Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Amreli: સિંહના મોત બાદ વન વિભાગની મોટી કાર્યવાહી, સરસીયાના ઈન્ચાર્જ ફોરેસ્ટર પાસેથી છીનવાયો ચાર્જ

Amreli: સિંહના મોત બાદ વન વિભાગની મોટી કાર્યવાહી, સરસીયાના ઈન્ચાર્જ ફોરેસ્ટર પાસેથી છીનવાયો ચાર્જ

ગુજરાતની શાન ગણાતા એશિયાટિક સિંહોના રક્ષણ સામે ફરી એકવાર ગંભીર સવાલો ઊભા થયા છે. અમરેલી જિલ્લાના ધારી ગીર પૂર્વ હેઠળ આવતી સરસીયા રેન્જના છતડીયા બીટમાં સમયસર સારવાર ન મળવાને કારણે એક 3 થી 4 વર્ષના નર સિંહનું કરૂણ મોત નીપજ્યું છે. આ ઘટના સામે આવ્યા બાદ વન વિભાગમાં ભારે દોડધામ મચી ગઈ છે અને જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

પેટ્રોલિંગના અભાવે સિંહનો લેવાયો ભોગ
છતડીયા બીટમાં અન્ય સિંહ સાથેની ઈનફાઈટમાં ઘવાયેલો આ નર સિંહ વિતેલા 10 દિવસથી અત્યંત પીડામાં હતો. વન વિભાગ દ્વારા યોગ્ય પેટ્રોલિંગ અને મોનિટરિંગ ન થવાને કારણે સિંહની સ્થિતિ દિન-પ્રતિદિન વધુ બગડતી ગઈ હતી. દસ દિવસ સુધી સારવાર વિહોણો રહેલો સિંહ અત્યંત અશક્ત બની ગયો હતો અને તેના ગળાના ભાગે પરૂ તથા ઈયળો પડી ગઈ હતી. છેવટે ગુરુવારે વન વિભાગે તેનું રેસ્ક્યુ હાથ ધર્યું હતું, પરંતુ મોડું થઈ જતાં સારવાર દરમિયાન સિંહે દમ તોડી દીધો હતો.

ઈન્ચાર્જ ફોરેસ્ટર પાસેથી રાતોરાત ચાર્જ છીનવાયો
આ ગંભીર બેદરકારી સામે આવ્યા બાદ વન વિભાગે તાત્કાલિક એક્શન મોડમાં આવીને ધારી રાઉન્ડના ઈન્ચાર્જ ફોરેસ્ટર શિવરાજ ઢાઢલ પાસેથી રાતોરાત ચાર્જ આંચકી લીધો છે. સરસીયા રેન્જમાં ધારી રાઉન્ડ અને છતડીયા બીટ બંનેનો ચાર્જ એક જ અધિકારી પાસે હોવાથી સિંહોના મોનિટરિંગમાં ગંભીર ખામી જોવા મળી હતી. હવે આ ધારી રાઉન્ડનો ચાર્જ અન્ય ફોરેસ્ટર મહેશ પરમારને સોંપવામાં આવ્યો છે.

વન વિભાગની કામગીરી સામે ઊઠતા સવાલો
સરસીયા રેન્જમાં વન વિભાગની લાપરવાહીનો આ કોઈ પહેલો કિસ્સો નથી. અગાઉ પણ લુવારીયા વીડી વિસ્તારમાં એક સિંહણ આ જ રીતે પીડાઈ-પીડાઈને મૃત્યુ પામી હતી, જેમાં પણ માત્ર અધિકારીની બદલી કરીને મામલો રફેદફે કરાયો હતો. આ સિવાય જામવાળા અને જસાધાર વન વિભાગ વચ્ચેના સંકલનના અભાવે ભૂતકાળમાં ભેદી રોગચાળાને કારણે ૮ થી ૧૦ સિંહોના ટપોટપ મોત થયા હતા. વારંવાર બનતી આવી ઘટનાઓ વન વિભાગની ગંભીર બેદરકારી સ્પષ્ટ કરે છે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Tv13 Gujarati