પરેશ પરમાર, અમરેલી અમરેલી જિલ્લામાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરતાં રાજુલા, જાફરાબાદ અને ખાંભા પંથકમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. ભારે વરસાદના કારણે નદીઓ, ચેકડેમ અને જળાશયોમાં પાણીની જોરદાર આવક થઈ છે. સૌથી મોટી અસર રાજુલાના ધાતરવડી ડેમ-2 પર જોવા મળી છે. જ્યાં ડેમ ઓવરફ્લો થતાં તંત્રને તેના 6 દરવાજા ખોલવાની ફરજ પડી છે.
રાજુલા અને જાફરાબાદ વિસ્તારમાં અતિભારે વરસાદને કારણે ધાતરવડી ડેમ-2 સંપૂર્ણ ભરાઈ ગયો હતો. ડેમમાં પાણીની સતત આવક વધતાં તેના 6 દરવાજા ખોલીને નિયંત્રિત રીતે પાણી છોડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ડેમમાંથી પાણી છોડાતા ખાખબાઈ, હિંડોરણા, વડ, ભચાદર, કોવાયા, લોઠપૂર અને ઉચેયા સહિત 8થી વધુ ગામોના લોકોને સતર્ક રહેવા તાકીદ કરવામાં આવી છે. વહીવટી તંત્ર દ્વારા ગામોમાં સતત મોનીટરીંગ કરવામાં આવી રહ્યું છે અને નદી કિનારે ન જવાની અપીલ કરવામાં આવી છે.
અમરેલી: ભારે વરસાદના કારણે ધાતરવડી ડેમ-2 ઓવરફ્લો

