પરેશ પરમાર, અમરેલીઅમરેલી જિલ્લા સેવા સદન કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા સમગ્ર વહીવટી તંત્ર અને પોલીસ વિભાગમાં ભારે દોડધામ મચી ગઈ છે. કચેરીને પોસ્ટ મારફતે એક ધમકીભર્યો પત્ર મળતા કર્મચારીઓ અને મુલાકાતીઓમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. ધમકી મળતાની સાથે જ પોલીસ તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે અને કચેરી પરિસરમાં સઘન તપાસ હાથ ધરવામાં આવી છે.
તંત્ર દ્વારા અફવાઓથી દૂર રહેવા અપીલઆ ઘટના બાદ અમરેલી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નાગરિકોને અફવાઓ પર ધ્યાન ન આપવા અપીલ કરવામાં આવી છે. પોલીસ અધિકારીઓના જણાવ્યા મુજબ, અત્યાર સુધીની તપાસમાં કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવી નથી, છતાં સુરક્ષાને લઈને કોઈ બાંધછોડ કરવામાં આવશે નહીં. પત્ર લખનારને શોધી કાઢવા માટે સાયબર સેલની પણ મદદ લેવામાં આવી રહી છે, જેથી આવા કૃત્ય કરનાર વ્યક્તિ સામે કડકમાં કડક કાયદાકીય કાર્યવાહી કરી શકાય.

