ભાવેશ રાજપૂત, અમદાવાદઅમદાવાદ શહેરમાં ગુનેગારોનો ભય ઓછો કરવા અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ મજબૂત કરવા માટે સતત કાર્યરત ક્રાઈમ બ્રાન્ચની ટીમ પર એક ચોંકાવનારો જીવલેણ હુમલો થવાની ઘટના સામે આવી છે. અમદાવાદના દાણીલીમડા વિસ્તારમાં આવેલા ચંડોળા તળાવ પાસે ક્રાઈમ બ્રાન્ચની ટીમ એક વોન્ટેડ અને રીઢા ગુનેગારને પકડવા ગઈ હતી, જ્યાં કુખ્યાત આરોપી દ્વારા પોલીસ ટીમ પર છરી વડે સીધો હુમલો કરવામાં આવ્યો હતો.
1. હિસ્ટ્રીશીટર કલીમને પકડવા ગયેલી ટીમ પર ઓચિંતો હુમલોચંડોળા તળાવ વિસ્તારમાં કુખ્યાત હિસ્ટ્રીશીટર કલીમ હાજર હોવાની ચોક્કસ બાતમી ક્રાઈમ બ્રાન્ચને મળી હતી. કલીમ અગાઉ પણ અનેક ગંભીર ગુનાઓમાં સંડોવાયેલો છે અને તેની પાસેથી અગાઉ ચાર જેટલા ઘાતક હથિયારો પણ ઝડપાઈ ચૂક્યા છે. આ હથિયારધારી અને જોખમી ગુનેગારને દબોચી લેવા માટે ક્રાઈમ બ્રાન્ચના જોઈન્ટ કમિશનર ઓફ પોલીસ શરદ સિંઘલના સીધા માર્ગદર્શન હેઠળ એક ખાસ ટીમ ઓપરેશન માટે પહોંચી હતી.
પોલીસે જેવી કલીમની ઘેરાબંધી શરૂ કરી, કે તરત જ આરોપી અને તેના સાગરિતોએ પોલીસ પક્ષ પર હુમલો કરી દીધો હતો. અચાનક થયેલા આ હુમલામાં JCP શરદ સિંઘલ અને તેમની ટીમનો જીવ જોખમમાં મુકાયો હતો.
2. સ્વબચાવમાં પોલીસનું ફાયરિંગ: આરોપીના પગમાં વાગી ગોળીસ્થિતિ વધુ વણસતી જોઈ અને પોતાના સ્ટાફ તેમજ સ્વબચાવ કાજે ક્રાઈમ બ્રાન્ચના ઉચ્ચ અધિકારીઓ દ્વારા તુરંત એક્શન લેવામાં આવી હતી. પોલીસે હવામાં અને ત્યારબાદ આરોપી તરફ ફાયરિંગ કરવું પડ્યું હતું. આ અથડામણ દરમિયાન પોલીસની ગોળી હિસ્ટ્રીશીટર કલીમના પગમાં વાગતા તે જમીન પર ઢળી પડ્યો હતો. ગોળી વાગવાના કારણે ઘાયલ થયેલા કલીમને તાત્કાલિક પોલીસ બંદોબસ્ત હેઠળ નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે, જ્યાં હાલ તેની સ્થિતિ સ્થિર હોવાનું જાણવા મળ્યું છે.
3. અગાઉ ઘાતક હથિયારો સાથે ઝડપાયો હતો કલીમપોલીસ રેકોર્ડ મુજબ, કલીમ કોઈ સામાન્ય ગુનેગાર નથી પરંતુ આ વિસ્તારનો માથાભારે તત્વ છે. અગાઉ તેની ધરપકડ દરમિયાન પોલીસને તેની પાસેથી 4 જેટલા અત્યંત ઘાતક ગેરકાયદેસર હથિયારો મળી આવ્યા હતા. તે કોઈ મોટી ગેંગવોર કે ગંભીર ગુનાને અંજામ આપવાની ફિરાકમાં રહેતો હતો.
વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્તઆ ઘટના બાદ ચંડોળા તળાવ અને તેની આસપાસના વિસ્તારોમાં ભારે તંગદિલી વ્યાપી ગઈ હતી. પરિસ્થિતિ પર કાબૂ મેળવવા માટે ક્રાઈમ બ્રાન્ચ સહિત સ્થાનિક પોલીસનો મોટો કાફલો ઘટનાસ્થળે ઉતારી દેવામાં આવ્યો છે. પોલીસ પર હુમલો કરનારા અન્ય સ્થાનિક સાગરીતો અને પથ્થરમારો કરનારા તત્વોને સીસીટીવી અને વીડિયો ફૂટેજના આધારે ઓળખી કાઢી તેમની સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.

