અમેરિકાની 100 ટકા ટેરિફની ચેતવણી છતાં ભારતે રશિયા પાસેથી રેકોર્ડબ્રેક ક્રૂડ ઓઈલ કેમ ખરીદ્યું? જુલાઈ મહિનાના આંકડાઓએ વૈશ્વિક ઊર્જા બજારમાં નવી ચર્ચા જગાવી છે. પ્રથમ વખત ભારતની કુલ ક્રૂડ ઓઈલ આયાતમાં રશિયાનો હિસ્સો 50 ટકાથી વધુ થયો છે. આ નિર્ણય માત્ર વેપાર પૂરતો જ નહીં. પરંતુ ભારતની ઊર્જા સુરક્ષા અને વ્યૂહાત્મક નીતિ માટે પણ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે.
જુલાઈ મહિનામાં ભારતે દરરોજ અંદાજે 50 લાખ બેરલ ક્રૂડ ઓઈલની આયાત કરી હતી. તેમાં રશિયા પાસેથી દરરોજ લગભગ 27થી 28 લાખ બેરલ ક્રૂડ ઓઈલ ખરીદવામાં આવ્યું હતું. આ સાથે પ્રથમ વખત ભારતની કુલ ક્રૂડ આયાતમાં રશિયાનો હિસ્સો 50 ટકાથી વધુ પહોંચી ગયો છે. અગાઉ ભારત માટે યુએઈ અને સાઉદી અરેબિયા મુખ્ય સપ્લાયર રહ્યા હતા, પરંતુ હવે બંને દેશોનો સંયુક્ત પુરવઠો પણ રશિયા કરતાં ઓછો રહ્યો છે. આ બદલાવ ભારતની આયાત નીતિમાં મહત્વપૂર્ણ ફેરફાર તરીકે જોવામાં આવી રહ્યો છે.
ટેરિફની ધમકી વચ્ચે પણ કેમ ચાલુ રહી ખરીદી?
એક તરફ અમેરિકા રશિયા પાસેથી ક્રૂડ ઓઈલ ખરીદનારા દેશો પર 100 ટકા ટેરિફ લાદવાની ચેતવણી આપી રહ્યું છે, ત્યારે બીજી તરફ ભારતે રશિયા પાસેથી મોટા પ્રમાણમાં આયાત ચાલુ રાખી છે. ઊર્જા ક્ષેત્રના નિષ્ણાતોનું માનવું છે કે ભારતે પોતાની ઊર્જા સુરક્ષાને પ્રાથમિકતા આપી છે. ડિસ્કાઉન્ટ દરે મળતા રશિયન ક્રૂડના કારણે દેશના આયાત ખર્ચમાં રાહત મળી રહી છે અને રાજકોષીય ખાધને નિયંત્રણમાં રાખવામાં પણ મદદ મળી રહી છે. પશ્ચિમ એશિયામાં વધતી ભૂરાજકીય અનિશ્ચિતતા વચ્ચે રશિયા ભારત માટે વિશ્વસનીય ઊર્જા ભાગીદાર તરીકે ઉભરી આવ્યું છે.

