Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Amreli Rain: અમરેલીમાં વરસાદનો કહેર! કારની છત પર 5 કલાક જીવ બચાવવા બેઠો યુવક, બીજી તરફ 9 લોકો નદીના પાણી વચ્ચે ફસાયા

Amreli Rain: અમરેલીમાં વરસાદનો કહેર! કારની છત પર 5 કલાક જીવ બચાવવા બેઠો યુવક, બીજી તરફ 9 લોકો નદીના પાણી વચ્ચે ફસાયા

રેશ પરમાર, અમરેલીસાવરકુંડલામાં કાર અને ક્રેન પાણીમાં તણાતા યુવકનો જીવ જોખમમાં, લીલીયામાં શેત્રુંજીના પાણી વચ્ચે પરિવાર ફસાતાં તંત્ર એલર્ટ
અમરેલી જિલ્લામાં સતત વરસી રહેલા ભારે વરસાદે અનેક વિસ્તારોમાં મુશ્કેલી ઊભી કરી છે. સાવરકુંડલાના જુના સાવર ગામે પાણીના જોરદાર પ્રવાહમાં એક યુવક લગભગ પાંચ કલાક સુધી કારની છત પર જીવ બચાવવા બેઠો રહ્યો હતો.
બીજી તરફ લીલીયા તાલુકાના બવાડી ગામની સીમમાં શેત્રુંજી નદીના વધતા પાણી વચ્ચે પરપ્રાંતિય પરિવારના નવ લોકો ફસાઈ જતાં તંત્ર દોડતું થયું હતું. બંને સ્થળે ડિઝાસ્ટર મેનેજમેન્ટ, પોલીસ, ફાયર બ્રિગેડ અને સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા સતત બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. ભારે વરસાદને કારણે જિલ્લામાં ચિંતાજનક સ્થિતિ સર્જાતા લોકોને પણ સાવચેત રહેવાની અપીલ કરવામાં આવી છે.
5 કલાક કારની છત પર બેઠો રહ્યો યુવક, રાતે 2 વાગ્યા સુધી ચાલ્યું રેસ્ક્યુ
સાવરકુંડલાના જુના સાવર ગામ નજીક ઉનાના રહેવાસી મન્સૂરી રિજવાનભાઈ રફીકભાઈ (ઉંમર 21) ઉનાથી જામનગર તરફ પોતાની કાર ટોઇંગ કરાવી રહ્યા હતા. તે દરમિયાન અચાનક રસ્તા પર પાણીનો પ્રવાહ વધી જતા કાર અને તેને ખેંચી રહેલી ક્રેન બંને પાણીમાં તણાઈ ગયા હતા. પોતાની જાન બચાવવા યુવક કારની છત પર ચઢી ગયો અને લગભગ પાંચ કલાક સુધી ત્યાં જ ફસાયેલો રહ્યો. ઘટનાની જાણ થતાં જ ધારાસભ્ય મહેશ કસવાળા, નગરસેવક નાસીર ચૌહાણ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમ, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી અને પોલીસ સ્ટાફ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા. ભારે પાણીના પ્રવાહ વચ્ચે રાત્રે લગભગ 2 વાગ્યા સુધી ચાલેલા દિલધડક રેસ્ક્યુ ઓપરેશન બાદ યુવકને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યો હતો.
લીલીયામાં શેત્રુંજીના પાણી વચ્ચે 9 લોકોનો પરિવાર ફસાયો
અમરેલીના લીલીયા તાલુકાના બવાડી ગામની સીમમાં પણ ભારે વરસાદને કારણે ગંભીર સ્થિતિ સર્જાઈ હતી. શેત્રુંજી નદીમાં પાણીની સતત આવક વધતાં વાડી અને આસપાસનો વિસ્તાર પાણીથી ઘેરાઈ ગયો હતો. અહીં રહેતો પરપ્રાંતિય પરિવારના નવ લોકો જીવ બચાવવા માટે વાડીમાં બનાવેલી ઓરડીની છત પર આશરો લેવા મજબૂર બન્યા હતા. ઘટનાની જાણ થતાં જ લીલીયાના મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી અને ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. જોકે નદીમાં પાણીનો પ્રવાહ સતત વધી રહ્યો હોવાથી બચાવ કામગીરી હાથ ધરવામાં ભારે મુશ્કેલી પડી રહી હતી. હાલ તમામ નવ લોકો સુરક્ષિત હોવાનું તંત્રએ જણાવ્યું છે.
તંત્ર એલર્ટ, લોકોને જોખમી વિસ્તારોમાં ન જવાની અપીલ
અમરેલી જિલ્લામાં ભારે વરસાદ અને નદી-નાળાઓમાં વધેલા પાણીના કારણે અનેક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમો સતત સંવેદનશીલ વિસ્તારો પર નજર રાખી રહી છે અને જરૂર પડે ત્યાં તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. વહીવટી તંત્રે લોકોને વરસાદ દરમિયાન નદી, કોઝવે અને પાણી ભરાયેલા રસ્તાઓ પાર કરવાનો પ્રયાસ ન કરવા તેમજ સત્તાવાર સૂચનાઓનું પાલન કરવાની અપીલ કરી છે. આગામી દિવસોમાં પણ ભારે વરસાદની સંભાવનાને ધ્યાનમાં રાખીને જિલ્લા તંત્ર સંપૂર્ણ સતર્ક બન્યું છે. જેથી કોઈપણ પ્રકારની જાનહાનિ ટાળી શકાય.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Tv13 Gujarati