અમેરિકા અને ઈરાન વચ્ચેના તણાવ વચ્ચે હવે રાજદ્વારી મોરચે નવા દાવા અને પ્રતિવાદ સામે આવ્યા છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો છે કે ઈરાને અમેરિકા સાથે વાતચીત કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે અને આગામી 48 કલાકમાં સ્થિતિ વધુ સ્પષ્ટ થઈ જશે. જોકે બીજી તરફ ઈરાને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે અમેરિકા સાથે કોઈ સીધી વાતચીત ચાલી રહી નથી અને હાલ માત્ર ઓમાન સાથે જ ચર્ચા થઈ રહી છે.
ડોનાલ્ડ ટ્રમ્પના જણાવ્યા અનુસાર, ઈરાને અમેરિકા સાથે સંપર્ક કરીને વાતચીત શરૂ કરવાની તૈયારી દર્શાવી છે. તેમણે કહ્યું કે જો ઈરાન સમજૂતી તરફ આગળ વધે તો તે તેના માટે ફાયદાકારક રહેશે. ટ્રમ્પે વધુમાં જણાવ્યું કે બંને દેશો વચ્ચેની ચર્ચામાં નોંધપાત્ર પ્રગતિ થઈ છે અને આગામી 48 કલાકમાં સમગ્ર પરિસ્થિતિ વધુ સ્પષ્ટ બનશે. જોકે ઈરાને આ દાવાને ફગાવી દીધો છે અને જણાવ્યું છે કે અમેરિકા સાથે કોઈ સીધી વાટાઘાટો ચાલી રહી નથી.
હોર્મુઝ સ્ટ્રેટ મુદ્દે ઓમાન સાથે ચર્ચા
CNNના અહેવાલ મુજબ, ઈરાને જણાવ્યું છે કે હોર્મુઝ સ્ટ્રેટમાં જહાજોની અવરજવર માટે નવા માર્ગ અંગે માત્ર ઓમાન સાથે ચર્ચા થઈ રહી છે. ઈરાનના વિદેશ મંત્રાલયે જણાવ્યું છે કે આ પ્રક્રિયામાં અમેરિકા અથવા કોઈ ત્રીજા પક્ષે દખલ ન કરવી જોઈએ. ઈરાન અને ઓમાન સંયુક્ત રીતે દરિયાઈ વ્યવસ્થાનું સંચાલન કરે તેવી શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. ટ્રમ્પે પણ હોર્મુઝ સ્ટ્રેટને ફરીથી ખુલ્લું કરવા અંગે ટૂંક સમયમાં સમજૂતી થવાની આશા વ્યક્ત કરી છે.
કરારથી તેલ બજારને મળી શકે રાહત
માહિતી મુજબ, ઈરાન અને ઓમાન વચ્ચે સંઘર્ષ ઘટાડવા માટે એક કરારનો મુસદ્દો તૈયાર કરવામાં આવ્યો છે, જેને અંતિમ મંજૂરી મળવાની બાકી છે. આ કરાર અમલમાં આવે તો વૈશ્વિક તેલ પુરવઠો ફરી સામાન્ય થઈ શકે તેવી અપેક્ષા છે. બીજી તરફ, લાંબા સમયથી ચાલતા તણાવને કારણે અમેરિકામાં શસ્ત્રોની ઉપલબ્ધતા અને સૈન્ય નુકસાન અંગે પણ ચિંતા વ્યક્ત થઈ રહી છે. આવી સ્થિતિમાં ટ્રમ્પ પ્રશાસન આર્થિક અને લશ્કરી નુકસાન ઘટાડવા માટે રાજદ્વારી સમજૂતીને પ્રાથમિકતા આપી રહ્યું હોવાની ચર્ચા છે. જોકે બંને દેશોના સત્તાવાર નિવેદનોમાં સ્પષ્ટ વિરોધાભાસ જોવા મળતા આગામી 48 કલાક પર સમગ્ર વિશ્વની નજર ટકેલી છે.

