સુરેન્દ્રનગરના ચોટીલામાં સરકારી સંપત્તિ અને પર્યાવરણને નુકસાન પહોંચાડતા તત્વો સામે વહીવટી તંત્ર એક્શન મોડમાં આવ્યું છે. નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણાની ટીમે ઝરીયા મહાદેવ અને વાવડી સરહદે ઓચિંતો દરોડો પાડીને ખનીજ ચોરીનું મોટું નેટવર્ક પકડી પાડ્યું છે. અહીં કોઈપણ મંજૂરી વગર આશરે 8 હેક્ટર સરકારી જમીન પર સેન્ડસ્ટોનનું ગેરકાયદેસર ખોદકામ ચાલી રહ્યું હતું.
રૂપિયા 3.71 કરોડની સંપત્તિ જપ્તકાર્યવાહી દરમિયાન ઘટનાસ્થળ પરથી ગેરકાયદેસર ખનન માટે વપરાતા ભારે વાહનો અને લાખોની કિંમતની રેતી પકડી પાડવામાં આવી છે. તંત્રએ 7 સ્ટોન ક્રશર, 1 હિટાચી મશીન, 1 ડમ્પર અને 1 લોડર સહિત 200 મેટ્રિક ટન રેતી કબજે કરીને કુલ રૂપિયા 3.71 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. સંચાલકો GPCB અને CPCBના પર્યાવરણીય નિયમોને નેવે મૂકીને હવાનું પ્રદૂષણ ફેલાવી રહ્યા હતા અને ખનિજ સંગ્રહના જરૂરી સરકારી રેકોર્ડ કે રજિસ્ટર પણ નિભાવતા નહોતા.
ભૂમાફિયાઓ સામે તડીપારના પગલાંસરકારી જમીન પચાવી પાડીને કરોડો રૂપિયાની ખનીજ ચોરી કરનારા આ સંચાલકોને પાઠ ભણાવવા માટે સરકારે કમર કસી છે. પકડાયેલા આરોપીઓ સામે લેન્ડ ગ્રેબિંગ હેઠળ ગુનો દાખલ કરવાની પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે. આ ઉપરાંત, ભવિષ્યમાં તેઓ ફરી આવો ગુનો ના આચરે તે માટે ભારે દંડની વસૂલાત સાથે તેઓને જિલ્લામાંથી તડીપાર કરવા સુધીની આકરી વહીવટી પ્રક્રિયા ગતિમાં લાવી દેવામાં આવી છે.

