પ્રાઇવેટ સેક્ટરમાં નોકરી કરતા કર્મચારીઓ માટે એક ખૂબ જ રાહતના સમાચાર આવ્યા છે. નોકરી જતી રહેવા પર આર્થિક મદદ પૂરી પાડતી 'અટલ બીમિત વ્યક્તિ કલ્યાણ યોજના' ને ઇએસઆઇસી (ESIC) દ્વારા 30 જૂન 2027 સુધી લંબાવી દેવામાં આવી છે. જો હવે ESI ના દાયરામાં આવતા કોઈ પણ કર્મચારીની અચાનક નોકરી છૂટી જાય છે, તો નવી નોકરી ન મળે ત્યાં સુધી તેમને સરકાર તરફથી બેરોજગારી ભથ્થું મળતું રહેશે.
કોને મળશે આ આર્થિક રાહતનો સાચો ફાયદો?'અટલ બીમિત વ્યક્તિ કલ્યાણ યોજના' સામાન્ય યોજના નથી, પરંતુ તે કર્મચારીઓ માટે સંકટ સમયની ઢાલ છે. તેનો સીધો ફાયદો એવા કર્મચારીઓને મળશે જેઓ કર્મચારી રાજ્ય વીમા (ESI) અધિનિયમ હેઠળ આવરી લેવામાં આવ્યા છે. સરળ શબ્દોમાં કહીએ તો, જો તમારી સેલરીમાંથી દર મહિને ઇએસઆઇ (ESI) ના પૈસા કપાય છે અને તમે એક બીમિત કર્મચારી (Insured Employee) છો, તો તમે આ બેરોજગારી ભથ્થું મેળવવા માટે હકદાર છો. નોકરી છૂટી ગયા પછી જ્યાં સુધી તમે બીજી નોકરી શોધી રહ્યા હોવ, ત્યાં સુધી ઇએસઆઇસી તમને આ હંગામી નાણાકીય સહાય પૂરી પાડે છે. જોકે, આ માટે કર્મચારીએ ESIC દ્વારા નક્કી કરાયેલી કેટલીક શરતો અને નિયમોનું પાલન કરવું જરૂરી છે.
ESIC અને EPFO વચ્ચે શું તફાવત છે?ઘણીવાર નોકરી કરતા લોકો EPFO અને ESIC ના લાભોને એક જ સમજી લેતા હોય છે, પરંતુ વાસ્તવમાં બંનેની ભૂમિકાઓ અલગ-અલગ છે:
EPFO નું કામ: કર્મચારીઓના રિટાયરમેન્ટ સેવિંગ્સ, પ્રોવિડન્ટ ફંડ (PF) અને પેન્શન (EPS) નું મેનેજમેન્ટ કરવાનું છે. EPFO હેઠળ નોકરી જવા પર કોઈ જ બેરોજગારી ભથ્થું આપવામાં આવતું નથી.
ESIC નું કામ: સંગઠિત ક્ષેત્રના કર્મચારીઓને સ્વાસ્થ્ય અને સામાજિક સુરક્ષા પૂરી પાડવાનું છે. આ અંતર્ગત મફત સારવાર, બીમારીની રજાના પૈસા, માતૃત્વ લાભ અને 'અટલ બીમિત વ્યક્તિ કલ્યાણ યોજના' હેઠળ બેરોજગારી ભથ્થું આપવામાં આવે છે.
સ્વાસ્થ્ય સુવિધાઓ અંગે લેવાયા અન્ય મોટા નિર્ણયોઆ ઉચ્ચ સ્તરીય બેઠકમાં માત્ર બેરોજગારી ભથ્થાની મુદત જ નથી વધારાઈ, પરંતુ સ્વાસ્થ્ય સુવિધાઓ અંગે પણ મોટા નિર્ણયો લેવાયા છે:
ભવિષ્યમાં બનનારી તમામ ESIC હોસ્પિટલોનું સંચાલન હવે સીધું ESIC પોતે જ કરશે.
દર્દીઓને પરંપરાગત ચિકિત્સાનો લાભ આપવા માટે આયુષ મંત્રાલય સાથે એક મહત્વપૂર્ણ કરાર (MoU) કરવામાં આવ્યો છે.
સિસ્ટમમાં વધુ પારદર્શિતા લાવવા અને સેવાઓની પહોંચ વધારવા માટે પાંચ નવી ઉપ-ક્ષેત્રીય કચેરીઓ (Sub-regional offices) ખોલવાની જાહેરાત કરવામાં આવી છે.
તબીબી શિક્ષણને પ્રોત્સાહન આપવાના હેતુથી હરિદ્વારમાં એક નવી મેડિકલ કોલેજ અને નવી દિલ્હીમાં ડેન્ટલ કોલેજ સ્થાપિત કરવામાં આવશે.
સાથે જ, સામાજિક સુરક્ષા સંહિતા ૨૦૨૦ હેઠળ 'કર્મચારી રાજ્ય વીમા (સામાન્ય) નિયમ, ૨૦૨૬' ને પણ ઔપચારિક મંજૂરી આપી દેવામાં આવી છે. પ્રાઇવેટ કર્મચારીઓ માટે સરકારનો આ નિર્ણય એક મોટી આર્થિક સુરક્ષા પૂરી પાડશે.

