અલ્પેશ ડાભી, ભાવનગરભાવનગર શહેરના કાળીયાબીડ વિસ્તારમાં આવેલી દિલબહાર તરીકે ઓળખાતી જૂની ઓવરહેડ પાણીની ટાંકી છેલ્લા લાંબા સમયથી જર્જરીત હાલતમાં ઉભી છે. ટાંકીનો ઉપરનો ભાગ તૂટી પડ્યો હોવા છતાં તેને સંપૂર્ણપણે ઉતારવાની કાર્યવાહી હજુ સુધી હાથ ધરાઈ નથી. જેના કારણે ત્યાંથી પસાર થતા વાહન ચાલકોમાં ભય અને રોષ ફેલાયો છે. જૂની ટાંકી બિસ્માર બનતા મહાનગર પાલિકા દ્વારા બાજુમાં નવી ઓવરહેડ વોટર ટેન્ક ઊભી કરવામાં આવી હતી.
કાળીયાબીડ વિસ્તાર શહેરનો હાર્ડસમો વિસ્તાર ગણાય છે. જ્યાં દિવસ દરમિયાન હજારો વાહનચાલકો અવરજવર કરે છે. આવી પરિસ્થિતિમાં ટાંકીના ભાગો તૂટી પડવાની શક્યતા નકારી શકાતી નથી. તાજેતરમાં સુરત અને વલસાડમાં પાણીની ટાંકીઓ તૂટી પડવાની ઘટનાઓ સામે આવી હતી, જેને પગલે લોકોમાં ચિંતા વધુ વધી છે.
આ પહેલા પણ શહેરના સૌથી મોટા સરકારી હોસ્પિટલ સર ટી હોસ્પિટલમાં છેલ્લા ત્રણ વર્ષથી વધુ સમયથી 7 માળનું જર્જરીત બિલ્ડિંગ ઉતારવામાં ન આવતા તંત્રની બેદરકારી ચર્ચામાં આવી હતી. હવે કાળીયાબીડની ટાંકીનો મુદ્દો ફરી એકવાર મહાનગર પાલિકાની કામગીરી પર પ્રશ્નચિહ્ન ઊભું કરે છે. મહાનગર પાલિકાના સત્તાધીશો દ્વારા ટાંકી ઉતારવાની કાર્યવાહી ચાલી રહી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. પરંતુ જમીન સ્તરે કોઈ સ્પષ્ટ કામગીરી દેખાતી નથી. સ્થાનિક રહીશો અને વેપારીઓએ તંત્રને તાત્કાલિક પગલાં લેવા અપીલ કરી છે, જેથી કોઈ મોટી દુર્ઘટના બને તે પહેલાં જ જોખમ દૂર થઈ શકે. લોકોનો સવાલ સીધો છે કે શું તંત્ર કોઈ જાનહાનિ પછી જ જાગશે? હવે જોવું રહ્યું કે મહાનગર પાલિકા સમયસર કાર્યવાહી કરે છે કે નહીં.....

