બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં છેલ્લા કેટલાક સમયથી ગેંગવોરની જ્વાળાઓ ભભૂકી રહી છે, જેના કારણે સામાન્ય જનતામાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. વર્ષો પછી શરૂ થયેલા આ લોહિયાળ સંઘર્ષમાં અનેક ગેંગ સામસામે આવી ગઈ છે, જે રસ્તાઓ પર દિવસદહાડે હિંસા આચરી રહી છે. પોલીસ અને પ્રશાસન માટે આ ગેંગવોર અત્યારે સૌથી મોટો પડકાર બની ગયો છે.ઢાકા હાલમાં એક ભયાનક ગેંગવોરની લપેટમાં છે, જ્યાં ઓછામાં ઓછી ચાર મુખ્ય ગેંગ એકબીજાના લોહીની તરસણી બની છે.
આ ગેંગવોરની ભયાનકતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે ગુનેગારો કુહાડી અને અન્ય ધારદાર હથિયારો વડે પ્રતિસ્પર્ધી ગેંગના સભ્યોની હત્યા કરી રહ્યા છે. રિપોર્ટ અનુસાર, જાન્યુઆરીથી માર્ચ દરમિયાન ઢાકામાં અંદાજે 107 લોકોની હત્યા કરવામાં આવી છે. આ હિંસાની શરૂઆત ત્યારે થઈ જ્યારે તારિક રહેમાનની સરકાર આવ્યા બાદ જૂના કેદીઓને જામીન મળવાની પ્રક્રિયા શરૂ થઈ. જેલમાંથી બહાર આવતાની સાથે જ ગેંગસ્ટરોએ પોતપોતાના વિસ્તારો પર વર્ચસ્વ જમાવવા માટે લોહિયાળ જંગ છેડ્યો છે. મામૂન નામના શખ્સની હત્યાથી શરૂ થયેલો આ સિલસિલો ટાઇટન જેવા ગેંગસ્ટરની જાહેરમાં હત્યા સુધી પહોંચ્યો છે.
ઢાકામાં હાલમાં નાના-મોટા અંદાજે 127 જેટલા ગેંગ સક્રિય છે, જેમાં 'નાઈન સ્ટાર ગેંગ', 'ડોન ગેંગ' અને 'ખાન ગેંગ' સૌથી વધુ શક્તિશાળી માનવામાં આવે છે. આ ગેંગ મિરપુર, મોહમ્મદપુર અને હઝારીબાગ જેવા વિસ્તારોમાં વસૂલી, ડ્રગ્સ સપ્લાય અને જમીન હડપવા જેવા ગુનાહિત કાર્યોમાં સામેલ છે. હાલમાં પિચ્ચી હેલાલ અને એમોન જેવા ગેંગસ્ટરો સૌથી વધુ સક્રિય હોવાનું પોલીસ સૂત્રો જણાવી રહ્યા છે. એક તરફ જ્યારે ઢાકામાં આતંકી હમલાના જોખમને પગલે હાઈએલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું, ત્યારે બીજી તરફ આ ગેંગવોરે પોલીસની ઉંઘ હરામ કરી દીધી છે. નિષ્ણાંતોનું માનવું છે કે કાયદો અને વ્યવસ્થાની નબળાઈનો ફાયદો ઉઠાવીને આ ગુનેગારો ફરી બેફામ બન્યા છે. પોલીસ હાલ આ તમામ ગેંગને ન્યુટ્રલાઈઝ કરવા અને શાંતિ સ્થાપવા માટે કડક કાર્યવાહી કરી રહી છે.

