' દ્વારા તિબેટ સત્તાવાર રીતે ચીનમાં સામેલ થયું હતું. ચીન આ ઘટનાને "તિબેટની શાંતિપૂર્ણ મુક્તિ" (Peaceful Liberation) તરીકે ઓળખાવે છે.

તિબેટીયનોની મુખ્ય માંગણીઓ શું છે?

જવાબ: તિબેટીયન સમુદાયના મતે 1951નો કરાર દબાણ હેઠળ કરાવવામાં આવ્યો હતો, તેથી તે અમાન્ય છે. હાલમાં, દલાઈ લામા અને નિર્વાસિત નેતૃત્વ સંપૂર્ણ સ્વતંત્રતાને બદલે 'વાસ્તવિક સ્વાયત્તતા' (Real Autonomy)ની માંગ કરે છે, જેથી તેઓ પોતાની ભાષા, ધર્મ, સંસ્કૃતિ અને સ્થાનિક વહીવટનું રક્ષણ કરી શકે. જોકે, કેટલાક સંગઠનો હજુ પણ પૂર્ણ આઝાદીની જીદ પર અડગ છે.

'નિર્વાસિત તિબેટીયન સરકાર' એટલે શું?

જવાબ: 1959માં ચીન સામેના વિદ્રોહ બાદ, ભારતના હિમાચલ પ્રદેશના ધર્મશાલામાં 'સેન્ટ્રલ ટિબેટન એડમિનિસ્ટ્રેશન' (CTA)ની સ્થાપના કરવામાં આવી, જેને સામાન્ય ભાષામાં નિર્વાસિત સરકાર કહે છે. આ સંસ્થા વિશ્વભરના તિબેટીયન શરણાર્થીઓના શિક્ષણ અને સંસ્કૃતિનું સંચાલન કરે છે. તેની પોતાની સંસદ અને ચૂંટાયેલા પ્રમુખ પણ છે, પરંતુ ભારત કે યુએન સહિત કોઈ દેશ તેને સાર્વભૌમ સરકાર તરીકે સત્તાવાર માન્યતા આપતો નથી.

ઇતિહાસના પાના પરથી: દલાઈ લામાનું ભારત આગમન

વર્તમાન 14મા દલાઈ લામા તેનઝિન ગ્યાત્સો 1959માં તિબેટમાં ફાટી નીકળેલા ભયાનક ચીની વિદ્રોહ વચ્ચે પોતાનો જીવ બચાવીને ભારત આવ્યા હતા. માર્ચ 1959માં જ્યારે ચીની સેના તેમના 'પોતાલા મહેલ' સુધી પહોંચી ગઈ, ત્યારે તેમણે સામાન્ય સૈનિકનો વેશ ધારણ કરીને રાતના અંધારામાં મહેલ છોડવો પડ્યો હતો.

  • ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો:Trishul News Gujarati
  • નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
  • વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
  • યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ:Trishul News YouTube

The post ન્યૂયોર્કમાં UN મુખ્યાલયની બહાર તિબેટીયન સમર્થકનો આત્મદાહ: 'ચીન તિબેટ છોડો'ની માંગ સાથે આપ્યો જીવ appeared first on Trishul News Gujarati.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Trishulnews